શરીર મેલું થાય ત્યારે મલિન શરીરનો ત્યાગ કરી નવું શરીર આત્મા ધારણ કરે છે.'
- મેલાં વસ્ત્રનો ત્યાગ કરી આપણે શુદ્ધ વસ્ત્ર પહેરીએ એવી જ રીતે જ્યારે આ
- જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.'
શ્રી મદ્ ભગવદ ગીતાનો બીજો અધ્યાય એ સાંખ્ય યોગ છે. સાંખ્યનો અર્થ થાય છે જ્ઞાાન. શ્રીકૃષ્ણ ભગવાન બીજા અધ્યાયથી જ બોલવાની શરૂઆત કરે છે. પહેલા અધ્યાયમાં ભગવાન કશું બોલતા નથી. બીજા અધ્યાયની અંદર શ્લોક સંખ્યા ૭૨ છે. શરૂઆતમાં સંજ્ય ધૃતરાષ્ટ્રને કહે છે કે, કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર જ્યારે અર્જુન નિષ્ક્રિય થઈ ગયો કે હું યુદ્ધ નહિં કરૂ અને રથના પાછળના ભાગમાં બેસી ગયો ત્યારે ભગવાને અર્જુનજીને સક્રિય કરવા માટે જ્ઞાાનોપદેશનો પ્રારંભ કર્યો.
અહીં રથના પાછળના ભાગમાં બેસવું એનો અર્થ એવો થઈ શકે કે, પ્રાચિનકાળમાં જ્યારે યુદ્ધ થતાં હતાં ત્યારે યુદ્ધના પણ નિયમો હતાં. કોઈપણ વ્યાક્તિ યુદ્ધ કરતાં કરતાં થાકી જાય અને એને નિવૃત્તિ લેવી હોય તો રથના પાછળના ભાગમાં જઈને બેસે તો કોઈ શત્રુ એના ઉપર વાર ન કરે. પણ અર્જુનજી તો નિષ્ક્રિય જ થઈ ગયાં હતાં.
ભગવાને અર્જુનજીને કહ્યું કે, 'તારામાં આવી નિષ્ક્રિયતા આવી ક્યાંથી !? આ નિષ્ક્રિયતાથી તો તારી અપકિર્તિ થશે.' અર્થાત્ ભગવાન એમ કહેવા માંગે છે કે, 'આતતાઈયોને (અનર્થ કરનારાઓને) મારવા જ જોઈએ.' અર્જુનજીને 'મોહ' નહોતો પણ એમને 'વિષાદ' હતો કે જે વડિલોની ગોદમાં બેસી મેં જીવનનું શિક્ષણ મેળવ્યું, જે ગુરુજનોએ મને અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા પ્રદાન કરી એ લોકોને મારી હું સુખ ભોગવી શકીશ!? એ વિષાદને ભગવાન શ્રીકૃષ્ણએ દૂર કર્યો. ભગવાને કહ્યું કે, 'હે અર્જુન ! તું પંડિત જેવાં વાક્યો બોલે છે. પણ, પંડિતો જીવતાનો કે મરેલાનો શોક કરતાં નથી. તેં જે વડિલો અને ગુરુજનોની વાત કરી તો જો તું તેમના શરીર સાથે પ્રેમ કરતો હોય તો શરીર નાશવંત છે અને આત્મા સાથે પ્રેમ કરતો હોય તો આત્મા અમર છે. આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ એને બાળી શકતો નથી કે જળ એને ડુબાડી શકતો નથી અને વાયુ એને ઉડાડી નથી શકતો. જેવી રીતે આપણે વસ્ત્ર પહેરીએ અને આપણું વસ્ત્ર મેલું થાય એ મેલાં વસ્ત્રનો ત્યાગ કરી આપણે શુદ્ધ વસ્ત્ર પહેરીએ એવી જ રીતે જ્યારે આ શરીર મેલું થાય ત્યારે મલિન શરીરનો ત્યાગ કરી નવું શરીર આત્મા ધારણ કરે છે.'
આત્માની અમરતા બતાવ્યા પછી સ્થિત-પ્રજ્ઞા યોગીના લક્ષણ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનજીને વર્ણવ્યાં છે. જે ગીતાજીનાં બીજા અધ્યાયમાં શ્લોક નંબર ૫૫થી ૭૨માં શ્લોક સુધી સ્થતપ્રજ્ઞાના લક્ષણો વર્ણવ્યાં છે. બીજા અધ્યાયના ૫૪માં શ્લોકમાં અર્જુનજીએ પ્રશ્ન કર્યો કે, 'સ્થતપ્રજ્ઞાસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ; સ્થતધી: કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્.' અર્થાત્ 'અધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્ય (સ્થિતપ્રજ્ઞા)નાં લક્ષણો ક્યાં છે? તે કેવી રીતે બોલે છે અને તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે?' ત્યારે ભગવાને કહ્યું કે, 'પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન; આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થતપ્રજ્ઞાસ્તદોચ્યતે.' અર્થાત્ 'હે પાર્થ ! મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઈન્દ્રિયતૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન, આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે, ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલો, સ્થિતપ્રજ્ઞા કહેવાય છે.'
બીજા અધ્યાયના ૫૬માં શ્લોકમાં ભગવાન કહે છે કે, 'દુ:ખષ્વેનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:; વીતરાગભયક્રોધ: સ્થધીર્મુનીરૂચ્યતે.' અર્થાત્ જે મનુષ્ય ત્રિવિધ સંતાપોમાં પણ મનમાં વિચલિત થતો નથી અથવા સુખ પામી રાજી થતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તે સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.' આમ, સ્થિતપ્રજ્ઞા યોગીના લક્ષણો વર્ણવતાં-વર્ણવતાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કહે છે કે, આવો સ્થતપ્રજ્ઞા યોગી જ બ્રહ્મ અને નિર્વાણ પદને પામે છે. જે સ્થતપ્રજ્ઞા યોગીની પરિભાષા ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને કરે છે એ જ ભાવ ગંગાસતિએ પોતાના પદમાં વર્ણવ્યો કે, 'હરખને શોકની જેને આવે નહીં હેડકી, એને આંઠેય કોર આનંદ.'
આમ, ગીતાજીનો બીજો અધ્યાય અતિ મહત્ત્વનો છે. તો આવો ભગવાનના ઉપદેશોને ગ્રહણ કરી આપણે આપણાં જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના... સાથે અસ્તુ.!
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી