સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી વખતે સંસ્કૃતના અધ્યાપક શ્રી વસંત ભટ્ટ અમને અવારનવાર કહેતા કે કૃષ્ણ રૂઢિભંજક હતા ! ઉપરાંત મારા મતે ભગવાન કૃષ્ણ સૃષ્ટિના નિયમ વિરૂદ્ધના કાર્ય માટે પણ જગજાહેર છે. સૃષ્ટિનો નિયમ છે કે એકવાર શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી ફરીથી તેમાં પ્રાણ પ્રતિષ્ઠાપન કરી શકાતું નથી. પણ ભગવાન કૃષ્ણે પોતાની અવતારલીલા નટખટલીલા રાસલીલા દરમિયાન એવા કાર્યો કર્યા છે જેના દ્વારા અનેક મૃતાત્માઓને પુન: જીવનદાન પ્રાપ્ત થયું છે.
આજે એવા એક પ્રસંગની વાત કરવી છે જેના થકી કૃષ્ણની વચનબદ્ધતા અને ગુરૂ પ્રત્યેની સાચી નિષ્ઠાના અપ્રતિમ દર્શન થાય છે. એકવાર મધ્યપ્રદેશના ઉજ્જૈન-અવંતિકાનગરી-માળવામાં સાંદિપની ઋષિ પુત્ર શોકમાં ગમગીન હોય છે અને શિવ આરાધના કરે છે ત્યારે તપોબળથી ભગવાન સર્વેશ્વર મહાકાલ પ્રગટ થાય છે અને વરદાન આપે છે કે બે કુંવરનું અહીં વિદ્યા સંપાદન હેતુ આગમન થશે અને એ તમારા મનોરથ પૂર્ણ કરશે. કહેવાય છે કે થોડા સમય પછી ઉજ્જૈન નગરમાં કૃષ્ણ બલરામ શિક્ષા માટે સાંદિપની મુનિને ગુરૂ ધારણ કરે છે. અહીં ગરીબ સુદામાનો ભેટો થાય છે. કૃષ્ણ સુદામા જીગરજાન મિત્રો બને છે. ૬૪ કલા અને ૧૪ વિદ્યા મેળવીને જ્યારે સ્વગૃહે જવાનો સમય નિર્ધારિત થાય છે ત્યારે કૃષ્ણ ગુરૂને દક્ષિણા આપવાનું વિચારે છે, રજૂઆત કરે છે..
ગુરૂમાતા સુશ્રુષા સમુદ્ર કિનારે જળમય અદ્રશ્ય થઈ ગયેલા પોતાના પુનર્દત્ત નામના પુત્રને જીવિત લાવવા આહવાન વત્તા આજીજી કરે છે. ત્યારે કૃષ્ણ એ પડકાર ઝીલી લે છે અને સમુદ્રમાં રહેતા શંખાસુરનો વધ કરી તેની પાસેથી પાંચજન્ય શંખ લાવે છે જેનો નાદ કરવાથી ગમે તેવા અશક્ય અને અણધાર્યા કાર્યો પણ અલ્પ સમયમાં શક્ય બને છે. તેથી એ શંખની મદદ વડે કૃષ્ણ બલરામ યમલોક દ્વારા જઈને શંખ ધ્વનિ કરે છે અને ખુદ કાળ દેવતા સામે ચાલીને સ્વદેહે યમલોકમાં આવી ગયેલા દેવકીનંદન અને રોહિણીનંદનને આગમન હેતુ કારણ પૂછે છે ત્યારે કૃષ્ણ ગુરૂપુત્રની માગણી કરે છે. શંખ ધ્વનિનો પ્રતાપ જોયા પછી યમદેવતા પુનર્દત્તને પુન: કૃષ્ણને અર્પણ કરે છે.
અહીં પણ કૃષ્ણ સૃષ્ટિના નિયમ વિરૂદ્ધ ગુરૂના આશ્રમ ગુરુકુળના આંગણામાં સૌ કોઈ સહપાઠીઓની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરૂમાતાને પુત્ર અર્પણ કરે છે ! પુત્રનું પુનરાગમન જોઈ ગુરૂ અને ગુરૂમાતાનો હરખ બેવડાય છે અને યદુનંદનના જયકારા સાથે આશ્રમનું પ્રાંગણ પુન: ખીલી ઉઠે છે. આકાશ ગુંજી ઉઠે છે એવા પથસર્જક અર્જુન ઉપદેશક રૂઢિભંજક... અવારનવાર પરંપરા તોડીને પણ સત્યને ટકાવી રાખ્યું એટલેજ તો ધર્મ શ્રદ્ધાળુઓ અભ્યાસુ સંશોધકો કૃષ્ણને ક્યારેક કપટી અને કુટિલ રાજનીતિજ્ઞા કહે છે એવા બાંકે બિહારી વ્રજ વિહારી મુરલીધર મુરારિ મનોહર મૂર્તિ મોહન ગિરધારી સુદર્શનધારી વાસુદેવ પરમ પ્રભાવી પ્રગટ પુરૂષોત્તમ સિદ્ધ અવતારી પરમ પુરૂષ પરમેશ્વર કિશનચંદ્ર ભગવાન કી જય હો...
- જિતેન્દ્ર એમ. ટાંક


