Updated: Mar 15th, 2023
આ પણા આધ્યાત્મિક જીવનનો માર્ગદર્શક ગ્રંથ એટલે શ્રી રામચરિત માનસ અથવા રામાયણ. આ ગ્રંથમાં કાકભુશુંડીજી ગરૂડજીને પ્રભુ શ્રી રામના નીજ સિદ્ધાંતો કયા તે સમજાવે છે. રામાયણમાં જીવન ઘડતરના, પારિવારિક, રાજકીય, સામાજિક દરેક પ્રશ્નોના જવાબ મળી રહે છે. પ્રભુ શ્રી રામને કોણ તથા કેવી રીતે પ્રિય છે તે અંગેની વાત આ પ્રમાણે કહેવામાં આવી છે.
મનુષ્યોમાં વેદોને કંઠસ્થ રાખનાર, વેદોક્ત ધર્મ પર ચાલનાર, વૈરાગ્યની સાધના કરનાર, તેમાંય જ્ઞાાનીઓમાં પણ વિજ્ઞાાની, એટલે કે ભગવાનનાં સગુણ સ્વરૂપને પીછાણનાર મને અધિક પ્રિય છે.
જેમને એક મારો જ આધાર છે કે આશ્રય છે તથા બીજી કોઈ આશા નથી એવા મારા દાસ મને અતિ પ્રિય છે. ''મોહી સેવક સમ પ્રિય કોઉ નાહીં'' એટલે કે મને મારા સેવક જેવું પ્રિય કોઈ નથી. સ્વયં બ્રહ્મા પણ જો ભક્તિહીન હોય તો તેઓ અન્ય પ્રાણીની જેમ મને પ્રિય લાગે તો પણ ગમે તેવું નીચ પ્રાણી જો ભક્ત હોય તો તે મને મારા પ્રાણ સમાન પ્રિય લાગે. કાકભુશુંડી એ રામાયણ પરંપરાનું એક ચિરસ્મરણીય પાત્ર છે. કાકભુશુંડી અને ગરૂડજીના સંવાદમાં ઘણું તથ્ય તથા વિચારણીય વાતો રહેલી છે. કાકભુશુંડીનાં પાત્ર દ્વારા ગોસ્વામી તુલસીદાસજીએ સુંદર મીમાંસા કરી છે. રામકથા કળીયુગનાં પાપ અને તાપને નાશ કરનારી કથા છે. રામાયણમાં સમગ્ર વિશ્વના પ્રશ્નોના હલ કે ઉત્તર જોવા મળે છે. રામકથા સૌ પ્રથમ શિવજીએ ગાઈ હતી અને પાર્વતીજીને સંભળાવી હતી. રામાયણમાં ચોપાઈ, દોહા અને સોરઠા જોવા મળે છે. રામચરિત માનસના અરણ્યકાંડમાં અત્રી ઋષિએ કરેલી સ્તુતિ પણ ખૂબ જ પ્રચલિત છે જેનો પાઠ કરવાથી અધિક લાભ થાય છે. પ્રભુ શ્રી રામની સ્તુતિ હનુમાનજી પણ આદરપૂર્વક કરે છે. હનુમાનજી કરતાલ હાથમાં લઈને સતત શ્રી રામનામના જપ કરતા રહે છે. આપણા વૈશ્વિક, પુજનીય તથા આદરણીય ગ્રંથ શ્રી રામચરિત માનસ (રામાયણ) તથા પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન.
જય સિયારામ.....
- ભરત અંજારિયા