Get The App

જોયેલું કે સાંભળેલું સત્ય જ હોય એવું નથી

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જોયેલું કે સાંભળેલું સત્ય જ હોય એવું નથી 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

દરિયાકિનારા પરના એક વૃક્ષની નીચે બે મિત્રો વાત કરી રહ્યા હતા કે,' હવામાન ખાતાની ચોક્કસ આગાહી છે કે બે-ચાર દિવસ પછી અહીં સૂનામી આવશે. આ સમુંદર કિનારા પર એવો જોરદાર પવન ફૂંકાશે કે આ વાવાઝોડામાં આ બધાં વૃક્ષો ધરાશયી થઈ જશે, આ સાંભળી, વડીલ પંખી પરિવારને લઈને હિજરત કરી થોડો દૂર એક વૃક્ષ પાસે જઈને પૂછયું કે, અમે દરિયાકાંઠેથી હિજરત કરી આવ્યાં છીએ. અમારા પરિવારને તમારા પર માળો બાંધીને રહેવા આશ્રય આપશો ?' વૃક્ષે ના કહી. પંખીએ બાજુમાં રહેલા એક વિશાળ અને ખૂબ જાડા થડવાળા અને અનેક વડવાઈઓના મૂળ જમીનમાં ઘરબાયેલાં હતાં એવા વટવૃક્ષને પોતાના પરિવાર માટે માળા બાંધવાની પરવાનગી માગી. વટવૃક્ષની સંમતિ મળતાં પંખીપરિવાર ત્યાં સ્થિર થયો. ત્રણ દિવસમાં જોરદાર વટોળમાં આજુબાજુનું વૃક્ષ ધરાશયી થયું. એ જોઈ પેલાં પંખીએ નીચે પડેલા કણસતા વૃક્ષને કટાક્ષમાં કહ્યું કે, 'અમને આશ્રય ન આપ્યો તેનું પરિણામ ભોગવે છે.'

વૃક્ષે કહ્યું,'મને ખબર હતી કે આવનાર વંટોળ-વાયુ-ચક્ર સામે મારું અસ્તિત્વ ટકી શકે એમ નથી. મારી જડ બહુ જ નાજુક છે. મારાં મૂળ ઊંડા નથી તેથી મારો ધ્વંસ થાય જ. સાથે તમારા માળા નષ્ટ થાય અને તમે આપત્તિમાં આવો. કદાચ તમારી ઘાત પણ થાય. તમારા યોગક્ષેમ માટે મેં તમને આશ્રય ન આપ્યો.' પંખીના વડાએ વાત સાંભળી ગળગળા સાદે કહ્યું કે,' મેં તમારા વિશે બહુ ખોટું વિચાર્યું, મને માફ કરો.' પંખી-પ્રાણી કે માનવોના જીવનમાં આવી ઘટનાઓ બનતી જ હોય છે.

ગીતાએ ગિરીશને આક્રોશભર્યા સ્વરમાં કહ્યું,' આપણી સોસાયટીની બાજુની વીંગમાંની સામેની બાલ્કનીમાંથી એક વૃદ્ધ મને તાકીતાકીને જોયા કરે છે. આજે તો એણે હદ કરી નાખી. બાલ્કનીમાં ગુડ્ડીને લઈને હું ઊભી હતી ત્યારે તેણે કેટલીવાર જોયું. પછી અંદર જઇને તુર્ત જ મોબાઈલ સાથે બહાર આવી તેણે મોબાઈલમાં અમારો ફોટો લીધો.'

ગિરીશ ગુસ્સામાં કહે, 'ગજબ છે આ માણસ! હું તેને ઘરે જાઉં છું.' ગીતા કહે, 'ઉભા રહો, હું પણ તમારી સાથે આવું છું. વૃદ્ધને પોતાની ઉમ્મરનો જરાય પણ મલાજો નથી.' ગિરીશ કહે,'બાપા ઘરમાં એકલા લાગે છે. બાલ્કનીમાં આની સિવાય આપણે બીજી કોઈ વ્યક્તિને જોઈ નથી. હજુ તો થોડા મહિનાથી જ અહીં રહેવા આવ્યા લાગે છે.'

