- હા, તમે દાન કરો અને તમારા દાનની જાણ કરવાથી અન્યોને દાન કરવાની પ્રેરણા મળે, એ વાત સારી છે. પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય. એક મર્યાદા પછી દરેક વસ્તુ ખરાબ કહેવાય.
- સંકલ્પ કરી ને તુરંત કરેલું દાન એ મહાપુણ્ય સમાન છે. તે આપ્યા પછી જો મનમાં કંઇ કચવાટ લાગે કે કોઇની શરમથી આપવું પડે, તો એવું દાન લેનાર કે આપનાર ને કોઇપણ ફાયદો થતો નથી.
દા ન એટલે આપણી પાસે જે પણ છે, એના દ્વારા અન્ય વ્યક્તિને સુખ, શાતા, સહાયતા, સગવડ આપવાનો નાનકડો પ્રયત્ન. દાન એટલે આપણાં એ મિત્રો, એ બંધુ, ભગીનીઓ, જે આપણી કક્ષા પર નથી, એમને આપણી કક્ષા સુધી લઇ આવવા લંબાતો હાથ. પુરાણોમાં કહેવાયું એ રીતે, સાચું દાન એટલે પોતાની ફરજ સમજીને, કોઇપણ જાતની અપેક્ષા વિના કરવામાં આવતું દાન. તમારા દાનના બદલામાં સામેવાળી વ્યક્તિ તમારા માટે કંઇપણ ન કરી શકે અને છતાં અપાતું દાન એ જ સાચું દાન.
દાનના પ્રકાર
સતયુગથી લઇને કલયુગ સુધીમાં દાનના સ્વરૂપ, પ્રકાર તેમ જ વ્યાખ્યાઓ બદલાતી રહી છે. દાનની સૌથી સીધી સમજ અને સૌથી સરળ એટલે ધન સંપત્તિનું, દ્રવ્યનું દાન. કોઇની પાસે ધન સંપત્તિ ન હોય પણ જ્ઞાન હોય તો એ જ્ઞાનનનું દાન આપે. કોઇ આર્થિક અને બૌદ્ધિક બન્ને રીતે નબળો માણસ હોય એ કદાચ શ્રમ દાન કરી શકે. સમય જતાં નવા આવિષ્કારો, નવી શોધખોળ સાથે રક્તદાન, નેત્રદાન, અવયવ દાન, ત્વચા દાન, વગેરે થકી માનવીને કેટલાય નવા પ્રકારના દાન કરવાનો મોકો મળ્યો.
દાન શા માટે
દાન હમેશા સમાજ વ્યવસ્થાનું એક અવિભાજ્ય અંગ રહ્યું છે. દાનને ધર્મનો આધાર સ્તંભ પણ કહેવામાં આવે છે. કોઇ ફરજ સમજીને કરે તો કોઇ ધર્મ સમજીને. દાન દ્વારા ''ઁટ્વદૃી'' અને ''ઁટ્વદૃી ર્ગ્દં'' વચ્ચેનો એક સેતુ સદીઓથી અકબંધ રહ્યો છે. મોટાભાગના ધર્મગ્રંથોમાં, શાસ્ત્રોમાં આપણને સૌને એ જ સમજાવવામાં આવ્યું છે કે ધન, સંપત્તિ, દ્રવ્ય અને આવી આપી શકાય એવી દરેક વસ્તુના આપણે માત્ર ટ્રસ્ટી છીએ. જો સારી રીતે વાપરી શકો તો માલિક ગણાશો અને જો એમ જ મૂકી ગયા તો ચોકીદાર પણ ગણાશો નહીં.
દાન આપવાના ફાયદા
૧. દાન એટલે ઇશ્વરનું ઋણ ચુકાવવાની તક. દાન એટલે પોતાના ભાંડુઓ, પોતાના સમાજ, પોતાના દેશ અને સમગ્ર વિશ્વ પાસેથી જે પણ મેળવ્યું છે, એ સચવાયું, દોઢૂ, કે બમણું કર પાછું આપવાની ભાવના.
