પ્રાણાયામ એટલે શું ? કેમ કરશો?
પ્રાણાયામ એ આપણા પોતાના જ પ્રાણને આધ્યાત્મિક રીતે સાધવાની એક વિશિષ્ટ વિધિ છે, પદ્ધતિ છે, પ્રાણનો અર્થ હવા, એટલે કે શ્વાસ અંદર લેવો, શ્વાસને અંદર રોકવો, શ્વાસને બહાર કાઢવો અને શ્વાસને બહાર રોકવો આ ચારે પ્રક્રિયા નિયમ અનુસાર આધ્યાત્મિક રીતે જાગૃતિપૂર્વક, આત્મસ્થ થઈને કરવી તેને પ્રાણાયામ કહેવામાં આવે છે, પ્રાણાયામ દ્વારા ચિત્ત શુદ્ધ થાય છે, સ્થિર થાય છે અને મન અક્રીયતા ધારણ કરે છે, અને પરમ ચેતનામાં જાગૃતિ પૂર્વક સ્થિર થઈને આત્મજ્ઞાાનની પ્રાપ્તિ સુધી પહોચાડે છે, આ છે, પ્રાણાયામની ફલશ્રુતિ.
પતંજલિ ઋષિએ આખી આધ્યાત્મિક યોગની પદ્ધતિ આપણી સમક્ષ મૂકી છે, તેનો સમજ પૂર્વક પૂરી આત્મિક શ્રદ્ધાથી, જાગૃતિ પૂર્વક અને પરમ ચેતનામાં સ્થિર થઈને અભ્યાસ જો કરીએ તો જીવનના તમામ દુ:ખો તનાંવો અને ચિંતાઓ તિરોહિત થઈ જાય છે, ને પરમ આનંદ ઉપલબ્ધ થાય છે, આનંદ સ્વરૂપ થઈને જીવન જીવવું એ જ જીવનનો અંતિમ મુખ્ય ધ્યેય છે, માટે પ્રાણાયામનો અભ્યાસ પૂરી આત્મિક જાગૃતિ પૂર્વક આત્મિક સત્યમાં ૨ થઈને કરવો આવશ્યક અને જરૂરી છે.
પતંજલિ યોગના આઠ મુખ્ય અંગો છે. અને દસ ગોણ અંગો છે, આમ કુલ અઢાર અંગોમાં આખી યોગની પદ્ધતિ ઋષિએ વણી લીધી છે, આ અઢારે અંગોનો જાગૃતિ પુર્વક પરમ ચેતનામાં સ્થીર થઈને આત્મિક સત્યતા પૂર્વક બધાનું જીવનમાં પૂરેપૂરું આચરણ કરીને, આઠ મુખ્ય અંગોમાં ચોથું અંગ પ્રાણાયામ છે, તે પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ.
પતંજલિ ઋષિએ પ્રાણાયામને મુક્તિ સાધવાનું મુખ્ય અંગ કહ્યું છે, આમ પ્રાણાયામનું યોગમાં ખુબ જ મહત્વ છે, તેઓએ કહ્યું છે,કે પ્રાણ એ જ જીવન છે, માટે પ્રાણને સાધવો જોઈએ, એ જ જીવન જીવવાની સાચી રીત છે, આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવાની સત્ય સ્વરૂપ વિધિ છે, અભ્યાસ છે,
યોગમાં પ્રાણાયામનું બહુ મોટું મહત્વ છે, પ્રાણાયામ પ્રાણમય શરીરના આંતરિક પ્રવાહોના નિયમનની આખી પ્રક્રિયા છે, આમ પ્રાણ એ જીવન શક્તિ છે, અને પ્રાણાયામથી ચિત્ત ક્રિયા શીલ બને છે. આમ પ્રાણ શરીરને અને ચિત્તને જોડનારી મહત્ત્વની અને અગત્યની કડી છે અને પ્રાણાયામ શરીર અને ચિત્ત બન્નેને શક્તિ પ્રદાન કરે છે, ને શક્તિશાળી અને ચેતન વાન બનાવે છે.
