બજરંગ બાણ એ હનુમાનજીની આરાધના માટેનું અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી સ્તોત્ર છે. જે રીતે 'બાણ' તેના લક્ષ્યને વીંધે છે, તેમ બજરંગ બાણનો પાઠ કરવાથી ભક્તના જીવનની મુશ્કેલીઓનો તુરંત નાશ થાય છે.
બજરંગ બાણનો પાઠ કરવાથી થતા મુખ્ય લાભો નીચે મુજબ છે :
૧. ભય અને નકારાત્મકતાથી મુક્તિ
જો કોઈ વ્યક્તિને અજાણ્યો ભય સતાવતો હોય, રાત્રે ડરામણા સપના આવતા હોય અથવા નકારાત્મક વિચારો આવતા હોય, તો બજરંગ બાણનો પાઠ અચૂક ફળ આપે છે. તેનાથી મન સાહસી અને નિર્ભય બને છે.
૨. શત્રુઓ પર વિજય
જીવનમાં જ્યારે કોઈ અકારણ પરેશાન કરતું હોય અથવા વિરોધીઓ વધુ હોય, ત્યારે બજરંગ બાણના પાઠથી શત્રુઓનો પ્રભાવ ઓછો થાય છે અને વ્યક્તિને વિજય મળે છે.
૩. ગ્રહ દોષ નિવારણ
ખાસ કરીને શનિદેવની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય, અથવા મંગળ ગ્રહ નબળો હોય, ત્યારે આ પાઠ કરવાથી ગ્રહોની પીડામાં મોટી શાંતિ મળે છે. હનુમાનજીની પૂજાથી શનિદેવ પ્રસન્ન રહે છે.
૪. અટકેલા કાર્યોમાં સફળતા
જો કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય, નોકરી કે વ્યવસાયમાં વારંવાર અવરોધો આવતા હોય, તો શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવાથી રસ્તાઓ ખૂલે છે અને કાર્ય સફળ થાય છે.
૫. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય
લાંબી બીમારી કે માનસિક તણાવ હોય ત્યારે બજરંગ બાણનો પાઠ કરવાથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે.
પાઠ કરતી વખતે રાખવાની સાવધાનીઓ :
બજરંગ બાણનો પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે એક 'સોગંદ' (શપથ) સમાન પાઠ છે.
આ પાઠ કરનાર વ્યક્તિએ આહાર-વિહારમાં શુદ્ધતા રાખવી જોઈએ. (માંસાહાર કે મદિરાનો ત્યાગ) કોઈ વિશેષ મનોકામના માટે પાઠ કરો ત્યારે હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવીને સંકલ્પ લેવો.
- હનુમાનજીને શ્રી રામના સોગંદ આપવામાં આવે છે, તેથી આ પાઠ ક્યારેય કોઈનું અહિત કરવા માટે કે મજાક માટે ન કરવો જોઈએ.
આ પાઠ ક્યારે કરવો જોઈએ ?
સામાન્ય રીતે મંગળવાર અથવા શનિવારના દિવસે સવારે અથવા સાંજે હનુમાનજીની મૂર્તિ સામે બેસીને લાલ આસન પર બેસી આ પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. શું આપ બજરંગ બાણનો પાઠ કરો છો ?
- મુકેશ ટી. ચંદારાણા