૨. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી અસમાનતાને સમતલ કરવાની એક તક એટલે દાન. પછી એ અસમાનતા ધનની હોય, જ્ઞાનની હોય, સારવારની હોય કે અન્ય કોઇ, પણ ઇશ્વરની રચેલી આ દુનિયાને થોડીક વધુ સુંદર બનાવવાનો મોકો એટલે દાન.
૩. દાન તમને માનસિક સમૃદ્ધિ આપે છે. કેટલાય રિસર્ચ રિપોર્ટમાં એવું સાબિત થયું છે કે *''કંઇક આપવાનો આનંદ અદ્ભૂત, અવિસ્મરણીય, અદ્વિતીય હોય છે.''*. તમારા બાકી દુખો, તકલીફો કદાચ ઓછા ન થઇ શકે, પણ આપવાનો જે અહોભાવ મનમાં જાગે, એ માણસની કેટલીય વિષમતાઓને ગૌણ કરી નાંખે.
વળી એવુ ંપણ કહેવામાં આવે છે કે * જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય, એ કૂવો કદી સુકાતો નથી.* બસ એવું જ દાન વિષે કહેવામાં આવે છે, કે જે વ્યક્તિ પોતાની પાસે રહેલા સાધન સંપત્તિ, અન્ય માટે ખર્ચી જાણે, ઇશ્વર પણ એના ધન ભંડારને અક્ષયપાત્રની જેમ કદી ખાલી ન થવા દે.
દાનથી થતાં નુકશાન
૧. દાનનો એક ગેરફાયદો એટલે દાન લેનારની બગડતી મનોવૃત્તિ. લાંબા ગાળે, જો કોઇ વ્યક્તિ માત્ર દાન પર અવલંબિત રહે અને શક્તિમાન હોવા છતાં પ્રયાસ કરવાના બંધ કરી દે, તો એક મોટો ગેરફાયદો. દાન લેનાર જરૂરિયાદમંદ હોય ત્યાં સુધી ઠીક છે, પણ એ પોતાની ખુમારી ભૂલી, કામ, ધંધો, મહેનત ભૂલી, માત્ર માંગનાર ન બની જાય, એ એક મોટી સમસ્યા છે.
૨. જમણા હાથથી આપો તો ડાબા હાથને પણ જાણ ન થવી જોઇએ એવી યુગોથી ચાલ્યો આવતો સુવર્ણ સંદેશ આજે ભૂલાતો જઇ રહ્યો છે. *''નેકી કરી કર ઔર દરિયા મેં ડાલ''* ને બદલે આજની પેઢી, ''કુછ ભી કર, સોશિયલ મીડીયા પે ડાલ''માં માને છે. નામ, તકતીઓ અને વાહવાહીની ઘેલછામાં ક્યારેક દાનનો શુદ્ધ ભાવ કચડાઈ જતો હોય છે.
હા, તમે દાન કરો અને તમારા દાનની જાણ કરવાથી અન્યોને દાન કરવાની પ્રેરણા મળે, એ વાત સારી છે. પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય. એક મર્યાદા પછી દરેક વસ્તુ ખરાબ કહેવાય.
દાન વિશે જરૂરી કેટલાક મુદ્દા
૧. તમારી છેલ્લી ઘડીમાં તમે જે બેન્ક બેલેન્સ મૂકી જાઓ છો, એ બેન્ક બેલેન્સ, એ ઓવરટાઇમ છે જે તમારે કરવાની જરૂર હોતી, અને એટલે જ તમારી મહેનત, તમે વેડફેલો ઓવર ટાઇમ ગણાય એપહેલા એ ધનને સત્કર્મમાં ખર્ચી જાણો.
૨. દાન આપતી વખતે ક્યારેય પણ લેનારની આંખમાં ન જુઓ. લેનાર લઇ રહ્યો છે, એ એની મજબૂરી છે. લેનારની ખુમારી, સ્વમાનને જરાપણ ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખો, તેમ જ દાન આપતી વેળા ગર્વ પણ ન લો. તમે જે સંપત્તિના ટ્રસ્ટી માત્ર છો, એને વહેચવામાં ગર્વ શું ?
