- મહર્ષિ માનવ મનના અભ્યાસી હતા. તેમણે પત્નીની માનસિક સ્થિતિ જાણી લીધી. (વ્યભિચાર મુનિર્જ્ઞાત્વા યત્નયા:) પત્નીના માનસિક વ્યભિચારની જાણ થતાં જ તેમણે મિજાજ ગુમાવી દીધો. પુત્રોને આદેશ કર્યો. 'હે પુત્રો, તમારી માતાએ આજે પાપ કર્યું છે. આ પાપણીને હમણાં જ મારી નાખો.'
એક દિવસ પરશુરામજીના માતા રેણુકા ગંગા કિનારે જળ ભરવા ગયાં હતાં. ત્યાં તેમણે કમનીય ગંધર્વરાજ ચિત્રરથને જોયો. તેણે કમળની માળા પહેરી હતી. અપ્સરાઓ સાથે જળવિહાર કરી રહ્યો હતો. જળક્રિડા કરી રહેલા યુવાન ચિત્રરથનો દેહાકાર અને તેજ જોઈને રેણુકા બે ઘડી જાતને ભૂલી ગયાં. બે પળ માટે રેણુકાની આંખો પલકવાનું ભૂલી ગઈ. અચાનક તેમને યાદ આવ્યું કે તે જળ ભરવા આવ્યાં છે. પતિદેવના હવનનો સમય થઈ ગયો છે. તે તરત ઉતાવળે પગલે આશ્રમમાં આવ્યાં. જળનો કળશ મહર્ષિ જમદગ્નિ સામે મૂકીને હાથ જોડી ઊભા રહ્યાં. મહર્ષિ માનવ મનના અભ્યાસી હતા. તેમણે પત્નીની માનસિક સ્થિતિ જાણી લીધી. (વ્યભિચાર મુનિર્જ્ઞાત્વા યત્નયા:) પત્નીના માનસિક વ્યભિચારની જાણ થતાં જ તેમણે મિજાજ ગુમાવી દીધો. પુત્રોને આદેશ કર્યો. 'હે પુત્રો, તમારી માતાએ આજે પાપ કર્યું છે. આ પાપણીને હમણાં જ મારી નાખો.'
મહર્ષિ આદેશ આપીને ગુસ્સામાં પગ પછાડી આશ્રમની બહાર નીકળી ગયા. ત્યાં બેઠેલા બધા પુત્રો એકબીજાની સામે જોવા લાગ્યા. ભલે પિતૃઆજ્ઞાા હતી પણ માતાની હત્યા કરતા કોઈ તૈયાર ના થયું. પરશુરામ સૌથી નાના પુત્ર હતા. તે આજ્ઞાાપાલક હતા. અને તે પિતાજીના યોગ અને તપનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. તે આજ્ઞાાપાલન કરવા તૈયાર થયા. તેમણે ફરસી ઉપાડી. પહેલાં માતાને અને ત્યારબાદ પિતૃઆજ્ઞાાનું ઉલ્લંઘન કરતા ભાઈઓને ખતમ કરી નાખ્યા. આ બાજુ મહર્ષિ જમદગ્નિ આશ્રમથી દૂર જતા હતા. ગુસ્સો તો હતો. પણ તેમને પોતાના ઉગ્ર સ્વભાવથી થનારી દુર્દશાનો વિચાર આવ્યો. મનોમન પસ્તાવો થયો. તેમને લાગ્યું મિજાજની આ ઉગ્રતા વધુ પડતી હતી. તે તરત આશ્રમમાં પાછા ફર્યા. ઘટના ઘટી ગઈ હતી. પત્ની રેણુકા અને પુત્રોના મૃતદેહો પડયા હતા. તેમણે લોહીવાળી ફરસી સાથે ઉદાસ બેઠેલા પરશુરામ સામે જોયું. 