Get The App

અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું પ્રાગટય થયુ ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદની હેલી છલકાઈ

Updated: Jan 17th, 2024

GS TEAM

Google News
Google News
અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું પ્રાગટય થયુ ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદની હેલી છલકાઈ 1 - image

ભ ગવાન શ્રીરામજી અયોધ્યામાં પ્રગટયા ત્યારે અયોધ્યાવાસીઓના જે આનંદની અનુભૂતિ હતી એનુ વર્ણન તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં કર્યું. ભગવાન વિષ્ણુએ સર્વ પ્રથમ ચતુર્ભુુજ સ્વરૂપે કૌૈશલ્યા માતાજીને દર્શન આપ્યા. ચતુર્ભુુજ સ્વરૂપના દર્શન કરી કૌશલ્યા માતાજીએ ભગવાનની સ્તુતી કરી. માતાજીએ કહ્યું કે તમે બાળક બની જાવ. ભગવાને બાલ સ્વરૂપ ધારણ કર્યું, રામાયણમાં વર્ણન છે એક જ ભગવાન ચાર સ્વરૂપે પ્રગટયા. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સેવકોએ મહારાજ દશરથજીને સમાચાર આપ્યા જેનું વર્ણન કરતા તુલસીદાસજી મહારાજ લખે છે : "દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાના, પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવવુ બાજા". જ્યારે સેવકોએ સમાચાર આપ્યા કે તમારે ત્યા પુત્રનો જન્મ થયો છે ત્યારે મહારાજ દશરથજીને આનંદ થયો. આનંદ સ્વરૂપ ભગવાનશ્રી રામજી પધાર્યા ત્યારે દશરથ મહારાજ બ્રહ્માનંદમાં ડુબ્યા.

તુલસીદાસજી મહારાજ વર્ણવે છે : "જાકર નામ સુનત શુભહોઈ મોરે ગ્રેહ આવા પ્રભુ સોઈ" મહારાજ દશરથજી વિચારે છે કે જેનું નામ લેવાથી શુભ થાય એ પરમતત્ત્વ મારે ત્યાં પુત્ર બનીને અવતરીત થયું. મહારાજ દશરથજીએ સુચના આપી વાજિંત્રો વગડાવો, ઉત્સવ ઉજવાવો, વશિષ્ટ ઋષી આદિ મહાત્માઓ રથમા બેસીને આવ્યા. ભગવાન પ્રગટયા ત્યારે દશરથજી મહારાજે શું કર્યું. રામચરિત માનસમાં દુહો છે - નાન્દી મોક્ષ શ્રાધ કરી જાત કર્મ સબકીન હાટક ધૈનુ બસન મની મૃપ વિપરન તહદિન. મહારાજ દશરથજીએ માંગલિક શ્રાધ કર્યું, બ્રાહ્મણોને વસ્ત્રોનું, મણીનું અને ગાયોનું દાન કર્યું. આપણે ત્યાં ગૌ-ધન એને ઉત્તમ ધન માનવામાં આવતુ હતું.

તુલસીદાસજી મહરાજ વર્ણન કરે છે : "કૈકેઈ સુતા સુમિત્રા દોઉ સુંદર સુત જનમત ભયઓહુ અવધપુરી સોહી એહી ભાતિ પ્રભુહી મિલન આઈ જનુ રાતી" - અર્થાત્ કૈકેઈ નંદન, સુમિત્રા નંદન અને કૌશલ્યા નંદનને જોઈ અયોધ્યાના પ્રજાજનો પરમ પ્રસન્ન થયા. જ્યારે ભગવાન શ્રીરામજીનું પ્રાગટય થયુ ત્યારે ૧ મહિના સુધી સુર્યનારાયણ ભગવાન અસ્ત ન હતા થયા એવું લાગતુ હતુ જાણે આજે જ ભગવાન રામજીનું પ્રાગટય થયું છે. સરયુ નદી ઉછાળા લે છે, સરયુ નદીને પુછયુ, અત્યારે તો ઉનાળો છે તો તારામાં પુર કેમ ? ત્યારે સરયુ નદીએ જવાબ આપ્યો કે આમ તો નિયમ છે કે નદી સમુદ્રને મળવા જાય પણ આજ તો કૃપાસિંધુ મને મળવા આવે છે. રામ જન્મોત્સવ નિમિત્તે મહારાજ દશરથજીએ જેમને જેમને દાન કર્યું એ વ્યક્તિએ દાન પોતાની પાસે નથી રાખ્યુ, પણ વ્યક્તિએ એ દાન નાનામાં નાના માણસને વહેંચ્યુ. 

આમ અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું પ્રાગટય થયુ ત્યારે અયોધ્યાના પ્રજાજનોને આનંદની હેલી છલકાઈ. આધ્યાત્મિક રીતે જો વિચારીએ તો આપણુ જે શરીર છે એ જ અયોધ્યા નગરી છે અને શરીર રૂપી નગરમાં આત્મા છે એ જ રામ છે અને શાંતિ છે એ સીતાજી છે પણ શાંતિરૂપી સીતાજીનું મોહરૂપી રાવણ હરણ કરી ગયો છે. ત્યારે આત્મારૂપી રામે વિચારરૂપી હનુમાનજીને લંકામાં મોકલી લંકા અર્થાત્ દેહાભિમાનરૂપી લંકામાં મોકલી શાંતિરૂપી સીતાજીની શોધ કરી એ પછી આત્મારૂપી રામે દેહાભિમાનરૂપી લંકામાં ચડાઈ કરી મોંહ રૂપી રાવણને મારી શાંતિરૂપી સીતાજીને મેળવ્યા. આમ રામાયણ આપણી અંદર જ છે. શાંતિ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મોહરૂપી દશાંનની વૃત્તિનો નાશ થાય. ભગવાન શ્રીરામજીનુ પ્રાગટય ધર્મની સ્થાપના માટે થયું. બાલકાંડમાં દુહો છે : "વિપ્ર ધેનુ સુરસંત હીત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ, માયા ગુન ગોપાલ" આ દુહાનો ભાવ એવો થાય છે જીવ જન્મે છે અને ઈશ્વર પ્રગટે છે કારણ કે જીવને કર્મ વશ આવવું પડે છે જ્યારે ભગવાન પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરવા વાળા છે માટે ભગવાનના અવતારને આપણે પ્રાગટય કહીએ છીએ.

ભગવાન રામ પ્રગટે છે, એ ભગવાન શ્રીરામજીના દર્શન કરવા માટે મહાદેવજી અને કાગભુસુંુડીજી પણ આવ્યા હતા, જ્યાં સુધી ભગવાન શ્રીરામજી પાંચ વર્ષના ન થાય ત્યા સુધી કાગભુસુંુડીજી અયોધ્યામાં જ રોકાયા હતા, એમને ભગવાન શ્રીરામજીની બાળલીલાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. રઘુવર ભગવાન શ્રીરામજી આપણા હદય મંદિરમાં બિરાજી આપણને સૌને કૃતાર્થ કરે, આપણું જીવન ભક્તિ, જ્ઞાન અને આધ્યાત્મમય બને એ જ અભ્યાર્થના...