- શહેનશાહ મહારાણી સાથે આવ્યા. તેમણે પ્રાર્થના કરી, 'તમારી જિંદગીની કિંમત રત્નભંડારોથી ચૂકવવા હં તૈયાર હતો. પરંતુ અફસોસ, પરમાત્માએ જેટલા શ્વાસ નક્કી કર્યા હોય તેમાં એક શ્વાસ પણ ઉમેરી શક્યા નથી.'
આમ તો આપણે રોજના ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ. આવા અણમોલ શ્વાસને વ્યર્થમાં ના ગુમાવતાં સત્કાર્યમાં પ્રભુ ભક્તિમાં વ્યતીત કરવા સમજાવે છે.
રોમન સામ્રાજ્યના સમ્રાટનો શાહજાદો અકાળે મૃત્યુ પામ્યો. સમ્રાટે તેની યાદમાં દૂર જંગલમાં એક સુંદર સ્મારક બનાવડાવ્યું. બહારગામથી એક મહેમાન આ સ્મારક જોવા આવ્યા. થોડી વારમાં દૂરથી ઘોડેસ્વાર સૈનિકોને આવતા જોઈને મહેમાન એક બાજુ બેસી ગયા. સૈનિકોએ ત્યાં આવીને પ્રાર્થના કરી : હે શાહજાદા, અમારી લશ્કરી તાકાત આપને બચાવી શકી નથી. અમને માફ કરો. તેમના ગયા પછી પંડિતો, જ્ઞાાનીજનો આવ્યા તેમણે પ્રાર્થના કરી, હે શાહજાદા, અમારું પાંડિત્ય અને જ્ઞાાન આપને બચાવવા અસમર્થ રહ્યા. પછી સંગીતવૃંદ સાથે સૌંદર્યવાન નર્તકીઓ આવી. તેમણે કહ્યું : અમારું રૂપ, નૃત્ય, સંગીત આપના જીવનમાં એક શ્વાસ પણ ઉમેરી શક્યા નથી. માફ કરજો. અનુભવી વૃદ્ધજનોએ પ્રાર્થના કરી : અમારો અનુભવ કારગત થયો નથી. છેવટે શહેનશાહ તેમની મહારાણી સાથે આવ્યા. તેમણે પ્રાર્થના કરી : હે પ્યારા શાહજાદા! આ મહાન રોમન સામ્રાજ્યના સૈનિકોનું બળ, વિદ્વાનોની વિદ્વતા, અનુભવીઓનું જ્ઞાાન, નવયૌવનાઓનું યૌવન, સંગીતની સૂરાવલી કે વૈદોનું વૈદું તમારી જિંદગીમાં એક શ્વાસ પણ ઉમેરવામાં કામિયાબ ન રહ્યાં. તમારી જિંદગીની કિંમત રોમન સામ્રાજ્યની સલ્તનતના રત્નભંડારોથી ચૂકવવા હું તૈયાર હતો. પરંતુ અફસોસ, પરમાત્માએ જે નક્કી કર્યું હોય, જેટલા શ્વાસ નક્કી કર્યા હોય તેમાં એક શ્વાસ પણ ઉમેરી શક્યા નથી. અમને માફ કરજે. આ ઘટના જોઈને બહારગામથી આવેલા મહેમાનનું જીવન બદલાઈ ગયું. તેમની પાસે અઢળક સંપત્તિ હતી જે જરૂરિયાતમંદોને વહેંચી દેવાનો સંકલ્પ કર્યો. પોતાના સંપર્કમાં આવતા દીન, દુખીયાંની સેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું. એ મહેમાન હતા સુફી સંત તરીકે પ્રખ્યાત થયેલા 'હુસેન બસરાઈ'. આપણે પણ ચેતી જઈએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


