Get The App

કોરા કાગળનો કેવો અનુપમ ઉપદેશ!

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
કોરા કાગળનો કેવો અનુપમ ઉપદેશ! 1 - image

મહારાષ્ટ્રના ત્રણ મહાન સંત, સંત એકનાથજી, સંત નિવૃત્તિનાથજી અને મુક્તાબાઈ મહાસતીજી.

ત્રણેયે અધ્યાત્મની સારી એવી ઊંચાઈ હાંસલ કરેલી હતી. એક દિવસ કોઈ ભક્ત એકનાથજીને મળીને નિવૃત્તિનાથજી પાસે જતો હતો, તેણે ગુરૂદેવને પૂછયું કે, કંઈ કામ-કાજ હોય તો જણાવો. એકનાથજીએ કહ્યંં : 'ઊભો રહે, એક પત્ર આપવાનો છે, ત્યાં આપી દેજે.' ભક્ત ઊભો રહ્યો. એકનાથજીએ બાજુમાંથી એક કાગળ લીધો. કવરમાં પેક કર્યો અને ભક્તને આપી દીધો. ભલે એણે પત્ર વાંચ્યો નથી,પણ એવું તો લાગ્યું જ કે, એ પત્રમાં કંઈ જ લખેલું નથી. એવું પણ ન હતું કે, પહેલેથી જ લખેલો તૈયાર હતો. લગભગ કાગળ લખ્યા વગરનો જ છે, તેથી તે વિસ્મયચકિત થયો.ળ

નિવૃત્તિનાથજી અને મુક્તાબાઈ કોઈ ચર્ચા કરી રહ્યા હતા. ભક્તે ત્યાં જઈને સીલપેક કવર આપ્યું. નિવૃત્તિનાથજી એકનાથજી તરફથી પત્ર આપેલો જોઈ ખુશ થઈ ગયા. તરત તેમણે કવર ખોલ્યું. આ વખતે ભક્તે ધ્યાનથી જોયું કે, ખરેખર પત્ર કોરો જ હતો. હા, વાંચવાની ઇચ્છા ન હતી, પણ કુતૂહલતાથી જોવાઈ ગયું. જોકે એ કોરો પત્ર પણ નિવૃત્તિનાથજીએ એકાગ્રચિત્તે વાંચ્યો. વાંચીને તે મુક્તાબાઈને પણ આપ્યો. મુક્તાબાઈ પણ હર્ષાવેશથી પત્ર વાંચી રહ્યા હતા. ભક્તે વિચાર્યું કે, મારી ભૂલ તો નથી થતી ને, અને ફરી તેણે કાગળમાં નજર કરી, તો ખરેખર કાગળ કોરો જ હતો. વાંચતા વાંચતા મુક્તાબાઈની આંખમાંથી આનંદના આંસુ આવી ગયા. ભક્ત વધુ આશ્ચર્યચકિત થયો. હવે તેનાથી ના રહેવાયું. તેણે નિવૃત્તિનાથજીને સ્પષ્ટ શબ્દોમાં જ પૂછી લીધું કે, 'આ કોરા કાગળમાં વાંચવા જેવું શું છે ? તો આપ આટલા ખુશ થાઓ છો અને મુક્તાબાઈની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા.'

નિવૃત્તિનાથજીએ પ્રેમથી સમજાવ્યું, 'કોરો કાગળ - ધોળો કાગળ મોકલવા દ્વારા એકનાથજી ધોળું હૃદય - ઉજળું હૃદય રાખવાનો ઉપદેશ આપી રહ્યા છે, અને જો હૃદય ઊજળું હોય, અર્થાત્ પવિત્ર હોય, તો તેમાં પરમાત્માનો વાસ થઈને જ રહે છે. લખીને જે ઉપદેશ આપવામાં આવે, તેના કરતાં પણ એકનાથજીએ લખ્યા વિના કેટલો સરસ ઉપદેશ આપ્યો છે !'

ત્રણેય મહાપુરુષોની અધ્યાત્મની પરાકાષ્ઠાસભર ઊંચાઈ જોઈ, ભક્ત તો ભીનો ભીનો થઈ ગયો, અહોભાવથી ઓવારી ગયો.

- રાજ સંઘવી