Get The App

લક્ષ્મી મહાક્ષ્મી ક્યારે બને ? .

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
લક્ષ્મી મહાક્ષ્મી ક્યારે બને ?                            . 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

મહાત્મા ભુર્તુહરીએ કહ્યું છે કે, ''લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે

દીપાવલી પર્વ ધનતેરસના દિવસે આપણે લક્ષ્મીપૂજા કરીએ છીએ. માનવજીવનમાં મા લક્ષ્મીનું સ્થાન અનન્ય છે. જીવનવ્યવહાર માટે લક્ષ્મીની ઉપયોગિતા અને અનિવાર્યતા સ્વીકારાયેલી છે.

માનવીને મા લક્ષ્મીનું વરદાન ક્યારે મળે ? લક્ષ્મી મહાલક્ષ્મી ક્યારે બને ?

મહાત્મા ભુર્તુહરીએ કહ્યું છે કે, ''લક્ષ્મીનું ઉપાર્જન જો પોતે જ કર્યું હોય તો તે પુત્રી સમાન કહેવાય. જો લક્ષ્મી પિતા દ્વારા ઉપર્જિત હોય અને વારસામાં મળી હોય તો તે બહેન સમાન ગણાય અને જો લક્ષ્મી અન્ય દ્વારા ઉપાર્જિત હોય તે પરસ્ત્રી સમાન છે.

પુત્રી કે બહેન પ્રતિ અપાર વાત્સલ્ય કે સ્નેહ હોય તો પણ લાંબો સમય પિયરમાં રાખી શકાય નહીં. આથી ત્રણમાંથી કોઈ પણ સ્વરૂપે મળેલી લક્ષ્મી સંગ્રહ કરવા યોગ્ય નથી. તેથી ધર્મબુદ્ધિ ધરાવતા આત્માઓ લક્ષ્મીના પરિગ્રહ કરતાં તેના ત્યાગમાં જ સ્વ-પરનું કલ્યાણ સમજે છે. સંપત્તિની મુખ્યત્વે ત્રણ ગતિ છે - ભોગ, ચોરી અને દાન. ભોગોપભોગ, મોજશોખ અને વ્યસનમાં સંપત્તિનો નાશ થાય છે. ચોરી, લૂંટ, છેતરપિંડી અને દરોડા દ્વારા પણ સંપત્તિનો નાશ થાય છે. ન્યાયસંપન્ન લક્ષ્મીનો ઉચિત જીવનવ્યવહાર માટે વિવેકપૂર્ણ ઉપયોગ કર્યા પછી વધે તેનું સુપાત્રે ઉલ્લાસ-ભાવપૂર્વક દાન દેવાથી લક્ષ્મી, મહાલક્ષ્મી બને છે.

लक्ष्मी वायादाश्यत्वारः धर्म रांगाग्नि-तस्कराः ।

ज्येष्ठ पुत्रापमाने ने, त्रय कुटयंति बांधवा ।।

લક્ષ્મીના ચાર પુત્ર છે. - ધર્મ, રાજા, અગ્નિ અને ચોર. જો લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્રનું અપમાન કરો તો બાકીના ત્રણ પુત્રો ક્રોધાયમાન થાય છે. લક્ષ્મીના પ્રથમ પુત્ર ધર્મનું ક્યારે અપમાન થાય ? મનુષ્ય નીતિનો ત્યાગ કરી અનીતિપૂર્ણ આચરણ કરે ત્યારે, ધર્મપુરુષના કહેવાયેલાં વચનોનો અનાદર કરે ત્યારે, અધર્મને ધર્મ માને, કપટ, હિંસા, અસત્ય અને અનીતિથી ધન એકઠું કરે ત્યારે.

બીજા શબ્દોમાં કહીએ તો પરોપકાર દાન-પુણ્ય કરવું એ જ લક્ષ્મીના જ્યેષ્ઠ પુત્ર ધર્મનું બીજું નામ છે. જે વ્યક્તિ લોભ-લાલચમાં આવી ફક્ત ધનનો સંગ્રહ કરે છે અને દીન, દુ:ખી, પીડિતો પ્રતિ અનુકંપા લાવતો નથી અને દાન કરતો નથી ત્યારે મા લક્ષ્મીના અન્ય ત્રણ પુત્રો કોપાયમાન થાય છે.

કવિએ આ શ્લોકમાં રાજા, ચોર અને અગ્નિના રૂપક દ્વારા સમજાવ્યું છે કે, ''આવી સંપત્તિ રાજા ટેક્ષ દ્વારા (સરકાર કરવેરા દ્વારા) લઈ લે છે, અથવા અગ્નિ દ્વારા સંપત્તિનો નાશ થાય છે, અથવા ચોર ચોરી કરી જાય છે.'' આમ માતા લક્ષ્મી ધનને શુભ કાર્યમાં વાપરવાનો સંકેત આપે છે. પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી પાપકર્મ કરાવીને જતી રહે. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી પુણ્ય કર્મ કરાવીને વધતી રહે છે. જ્યારે મન, વચન અને કાયાથી ચોરી ન થતી હોય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.

સાચી લક્ષ્મીપૂજા તો એ છે જે આપણા વેપાર-વ્યવસાયના ચોપડામાં શોષણ અને હિંસા દ્વારા થતી કમાણી ન જમા થાય તે છે અને દીવાળીના દિવસોમાં આપણે પ્રાપ્ત કરેલી લક્ષ્મી માત્ર આપણા માટે જ વાપરતાં, દરિદ્રનારાયણ દીવાળી ઉજવે તો નારાયણ પ્રસન્ન થાય.

પૂર્વના પુણ્યોદયે સંપત્તિ તો મળી, પરંતુ આપણે તે સંપત્તિનો સદુપયોગ કરીએ ત્યારે તે લક્ષ્મી મહાલક્ષ્મી બને છે.

મહારાજા જનક, કુબેરજી, ધન્ના, શાલીભદ્ર, કૈવન્ના શેઠ અને આનંદશ્રાવક જેવા મહાપુરુષોને લક્ષ્મી વરી હતી, પરંતુ આ અનાસક્ત આત્માઓએ તો અંતરંગ ત્યાગ દ્વારા આત્મલક્ષ્મીને વરમાળા પહેરાવી દીધી. લક્ષ્મીપૂજન વેળાએ 'મને ન્યાયસંપન્ન વૈભવની પ્રાપ્તિ થાય'ની પ્રાર્થના આપણને મહાલક્ષ્મી સમીપ દોરી જશે.

લક્ષ્મીનો ભોગ તેની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લક્ષ્મીનું દાન તેની દિવ્યતાના દર્શન કરાવે છે.

જ્યારે આપણી લક્ષ્મીમાં આપણે દિવ્યતાનાં દર્શન કરીશું ત્યારે 'મા' લક્ષ્મી આપણે વૈભવનું વરદાન પ્રદાન કરશે અને સાચા ત્યાગનો એ વૈભવ આપણી ભવપરંપરા ટુંકાવી આત્મતેજને ઉજાગર કરશે.

- ગુણવંત બરવાળિયા