ગીતાએ કામવાળી છોકરી ગૌરીને કહ્યું કે,' તું ગુડ્ડીનો ખ્યાલ રાખજે. અમે હમણાં જ પાછાં આવીએ છીએ.' સોસાયટીની સામેની વીંગમાં જઈને ગિરીશે તે ફલેટની ડોરબેલ વગાડી તો એક વૃદ્ધ વ્યક્તિએ આવકાર આપતાં કહ્યું કે,' આવો આવો, અંદર આવો,' એટલામાં અંદરથી કોઈ મોટી વૃદ્ધાનો ધીમો અવાજ આવ્યો, 'કોણ આવ્યું છે ?' વૃદ્ધે કહ્યું, ખુશ્બુનાં મમ્મી-પપ્પા આવ્યાં છે.' ગિરીશ કહે, 'અમારી પુત્રીનું નામ ગુડ્ડી છે. વૃધ્ધ કહે, હા બરાબર છે બેસો.' સામેની દીવાલ પર જે ફોટો છે તે અમારી ખુશ્બુનો છે. અહીં સાથે જે છે તે તેનાં મમ્મી-પપ્પા એટલે મારો પુત્ર તુષાર અને તેની પત્ની તન્વી.' ગીતા ગહે, તમારો પુત્ર ક્યાં છે ?' વૃદ્ધ કહે, 'અહીંથી સિત્તેર કિલોમીટર દૂર ગામડામાં અમારું કુટુંબ રહેતું હતું. ગિરિશને આ શહેરમાં નોકરી મળી એટલે શરૂમાં તે ગામમાં રહેતો અને જોબ કરતો. આવ-જામાં બહુ સમય લાગવાથી એ શહેરમાં પેંઈગ ગેસ્ટ તરીકે રહેતો ને શનિ-રવિના અમારે ગામ આવી જતો. એ અરસામાં તન્વીએ પુત્રીને જન્મ આપ્યો. અમે પરિવારસહ શિફ્ટ થવાનો નિર્ણય કર્યો. થોડા સમયમાં ગામનું ઘર વેચી, થોડી જમીન વેચી અને આ સોસાયટીમાં ઘર લીધું. નવા ઘરમાં ફર્નિચર વગેરેનું કામ ચાલુ હોવાથી એકવાર તુષાર, તન્વી અને ખુશ્બુ ઘરના ફર્નિચર કામ માટે અહીં શહેરમાં આવ્યાં. બપોરના તેમની કંપનીમાંથી ફોન આવ્યો કે,' કંપનીના કામ માટે અર્જન્ટ તમારે બાજુના શહેરમાં એક કલાક માટે જવું પડશે. પછી ત્યાંથી તમો તમારા ગામ જ્જો.'

તુષાર આમની સાથે બાજુના ગામ જવા નીકળ્યો. રસ્તામાં ગોઝારો અકસ્માત થતાં ત્રણેત્રણ કાળનો કોળિયો બની ગયાં. સમાચાર મળતાં અમે ભાંગી પડયાં. ઘણો આઘાત લાગ્યો. મારી પત્નીને પક્ષઘાતનો હુમલો આવ્યો ને તેણે પથારી પકડી લીધી. અહીં રહેવા આવીને તેની મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરી. ઊગરી તો ગઈ પણ ઉભી થઈને ચાલી ન શકે. ખુશ્બુની સતત યાદમાં રડતી. તમારી ગુડ્ડીનો ફોટો બતાવતાં તેને શાંતિ મળી, જાણે ખુશ્બુને મળવાનો આનંદ માણ્યો, ઘડીભર દુ:ખ વિસારે પડયું. માટે મેં મોબાઈલમાં તમારી પુત્રીનો ફોટો લીધો હતો. ગિરીશ અને ગીતા સ્તબ્ધ થઈ ગયાં અને ઊભાં થયાં. વૃદ્ધ કહે,' કેમ ચાલ્યાં? ચા તો પીવી પડશે,' ના બાપુજી, હું, તમારો તુષાર અને આ તમારી તન્વી. અમે ઘરેથી તમારી ખુશ્બુને લઈને હમણાં જ પાછા આવી બા સાથે બેસીશું.