દાનના દર્શન હોય, પ્રદર્શન નહીં.
૩. એકવાર મોટું દાન આપીને પછી હાથ ખંખેરી નાખવાને બદલે નાના નાના દાન નિયમિત પણે કરતાં રહો. શક્ય હોય તો દર મહિનાની આવકના ચોક્કસ ટકા વારી દાન ખાતે જ વાપરવા એવો નિયમ લઇ લો. વળી એક જ સંસ્થામાં મસમોટી રકમ લખાવવાના બદલે થોડી નાની નાની રકમ વિવિધ સંસ્થાઓમાં લખાવો તો કદાચ તમારી સદ્ભાવના વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે.
૪. કોઇ સંસ્થા કે ટ્રસ્ટમાં રકમ નોંધાવતા પહેલા તમારા ભાઈ, ભગિની, સગા, વ્હાલા, પડોશી, જો કોઇ ખેચમાં હોય તો એમના સ્વમાનને ઠેસ પહોંચાડયા સિવાય મદદ થઇ શકે તો કરો.
૫. દાન એવી જગ્યાએ આપો જ્યાં એ ધનનો સંગ્રહ ન થતો હોય. તમારા આપેલા દાનનો જો સદુપયોગ ન થાય તો એ પણ એક જાતનો દુરપયોગ છે. વળી જે સંસ્થાઓના જાહેરાતોના, વહીવટી ખર્ચ વધુ પડતા હોય, ત્યાં પણ સમજી વિચારીને દાન આપો.
અને છેલ્લે
સદીઓમાં નથી આવી, એવી આ મહામારી, આ લોકડાઉને આપણને ઘણા પાઠ ભણાવ્યા છે. એમાનો એક પાઠ એટલે આવા કપરા સમયમાં શું કામ આવ્યું છે. માનવતાના મંદિરો, એટલે જે પણ દાન કરવાના હોય, એના અમુક ટકાવારી *સ્કૂલ, કોલેજ. હોસ્પિટલ, મેડિકલ સેન્ટર, ટેસ્ટિંગ લેબ, હેલ્થ સેન્ટર, કોરોન્ટાઇન સેન્ટર, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, આરોગ્ય સંકૂલ*માં ચોક્કસ નોંધાવો. જ્યારે તમારૂ પોતાનું લોહી પણ PPE કીટ પહેરીને પણ તમને પાણીનો એક પ્યાલો નથી આપી શક્યું, ત્યારે આ માનવતાના મંદિરો જ સૌની વહારે આવ્યા છે. એટલે આજ સુધી ભલે તમારા દાનના લિસ્ટમાં આ બધા માનવ મંદિર નહોતા, પણ હવે એ તરફ પણ થોડુંક ધ્યાન આપવું જરૂરી બન્યું છે. ખરી રીતે તો તમે જેવી દાન કરવાની ઇચ્છા કરી, તે જ વખતે તુરંત આપી દેવું જોઇએ. કેમ કે એ ધન પરથી નૈતિક દ્રષ્ટિ એ તમારો અધિકાર ઉડી જાય છે. સંકલ્પ કરી ને તુરંત કરેલું દાન એ મહાપુણ્ય સમાન છે. તે આપ્યા પછી જો મનમાં કંઇ કચવાટ લાગે કે કોઇની શરમથી આપવું પડે, તો એવું દાન લેનાર કે આપનાર ને કોઇપણ ફાયદો થતો નથી. આનંદ અને ઉત્સાહ વગર આપેલી ચીજનો કોઈ અર્થ સરતો નથી.
પ્રેમ અને ઉમળકા થી આપેલી ચીજ વસ્તુઓ અન્ય વ્યક્તિઓના જીવનમાં પ્રકાશ પાથરી દેતી હોય છે.
- પરેશ અંતાણી