પ્રાણની ગતિથી જ ચિત્તમાં ગતી ઉત્પન્ન થાય છે, અને પ્રાણનો વાયુ નિશ્ચલ થતા જ ચિત્ત પણ નિશ્ચલ થાય છે, અને તેથી પ્રાણાયામ કરનાર સાધક જીવનમાં સ્થિરતા અને જાગૃતિપૂર્વક પોતાની પરમ ચેતનામાં સ્થિર થઈ શકે છે, તેથી જ શ્વાસનો નિરોધ પ્રાણાયામ દ્વારા કરવો જરૂરી છે.
આપણા ચિત્તની વૃત્તિઓનો ચિત્તની જ ભૂમિકાએ નિરોધ કરવો તે દુષ્કર છે, અશક્ય જ છે, એટલે જો પ્રાણાયામ દ્વારા પ્રાણનો નિરોધ સાધી શકાય તો આપો આપ ચીત્તનો નિરોધ શક્ય બને છે, એટલે જો આપણે પ્રાણનો નિરોધ સાધી શકીએ તો જ ચિત્તનો નિરોધ સાધી શકાય, એટલે જ વિપશ્યનાની સાધનામાં શ્વાસ સાથે જોડાઈ રહેવાનું કહેવામાં આવ્યું છે, અને જોડાઈ રહેવાથી નિરોધ શક્ય બને છે, અને પરમ ચેતનામાં જાગૃતિપૂર્વક સ્થિર થઈને સાધક વર્તમાનમાં જીવી શકે છે, ને જીવનનો આનંદ લુટી શકે છે. કારણકે શ્વાસ વર્તમાનમાં જ ચાલે છે, શ્વાસ સાથે જોડાઈ રહેવાથી માણસ વર્તમાનમાં જ જીવી શકે છે. અને વર્તમાન જ જીવવા જેવો કાળ છે, બાકીના કાળ દુખ અને ચિંતાના ધર છે.
આપણા શરીરમાં સતત વહેતો શ્વાસ શરીરની અંદર રહેલા પ્રાણ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. અને આ બાહ્યશ્વાસ એ આંતર પ્રાણનો છેડો છે, એટલે જો આ બાહ્ય છેડાને શ્વાસને પકડીએ તો તેના દ્વારા અંદરનો પ્રાણ હાથમાં આવી શકે છે, આજ પ્રાણાયામની રહસ્ય પૂર્ણ ચાવી છે.
સાધક પ્રાણાયામ દ્વારા જાગૃતિ પૂર્વક શ્વાસનો સંયમ સિદ્ધ કરે છે, અને આ શ્વાસના જાગૃતિ પૂર્વકના સંયમ દ્વારા પ્રાણ સંયમ સાધે છે, ત્યાંથી એક ડગલું જાગૃતિ પૂર્વક આગળ વધીને પ્રાણ સંયમ દ્વારા ચિત્ત વૃત્તિનો નિરોધ સિદ્ધ કરે છે.
આમ પ્રાણાયામમાં શ્વાસનો નિરોધ કરવાંમાં આવતો હોવા છતાં, તે માત્ર શ્વાસનો જ નિરોધ નથી. પણ ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવાની આખી પ્રક્રિયા છે, અને ચિત્ત વૃત્તિનો નિરોધ એજ આત્માને જાણીને તેમાં સ્થિર થઈને આત્મજ્ઞાાન પ્રાપ્ત કરવાનું સાધન પ્રાણાયામ છે. આત્મજ્ઞાાન પ્રાપ્ત થતા જ માણસના સમગ્ર જીવનમાં આમૂલ ક્રાંતિ આવી જાય છે. અને અમુલ્ય ખજાનો હાથ વગો થાય છે. આ ખજાનો હાથ વગો કરવાની ચાવી જ પ્રાણાયામના અભ્યાસમાં જ છુપાયેલ છે, પ્રાણાયામ દ્વારાજ આત્મજ્ઞાાન પ્રાપ્ત થાય છે.
- તત્વચિંતક પટેલ