Get The App

આત્માનું સરનામું શું? .

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
આત્માનું સરનામું શું?                                              . 1 - image

- 'તમારું સરનામું એટલે તમારા પોતાના આત્માનું સરનામું. જ્યાં સુધી તમને તમારા પોતાના આત્માના સરનામાની ખબર નથી, ત્યાં સુધી (દેવોને) કેવી રીતે ખબર પડશે?'

રામકૃષ્ણ પરમહંસ. ઉચ્ચકક્ષાના સંત. તેઓની પવિત્રતાથી પ્રભાવિત થઈ (સાક્ષાત્ દેવો) પણ તેમને મળવા આવતા. આવી વાતો લોકોમાં પ્રસિદ્ધ થવા લાગી. એકવાર એક અબજોપતિ શેઠ તેમને મળવા માટે આવ્યા. અલ્પ સમય સત્સંગ કર્યા પછી તેમણે સીધું પૂછી લીધું, 'મહાત્મન્ ! મેં સાંભળ્યું છે કે, આપને મળવા માટે ઘણી વાર (દેવો) આવે છે. આ સાચી વાત છે ?'

'હા, સાચી વાત છે.'

'ક્યારે આવે છે ? તે મને કહી શકશો ?'

'તમે કહોને, તમારે ક્યારે મળવું છે ? તમારે જ્યારે મળવું હશે ત્યારે હું મળાવી દઈશ.'

શ્રીમંત શેઠે પોતાનો ઘમંડ બતાવતા કહ્યું, 'ના, હમણાં તો મારી પાસે સમય નથી. પરંતુ ફરી ક્યારેક જો (દેવો આવે તો મારું સરનામું તમને) આપી રાખું છું. ત્યારે તમે તેમને આ આપી રાખજો.' કહી શ્રીમંતે પોતાના ઘરનું સરનામું આપ્યું.

માનવનો આ વિચિત્ર સ્વભાવ છે, તે વ્યસ્ત છે. તે સતત સૌને બતાવવાનો પ્રયાસ કરે છે. આ બાજું શેઠ જેવું સરનામું આપવા ગયા, એટલે તે કાર્ડ હાથમાં લઈને રામકૃષ્ણએ કહ્યું, 'આ તો તમારા ઘરનું એડ્રેસ છે, મને તમારું એડ્રેસ આપો.' શેઠે પછી ઓફિસનું એડ્રેસ આપ્યું, તો ફરી તેઓએ કહ્યું, 'આ તો તમારી ઓફિસનું એડ્રેસ છે. મારે તમારું જ એડ્રેસ જોઈએ છે.' શેઠે પોતાની પાસે રહેલા બધા જ કાર્ડ આપી દીધા. તેમણે ફરી કહ્યું કે, આ બધા અલગ-અલગ સ્થાનોના એડ્રેસ છે. તમારું પોતાનું એડ્રેસ ક્યાં છે ?

શેઠ મૂંઝવણમાં પડી ગયા, એટલે રામકૃષ્ણએ પ્રેમથી સમજાવતા કહ્યું, 'તમારું સરનામું એટલે તમારા પોતાના આત્માનું સરનામું. જ્યાં સુધી તમને તમારા પોતાના આત્માના સરનામાની ખબર નથી, ત્યાં સુધી (દેવોને) કેવી રીતે ખબર પડશે ? અને જે દિવસે તમને તમારા પોતાના સરનામાની ખબર પડશે, એ દિવસે તમારે દેવોને-પરમાત્માને બોલાવવાની જરૂર નહીં પડે, તે સામેથી તમારી પાસે આવશે.' રામકૃષ્ણજીની માર્મિક વાતથી શેઠની આંખ ખૂલી ગઈ, અને તે આત્મસાધનામાં લીન થઈ ગયા.

- રાજ સંઘવી