મોક્ષ એટલે શું? .
મો ક્ષ કોઈ એવી વસ્તુ નથી કે તેને પ્રાપ્ત કરવાની હોય, એ એવું સ્થાન નથી કે યાત્રા કરી પહોંચી શકાય, મોક્ષ કોઈ ભોગ નથી કે મોક્ષનો ભોગ લઈ શકો. મોક્ષ કોઈ સાધના કે સિધ્ધિ નથી, મોક્ષ નથી હિમાલય કે સ્વર્ગ કે સિધ્ધિશિલા કે સાતમા આસમાને જવા નથી સીડીના પગથીયા.
માત્ર મનુષ્યને વિષયોમાં ઈચ્છાઓ કામનાઓમાં નિરસતા આવી જાય એજ મોક્ષ. વિષયોમાં રસ આવેતે સંસાર છે. માટે મોક્ષનો સંબંધ ચિત્ત સાથે છે. નહીં કે ઘરબાર છોડી જંગલમાં જઈ ધૂણી ધખાવવી, શરીરને કષ્ટ આપવાથી, ઉપવાસ કે ભોજનનો ત્યાગ કે વ્રતો કરવાથી મોક્ષ નથી મળતો. આના સાથે મોક્ષનો સંબંધ નથી. બસ જ્યારે મનને વિષયોમાં વિરસ આવી જાય ત્યારે મુક્તિ સંભવ છે. સંસારમાં રહી ખાવું-પીવું, કર્મ કરવું બંધન નથી. પરંતુ આસક્તિ આવી જવી એ જ બંધન છે એજ મોક્ષમાં વિઘ્ન. સંસારના વિષયોમાંથી ચિત્તમાંથી કામનાઓ ઈચ્છાની નિવૃત્તિ થવી એજ મોક્ષનું વિજ્ઞાાન સાચા અર્થમાં કહેવાય આ નગ્ન સત્ય સ્વિકારીશું તો મોક્ષ માટે ભટકવું નહીં પડે.
- વસંત આઈ. સોની.