'પુત્ર, મારા ગુસ્સૈલ મિજાજથી આ શું થઈ ગયું !! મારે આવેશમા ંઆવી, આવી આજ્ઞાા ના આપવી જોઈએ. કુટુંબની આ દુર્દશાનું કારણ હું છું. આ મારાથી થયેલું પાપ છે. પણ પુત્ર, છતાં... છતાં મને એક વાતનો સંતોષ છે. તેં કશો વિચાર કર્યા વગર મારી આજ્ઞાાનું પાલન કર્યું છે !! પુત્ર, હું પ્રસન્ન છું. તું મારો આજ્ઞાાપાલક વહાલો પુત્ર છે. તારી જે ઇચ્છા હોય તે વરદાન માંગી લે. 'પરશુરામ ઊઠયા. પિતાના ચરણસ્પર્શ કર્યો.' પિતાજી, હું માતાને અને ભાઈઓને ખૂબ પ્રેમ કરું છું. આપ બધાને જીવનદાન આપો. અને એવી રીતે જીવતા કરો કે તેમને યાદ પણ ના રહે કે મેં તેમને માર્યા હતા.' મહર્ષિના યોગબળ અને તપોબળથી સૌ નિદ્રામાંથી ઉઠે તેમ સકુશળ બેઠાં થઈ ગયાં અને જાણે કશું બન્યું જ નથી એમ વ્યવહાર કરવા લાગ્યા. શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંધમાં ઉલ્લેખ છે કે (પિતૃર્વિદ્વાંસ્ત પોવીર્યં રામશ્ચક્રે સુહ્યરૂધમ) પરશુરામે પોતાના પિતાજીનું તપોબળ જાણીને જ પોતાના સ્વજનોનો વધ કર્યો હતો. જેથી પિતૃ આજ્ઞાાનું ઉલ્લંઘન ના થાય અને પિતાજીને તેમના ઉતાવળિયા ઉગ્ર મિજાજથી થતા વિનાશક પરિણામનો બોધ થાય.
આ તો પુરાણકથા છે. પણ આજે જીવનદાન આપવા કોઈ સમર્થ નથી. આ યુગમાં માણસ પાસે એટલું યોગબળ કે તપોબળ નથી કે તે મંત્ર ફૂંકીને મરેલાંને જીવતા કરી દે. આ દુનિયામાં ભાગ્યે જ એવી વ્યક્તિ હશે જેને કદી ક્રોધ ના આવ્યો હોય. પ્રસંગોપાત ગુસ્સે થવું, ખફા થવું, આવેશમાં આવવું. તામસી બનવું. એ સ્વાભાવિક છે. જીવનમાં અણગમતી ઘટના ઘટે ત્યારે માણસ તેની સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેના પર તેના ભવિષ્યનો આધાર રહે છે. જોકે, ઘટતી ઘટના પર આપણો કાબૂ નથી હોતો પણ તે સમયે કેવું વર્તન કરવું તે આપણા હાથમાં હોય છે. બની રહેલા બનાવ વખતે જો માણસનો અહમ્, ફાંકો, ફિશિયારી, ધિક્કાર, કામના, કપટ કે વેરભાવ વચ્ચે આવે તો તેનાથી અવિવેકી અને અવિચારી વર્તન થવાનું જ. અને એ વર્તનનું પરિણામ છેવટે નુકસાનકારક જ આવવાનું. આજે માણસને બધાના ઉપરી થવું છે. તેનું અને તેની આસપાસનું બધું તેની ઇચ્છા મુજબ, તેના હુકમ મુજબ ચાલે તેમ તે ઇચ્છે છે. અને જો એમ ના થાય તો તેનો મિજાજ ઠેકાણે રહેતો નથી.
માર્ક ટ્વેઈનની નવલકથા 'હકલબરી ફીન'માં એક ચોટદાર પ્રસંગનો ઉલ્લેખ છે. હબસી જિમને એક દીકરી હતી. તેનું નામ એલિઝાબેથ. ચારેક વરસની એલિઝાબેથને એકવાર સખત તાવ આવ્યો. તાવ ઉતરતો નહોતો. ઘણા દિવસો સુધી તાવમાં રિબાયા બાદ માંડ તે સાજી થઈ.
