ભગવાન શિવજી કયા ભક્ત ઉપર પ્રસન્ન થાય છે?
સ્વામી વિવેકાનંદજી, રામેશ્વર મંદિરની મુલાકાતે ગયેલા. ત્યાં એકઠા થયેલ જનસમૂહને, સંબોધતાં પ્રવચન આપતાં - કહેલું કે:
'ધર્મ પ્રેમમાં રહેલો છે. કેવળ અનુષ્ઠાનોમાં નહિ. હૃદયના વિશુધ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. તન-મનથી પવિત્ર બની મંદિરમાં જઇ હૃદયના ભાવથી શિવજીની ઉપાસના કરીએ તો જ યોગ્ય કહેવાય. જેઓ તન-મનથી પવિત્ર છે, તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે. આંતરિક ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. એ વિના બાહ્ય ઉપાસનાનો કશો જ અર્થ નથી.'
તીર્થ ધામમાં જઈશું એટલે પાપ ધોવાઈ જશે એવું માનવું એ અધોગતિ છે. આવી ખોટી સમજથી પાપોમાં વધારો થાય છે. સેંકડો મંદિરો હોય છતાં જ્યાં 'અપવિત્ર લોકો' રહેતાં હોય તો તે સ્થળેથી 'તીર્થ' અદ્રશ્ય થઇ જાય છે. સર્વ ઉપાસનાનો અર્થ છે: પવિત્ર થવું અને બીજાંનું કલ્યાણ કરવું.
શિવભગવાનને કેવો ભક્ત ગમે તે વિષે સ્વામીજીએ એક દ્રષ્ટાંત આપેલું.
'એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો. તેમાં બે માળી કામ કરતા હતા. એમાંનો એક માળી ખૂબ આળસુ હતો. તે બિલકુલ કામ કરતો નહીં. માત્ર જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઇ, હાથ જોડી કહેતો, 'મારા માલિક કેટલા સુંદર છે ?'' અને એમ કહી તે નાચતો. બીજો માળી ઝાઝું ન બોલે - પણ સખત મહેનત કરે. ફળ-શાકભાજી કાળજીથી ઉગાડે ને બધો માલ, માલિકને પ્રેમથી પહોંચાડે. વાડીમાં આવનાર ગરીબોને માલિકને કહી ફળ ખવડાવે. સેવા કરે. આ બે માળીમાંથી માલિકને કોણ વધુ પ્રિય હશે ? જવાબ સ્પષ્ટ છે. મહેનત કરનારો ને પ્રેમ દર્શાવનારો - સેવાભાવી છે તે.
આ રીતે શિવજીના મંદિરમાં જનારો કેવળ શબ્દોથી પ્રાર્થના - મંત્ર પ્રેમ વગર બોલ્યા કરે તો શિવજીને ક્યાંથી ગમે ? બીજો માળી મહેનતુ પ્રામાણિક સેવા ધર્મી હતો તે જ ગમે ને ? આ રીતે સર્વસૃષ્ટિના માલિક શિવજીને સરળ, સેવાભાવી, કર્મશીલ, સર્વ પ્રત્યે કરુણાભાવ રાખનારો જ ભક્ત ગમે ને ?
સૃષ્ટિનાં સર્વ જીવો પ્રત્યે દયા રાખે. દીનદુઃખિયાની સેવા કરે.... પ્રાણીઓની સેવા કરે તે જ શિવજીને ગમે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, જે સેવા કરે છે તે શ્રેષ્ઠ છે.
'જે ભક્ત ભગવાન શિવને કેવળ મંદિરમાં જ જુએ છે તેના કરતાં, જે મનુષ્ય દીનદુઃખિયામાં શિવજીનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વિના તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવજી વધુ પ્રસન્ન થાય છે.'