Get The App

યુગલગીતનું દર્શન .

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
યુગલગીતનું દર્શન                                               . 1 - image

- શ્રીકૃષ્ણ પુષ્પોની માળાઓનાં કર્ણાભૂષણોથી શોભતાં આનંદમાં આવી, જગતને આનંદ ઉપજાવતા વેણુનાદ વડે જગતને ગજાવે છે. ત્યારે મેઘ પણ મહાપુરુષ શ્રીકૃષ્ણને ઓળંગી જવાથી તેમનો અપરાધ થાય એવા વિચારથી આગળ જતો નથી અને મોટી ગર્જના પણ કરતો નથી

જ્યાં ગુણો નિહાળાય ત્યાં ત્યાં એ ગુણો પર-ગુણો જેનામાં હોય એ વ્યક્તિ પર મન આકર્ષાયા વિના ન રહે.'શ્રીમદ્ ભાગવતજીના દશમ્ સ્કંધનાં પંચગીતો એ પંચામૃત સમાન છે.આપણે પણ જ્યારે પૂજા કરતાં હોઈએ ત્યારે તેમાં પંચામૃતની આવશ્યક્તા પડે છે. વિના પંચામૃતે ભગવાનની પૂજા થતી નથી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની વાણીરૂપી પૂજા કરવા માટે પંચગીતો એ પંચામૃત સમાન છે. એ પંચગીતોમાંથી આજે યુગલગીત ઉપર ચર્ચા કરવી છે. યુગલગીત એ વનાંતર વિયોગ છે. અર્થાત્ ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં છે. જ્યાં સુધી ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવીને પાછાં નથી આવતાં એટલો સમય ગોપીઓને એક યુગ સમાન વિતે છે. ગોપીજનો પાસે દુરદર્શન અને દુરશ્રવણ આ બન્ને શક્તિઓ છે. આજે પણ એ શક્તિઓ યુ-ટયુબ કે ટેલિવિઝનના માધ્યમમાં જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે જીવંત પ્રસારણ. ગોપીજનો સમુહમાં વૃંદાવનમાં જે લીલા થાય છે એ યશોદા માતાજીને વર્ણવે છે. બસ એ જ આજની દ્રષ્ટિએ લાઈવ એટલે કે જીવંત પ્રસારણ છે. 

ગોપીઓના ભાવને સમજીએ તો ગોપીઓ નાચતી-ગાતી હતી. શ્રીકૃષ્ણ ડાબા ખભા ઉપર ડાબો ગાલ રાખી નીચલા હોઠ પર રાખેલી વાંસળીને, સાતે સ્વરોનાં છિદ્રો ઉપર કોમળ આંગળીઓ સરકાવીને વગાડે છે, ત્યારે મોહવશ ગોપીઓ સઘળું ભાન ભૂલી શ્રીકૃષ્ણએ છેડેલાં વાંસળીના સુરમાં લીન થઈ જાય છે. હાર જેવા ઉજ્જવળ હાસ્યવાળા, વીજળી જેવી ચંચળ લક્ષ્મી પણ જેમના હૃદયમાં સ્થિત છે તે સમસ્ત જગતને સુખ આપનારા શ્રીકૃષ્ણ વાંસળી વગાડે છે, ત્યારે એ વાંસળીરૂપ વાદ્યથી હરાયેલાં મનવાળાં વ્રજની ગાયોનાં ટોળાં, મૃગો, અન્ય પશુ-પ્રાણીઓ દૂરથી જ પોતાના મુખમાં લીધેલા ખોરાકના કોળિયા એમના એમ રાખી કાન ઉંચા કરી ઉંઘી ગયાં હોય એવા સ્થિર નિશ્ચળ થાય છે. હે સખી ! કોઈ સમયે મોરનાં પીછાં, ગેરુ વગેરે ધાતુ અને કૂણાં પાંદડાંઓ વડે બાંધેલી મલ્લ લોકો જેવી ભેટ બાંધતા શ્રીકૃષ્ણ તથા બળદેવજી ગોવાળિયાની સાથે રહી વેણુનાદથી ગાયોને બોલાવે છે, ત્યારે નદીઓ પણ ગતિ રોકીને વાયુએ આણેલી તેમના ચરણકમળની રજને જાણે ઈચ્છતી હોય તેવી જણાય છે.

ગોપ બાળકોએ વર્ણવેલાં પરાક્રમવાળા અને આદિ પુરુષની પેઠે નિશ્ચળ શોભાવાળા શ્રીકૃષ્ણ વનમાં ફરતાં વાંસળી વગાડીને પર્વતોના કિનારા પર ચરતી ગાયોને બોલાવે છે ત્યારે, પુષ્પ તથા ફળથી યુક્ત તેના ભાર વડે ઝૂકતી શાખાઓવાળી લતાઓ  અને વૃક્ષો પોતાનામાં પ્રકાશતા શ્રીવિષ્ણુ ભગવાનને સૂચવાતાં હોય તેમ રોમાંચિત થઈ જાય છે. સરોવરમાં સારસ અને હંસ પક્ષીઓનાં મન એ વેણુગીતથી આકર્ષાય છે. તેથી તેઓ શ્રીકૃષ્ણ પાસે આવી મૌન ધરી, નેત્રો બંધ કરી એકાગ્રચિત્તે તેમની પાસે બેસી જાય છે. વ્રજની દેવીઓ બળદેવજી સાથે પર્વતોના શિખરો પર રહેલા શ્રીકૃષ્ણ પુષ્પોની માળાઓનાં કર્ણાભૂષણોથી શોભતાં આનંદમાં આવી, જગતને આનંદ ઉપજાવતા વેણુનાદ વડે જગતને ગજાવે છે ત્યારે મેઘ પણ મહાપુરુષ શ્રીકૃષ્ણને ઓળંગી જવાથી તેમનો અપરાધ થાય એવા વિચારથી આગળ જતો નથી અને મોટી ગર્જના પણ કરતો નથી. પરંતુ, ત્યાં જ થોભી વેણુનાદ સાથે તાલ મિલાવી ઝરમર વરસે છે. 

આમ,  વ્રજની ગોપીઓ શ્રીકૃષ્ણલીલા ગાતી દિવસે પણ આનંદ પામતી, કારણ કે તેઓનાં જીવન અને મન શ્રીકૃષ્ણ વિષે જ હતાં અને તેથી જ શ્રીકૃષ્ણલીલા તેઓનો મોટો ઉત્સવ હતો. તો આવો શ્રીકૃષ્ણલીલાના યુગલગીતથી આપણે સૌ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી તેમનામાં આપણુ મન પરોવીએ અને વ્રજની પવિત્રતાનો અનુભવ કરીએ એ જ અભ્યર્થના...

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી