Get The App

જયાં અનીતિ ત્યાં અશાંતિ

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
જયાં અનીતિ ત્યાં અશાંતિ 1 - image



આ દુનિયામાં દરેક વ્યકિત શાંતિ ચાહતો હોય છે. આ શાંતિની શોધ અવિરત ચાલતી જ રહે છે પણ, તેમ છતાં જેમ જેમ ઉંમર અને પરિસ્થિતિ બદલાય તેમ તેમ જીવનમાં અશાંતિ વધતી જ રહે છે. શાંતિ એને શોધેય મળતી નથી. કહેવા ખાતર પૂછાયેલા પ્રશ્નનો જવાબ તો.. હ...ઓ શાંતિ એમ ત્વરિત આપી દે છે, પણ વાસ્તવમાં શાંતિ છે કે નહિ એ તો એને જ ખબર હોય.

આ શાંતિની વ્યાખ્યા વ્યકિતએ વ્યકિતએ અલગ અલગ હોય છે. કોઈની શાંતિ બીજાની અશાંતિ પણ હોય અને કોઈની અશાંતિ બીજા માટે શાંતિ પણ હોઈ શકે. પણ ખરેખર જોવા જઈએ તો જે કામની વ્યસ્તતા વચ્ચે પણ થોડા પોતાના અને પરિવાર માટે સમય ફાળવે છે એને થોડી-ઘણી અશાંતિમાંથી રાહત મળે ને શાંતિ પામે એવું બની શકે. મૂળ વાત છે શાંતિની શોધની જે આજના માનવી માટે દુર્લભ બનતી જાય છે. શાંત રહેવુ અને શાંતિ બંને અલગ બાબત છે.

બન્યુ છે એવું કે આજનો માનવી રઘવાયો બન્યો છે. નામ અને દામ માટે. અને આમેય નામનેદામ મળે એ માનવીની ગૌરવની બાબત છે તેની ના નહીં. પણ જે રઘવાટ કરે છે એ મોટી ભૂલ કરે છે. માણસ પાગલ બની જ્યારે આ બંનેની પાછળ પડે છે ત્યારે એ અવિવેકી બને છે, ભ્રષ્ટ બને છે અહંકારી બને છે. પોતે જ પોતાના કંન્ટ્રોલમાં નથી રહેતો અને તે અનીતિ આચરવાના રસ્તા શોધવા લાગે છે. પોતે તો કરે જ છે સાથે અન્યોને પણ ઉશ્કેરે છે જેથી પેલા વચટીયાઓ પણ શાંતિથી જોજનો દૂર રહે છે.

સાચો હોય કે ખોટો હોય પણ અનીતિ માણસને ઊંઘવા દેતી નથી. અનીતિ આચરી જે ઊંઘે એ માણસની ગણતરીમાં આવે જ નહીં. માણસ સહજ સ્વભાવ  છે કે કોઈકનું ખોટી રીતે કરી નાખ્યું હોય કે વ્યવહારમાં અનીતિ આચરી હોય એવો માણસ કદાપી શાંતિ ના પામે. એ સતત ઉચાટ, ટેન્શન અને ભયમાં જ જીવતો હોય માટે અનીતિ એ ભયની જનની છે અને આ  ભદ્ર માણસની શાંતિ હણી લે છે અને માણસ સતત અશાંત જ રહેતો હોય. એટલે માણસે પહેલાં તો ભયને ભગાડવો પડે. ભય અનીતિ આચરી એટલે આવ્યો હતો માટે નીતિથી ચાલો તો જ ભય ભાગે ને ભય ભાગે તો શાંતિ એની મેળે જ છે.  શાંતિ શોધવી પડે એવી ચીજ નથી. એ તો મળવા તૈયાર જ છે.

આ શાંતિ કેવળ ધ્યાન-સાધના કે આરાધના કરવાથી જ મળે એવું સાવ નથી. એ તો આ ભયને ભગાડયા પછીની સ્થિતિ છે. અનીતિ આચરી કેવળ ધ્યાન-સાધના કરવાથી અશાંતિ જતી નથી. જેમ અનીતિ ભયની જનક છે તેમ નીતિ. એ શાંતિની જનક છે. જીવનમાં શાંતિ ના હોય તો કશું જ નહીં.

નીતિથી ચાલવાવાળા વ્યકિતને શાંતિ સામેથી મળવા આવતી હોય છે.  ચારેય ધામની જાત્રાઓ વારંવાર કરવાથી કે હોમ-હવન-યજ્ઞાો કરાવાથી પણ ઘરમાં- સમાજમાં રાષ્ટ્રમાં અશાંતિ એટલા માટે કાયમ રહે છે. કારણકે લોકો અનીતિ કરવામાં ઉસ્તાદ બની રહ્યા છે. કહીં પે નિગાહે કહીંપે નિશાના ।।।

નીતિના નામે ધર્મમાં અનીતિ કરી પેલા આગળ કહ્યા તે નામ અને દામ મેળવવા લોકો પડાપડી કરી રહ્યા હોય છે. કારણકે ધર્મમાં જેટલી અનીતિ આચરાય છે તેટલી ક્યાંય નથી આચરાતી. ને પાછી જલ્દી બહાર પણ નથી આવતી. મોટા મોટા મંદિરોની કરોડોની આવક ભગવાન ક્યાં મૂક્તા હશે ? જ્યારે વહીવટદારોની અનીતિ પકડાય છે ત્યારે આખા સમાજમાં અશાંતિ ફેલાઈ જતી હોય છે. જ્યાં શાંતિ લેવા જઈએ છીએ ત્યાં જ આટલી અનીતિ ?

સમાજમાં દરેક વ્યકિત શાંતિ ઝંખે છે. શાંતિતો જ મળશે. જ્યારે માણસ અનીતિ કરતાં ડરે. અનીતિ આચરવાવાળો ગમે તેટલાં ટીલાં-ટપકાં કે ધર્મધ્યાન કરે, કે રાગડા તાણી સ્તુતિઓ કે પ્રાર્થના ગાય પણ આવો માણસ નાસ્તિક જ કહેવાય. આવાને ધાર્મિક કહેવાય જ નહીં, ને આવો માણસ સતત અશાંત જ રહેતો હોય છે.

શાંતિની ઇચ્છા રાખનારે દરેક જાત ઉપર કડક જાપ્તો રાખવો પડતો હોય છે. કોઈ લોભ-લાલચ-લોભ કે વાસનાને તાબે થયા વગર તથા કોઈને કશીય કનડગત કર્યા વગર મોજીલા- મસ્તીલા કે રંગીલા બનીએ તો શાંતિ તો હાથવેંતમાં જ છે. ચાલો શોધીએ આપણા ગયા પછી લોકો ઓમ શાંતિ કહે એનો શો અર્થ ?

- દિલીપ રાવલ

Tags :