જેવું અનાજ ખેતરમાં વાવીએ તેવું અનાજ ખેતરમાં ઊગે છે. મગ વાવ્યા હોય તો ધરતી માતા મગ ઉગાડશે, બાજરી વાવી હશે તો બાજરી મળશે. કર્મનો સિદ્ધાંત પણ એવો જ છે. જેવું વર્તન અન્ય સાથે કરીશું તેનું ફળ આપણને તેવા સ્વરૂપે જ મળશે.
દિવાલ સામે લાલ રંગનો દડો ફેંકીએ તો લાલ રંગનો દડો જ આપણી સામે આવે છે. તે રીતે જેવી ભાવના સાથે અન્ય સામે વ્યવહાર કર્યો હશે તેવો જ પ્રત્યાઘાત મળશે. તેથી સંતો અને શાસ્ત્રો આપણને દરેક સાથે સારું વર્તન કરવાનો બોધ આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : 'કર્મ કરવાની તને સ્વતંત્રતા છે પરંતુ તેનું ફળ તો તારે ભોગવવું જ પડશે. સારા કામનો બદલો સારો મળે છે અને બૂરા કામનો બદલો બૂરો મળે છે. પાપ કે પૂણ્યના કામમાં ગણિતની જેમ છેદ ઉડતા નથી. પાપનું ફળ ભોગવવું પડે છે તેમ પૂણ્યનું ફળ પણ આપણને મળે છે.
પાપ અને પૂણ્યની વ્યાખ્યા શું કરવી ? તેને સમજાવતાં સંતો કહે છે, જે આપણને અનુકૂળ ન હોય તેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે તો આપણને દુ:ખ લાગે છે. આપણી આંતરડી કકળે છે તેમ આપણો વ્યવહાર બીજાને અનુકૂળ ન હોય તો તેમની આંતરડી કકળે છે. એ વખતે જ ઉદ્ગાર નીકળે છે તે ક્યારેય નાશ પામતા નથી પરંતુ બ્રહ્માંડમાં ઘૂમ્યા કરે છે અને સમય પાકે ત્યારે નિરાશાના ઉદ્ગાર, તેના હૈયાની હાય આપણને લાગે છે. આપણું જીવન તેનાથી પ્રભાવિત થાય છે. તે વખતે સુખ કે દુ:ખની અનુભૂતિ થાય છે. તેમાંથી કોઈ બાકાત રહી શકતું નથી.
રામાયણમાં આપણે વાંચ્યું છે કે મહારાજા દશરથજીએ મૃગલું સમજીને ચલાવેલું બાણ શ્રવણનો જીવ લે છે. મહારાજા શ્રવણનાં માતા પિતા પાસે જઈને પશ્ચાત્તાપ કરે છે. છતાં શ્રવણનાં માતા-પિતા દશરથ મહારાજાને શ્રાપ આપે છે : 'અમે જે રીતે પુત્ર વિયોગે મરી રહ્યાં છીએ તેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થાજો.'
આપણે જાણીએ છીએ કે મહારાજા દશરથનું મૃત્યુ ભગવાન શ્રીરામ જેવા પુત્રો હોવા છતાં પુત્ર વિયોગે થયું.
તેથી સંતો કહે છે : સુખ કે દુ:ખનું કારણ આપણે પોતે જ છીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