ચોમાસાની ઋતુ હતી. ક્યારેક વરસાદ પડતો, પવન જોરદાર ફૂંકાતો, હબસી જિમ ઓરડામાં બેઠો બેઠો કામ કરતો હતો. પુત્રી એલિઝા બારણા પાસે ઊભી હતી. સ્મિત કરતી તે પિતાને કામ કરતાં જોઈ રહી હતી. એવામાં પવનનો સપાટો આવ્યો. બારણું ખૂલી ગયું. પવનને લીધે બારણું જોરથી અથડાયું. જિમને એમ કે એલિઝા કહ્યા વગર જાતે બારણું બંધ કરી દેશે. પણ એ તો હસતી ઊભી હતી. જિમને કહ્યું, 'એલિ, જરા બારણું બંધ કર.' પણ તે ઊભી જ રહી. તેણે બારણું બંધ ના કર્યું. જિમે ફરી બૂમ પાડી. 'એલિ, જલદી બારણું બંધ કર.' હજી તે ત્યાં જ ઊભી હતી. તેને કોઈ અસર ના થઈ. હવે જિમે ઊંચા અવાજે હુકમ કર્યો. 'એલિ, સાંભળતી કેમ નથી ? બારણું અથડાય છે, બંધ કર.' પણ દીકરી તો ઊભા ઊભા હસતી હતી. હવે હબસી જિમનો મિજાજ ગયો. તે ઊભો થયો. ગુસ્સામાં તેણે એલિઝાને માથા પાછળ એવી ઝાપટ મારી કે તે ત્યાં જ ફસડાઈને જમીન પર પડી ગઈ. જિમ બીજા રૂમના બારી બારણાં બંધ કરવા ગયો. પાણી પી ને પાછો આવ્યો. હજુ એલિએ બારણું બંધ કર્યું નહોતું. જિમ બબડયો. આ છોકરી કશું કહ્યું કરતી નથી. અત્યારથી જ મિજાજી થઈ ગઈ છે. પણ તેણે જોયું એલિઝા નીચું જોઈને રડી રહી હતી. હજુ જિમને બાળકીનું રૂદન દેખાતું નહોતું. તેને તો એ વાતનો ગુસ્સો હતો કે તે બારણું કેમ બંધ નહોતી કરતી !!
છેવટે જિમે બારણું બંધ કર્યું. થોડી શાંતિ થઈ. અચાનક જિમ થંભી ગયો. એલિ કદી આવું કરતી નથી. તેની દરેક વાત માની લે છે. આજ્ઞાાકારી છે. તો પછી આજે ... આજે કેમ આવું કરે છે ? જિમ તેની પાછળ ગયો અને તેને બિવડાવતો હોય તેમ જોરથી 'હાઉઉ...' કરી હાક મારી. અરે, એ તો બેસી જ રહી. ઊભી પણ ના થઈ. જિમને પસ્તાવો થયો. તેણે દીકરીને ઊંચકી લીધી. બાથ ભરી ગળે લગાડી દીધી. કદાચ તેને તાવને લીધે નબળાઈ આવી હશે. જિમ તેને લઈ ડોક્ટર પાસે ગયો. ત્યારે તેને ખબર પડી કે સખત તાવને લીધે એલિ તદ્દન બહેરી અને મૂંગી થઈ ગઈ હતી. જિમ ત્યાં જ રડી પડયો. તેને ખૂબ ખૂબ પસ્તાવો થયો. દીકરીને હૈયા સરસી ચાંપી દીધી. અરેરે... તેનાથી આ શું થઈ ગયું. તેને લાગ્યું કે દીકરી ઉધ્ધત થઈ ગઈ હતી. ખરેખર તો તેનો ઉધ્ધત સ્વભાવ ઠેકાણે નહોતો. જ્યારે ક્રોધમાં, આવેગમાં કે ઉશ્કેરાટમાં આપણો મિજાજ ખસી જાય ત્યારે સત્ય જાણ્યા વગર - પરિણામનો વિચાર કર્યા વગર - આપણે અવિવેકી, અવિચારી વર્તન કરી બેસીએ છીએ.
(ક્રમશ:)
- સુરેન્દ્ર શાહ


