Get The App

શ્વેત અને અશ્વેત ગોરા અને.... .

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
શ્વેત અને અશ્વેત ગોરા અને....                                      . 1 - image

અમેરિકાના મિનેસોટા શહેરની આ કલંકિત કથા છે. તા.૨૫ મી ૨૦૨૦ના દિવસે એક ગોરા પોલીસે નકલી નોટના આરોપસર અશ્વેત નાગરિક જ્યોર્જ ફલોઈડની ધરપકડ કરી. એવામાં શોવિન નામનો બીજો એક પોલીસ ત્યાં આવી ચડયો. આ ગોરા પોલીસે ખુન્નસથી ફ્લોઈડનું ગળું દબાવ્યું, ગુંગળામણથી જ્યોર્જ ફલોઈડ નિષ્પ્રાણ થયો. કારમી ક્રૂરતાનો કાળો કિસ્સો સર્જાયો. આ અમાનુષી હત્યાના વિરોધમાં અમેરિકાનાં ૨૬ રાજ્યોમાં દાવાનળની માફક હુલ્લડ, હિંસા અને આગચંપીનો ઉશ્કેરાટ ફાટી નીકળ્યો. તેની ભયાનકતા પારખીને તત્કાલીન પ્રમુખ ટ્રંમ્પને બંકરમાં છુપાઈ રહેવું પડયું. 'અશ્વેતોનું જીવન મૂલ્યવાન છે.' એવા સ્લોગન સાથે આ વિરોધી આંદોલન યુરોપના દેશો સહિત કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ પ્રસરી ગયું. સરકાર અને પોલીસની સાન ઠેકાણે લાવવા માટેની ઝુંબેશ અને રેલીમાં અશ્વેત લોકો સહિત વર્ણાવર્ણ કે રંગભેદમાં નહિ માનનાર શ્વેત (ગોરા) અમેરિકાનો પણ જોડાયા.

જ્યોર્જને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર નિર્દય પોલીસ શોવિનની ધરપકડ કરીને તેને જેલ ભેગો કરાયો. તેના આ નિષ્ઠુર અપકૃત્યને લીધે દ્રવી ગયેલી તેની પત્નીએ તેનાથી છૂટાછેડા લેવાનો સંકલ્પ કર્યો. કટ્ટર ગોરાઓ અશ્વેતોને ગમાર જેવા ગણે છે. ભારતીયો પ્રત્યે પણ અંદરખાને તેઓ એવું જ વલણ ધરાવે છે. કાળાગોરા અને ગુલામીના વિવાદમાં જુનિયર માટિન લ્યૂથર કિંગ, રાષ્ટ્રપતિ લિંકન અને જોન કેનેડીની ઘાતકી હત્યાઓ થયેલી છે. ભારતમાં દલિતો પ્રત્યે પણ આવા આત્યાચારો થાય છે તે સામાજિક દૂષણ છે. માણસ માણસ વચ્ચેનો ભેદ અને દ્વેષવૃત્તિ નિદંનીય છે.

માણસો પોતે પોતાને બીજાઓના કરતાં વધારે રૂપાળા, મોટા, ઊંચા, જ્ઞાાની, કુલીન, ધર્મી, બળવાન કે ઉપરવટ છે એવી આપવડાઈ બંધ કરે તો આવી હિંસા અને હત્યાઓનો સિલસિલો અટકી જાય, વિશ્વ વસવાલયક બને.

'' સૃજેલાં ઇશ્વરે પોતે મનુષ્યો સર્વ સારાં છે,

નથી કો' ઉચ્ચ કે નીચાં પ્રભુને સર્વ પ્યારાં છે.''