Get The App

મનુષ્ય માટે કયુ કર્મ શ્રેષ્ઠ ગણાય ?

Updated: Jul 24th, 2019

GS TEAM

Google News
Google News
મનુષ્ય માટે કયુ કર્મ શ્રેષ્ઠ ગણાય ? 1 - image


જે કોઈપણ કર્મ તારા ભાગે આવે તેને જ તું શ્રેષ્ઠ કર્મ જાણ. તે જ તારો ધર્મ છે. તે જ તારો 'સ્વધર્મ' છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન (૨-૪૭) અર્થાત તારો કર્મ કરવામાં જ અધિકાર છે- કર્મફળમાં કદીયે નહિ. તેથી કર્તાપણાનો અહંભાવ તજી, ફલાપેક્ષાથી રહિત થઈ. 

જે કોઈ પણ કર્મ વ્યકિતના ભાગે આવે, તેને સહજભાવે કરવું તે કર્મ વ્યકિત માટે શ્રેષ્ઠ ગણાય. કર્મમાં કાંઈ તારતમ્ય હોતુ નથી. દરેક કર્મ કર્તવ્યની દ્રષ્ટિથી જોઈએ તો સરખુ જ શ્રેષ્ઠ છે. તેથી વ્યકિતના ભાગે આવતુ કર્તવ્યકર્મને ઇશ્વરની ભેટ સમજીને તેનો સહજ સ્વીકાર કરી પુરા હોંશથી કરવું તે વ્યકિતનો 'સ્વધર્મ' છે. પરિસ્થિતીને અનુરૂપ જે મારે કરવું જઈએ તે હું કરું છું. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગીતાજીમાં કહે છે.

નિયંત કુરું કર્મત્વ કર્મ જયાયો હૃકર્મણ: શરિરયાર્ત્રાર ચતેન પ્રસિદ્ધયેદકર્મણ ।।

હે અર્જુન આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપિ કર્તવ્યકર્મ કર, કેમકે કર્મ ન કરવા કરતાં, કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરિર નિર્વાહ પણ નહિ ચાલે. એટલે માણસ માટે શરિર-મન-બુદ્ધિરૂપિ યંત્રને કાર્યશીલ રાખવા માટે પણ કર્મ કરવું જરૂરી છે. કર્મથી શરિર ક્રિયાશીલ રહે છે, અને મન-બુદ્ધિ પણ. વ્યકિતએ તેમના ભાગે આવતુ કર્તવ્યકર્મને ગમા-અણગમાથી પર થઈ કરવું. આમ કરવામાં અસહાયતા કે કોઈ પ્રકારે ફરિયાદ ન હોવી જોઈએ. તું કયુ કર્મ કરે છે. તે અગત્યનું નથી, પણ જે કાંઈ જ્યારે પણ કરે છે, તે ઇશ્વરને અર્પણ કર !

'યદકરોષી યદનાસિ યજુહોષિ દદાસિયત્ ।

યત્ પર્સ્યાસ, કૌન્તેય તત્કુરુસ્વ મદપર્ણમ્ ।।

શ્રી કૃષ્ણ કહે છે કે કૌન્તેય તું જે કરે. જે ભોગવે જે હોમે જે દાન કરે જે તપ કરે, તે સઘળું મને અર્પણ કર. કર્મ ઇશ્વરને અર્પણ કરવું એટલે પોતાના ભાગે આવતા દરેક કર્મને ઇશ્વરની ભેટ તરીકે સ્વીકારી લઈ શ્રેષ્ઠ રીતે, પ્રેમપુર્વક કરવું. જે કાંઈ કર્મ તું કરે તેને પુરી લગનથી, પ્રેમથી, આનંદથી કર.

તારી લાલસા કે અહંકારને એમાં વચ્ચે આવવા દઈશ નહિ. આમ કર્તવ્યની ભાવનાથી દરેકે દરેક કર્મ કરવામાં આવે તો વ્યકિતના રાગ-દ્વેષ ધીરે ધીરે દુર થતા જાય, કર્મ કર્યાનો, સંતોષ થાય. આનંદ આવે મન સ્વચ્છ પ્રસન્ન રહે. કર્મ જ યોગ બની જાય ! યોગ કર્મસુકૌસલમ્ વળી કર્મ પોતે જ આનંદનું સાધન બની જાય છે.

- ધનજીભાઈ નડીઆપરા

Tags :