- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
- સુજાતાએ શાંતુને પૂછયું , 'આવી સારી વાતો તું ક્યાંથી શીખી ?' શાંતુએ કહ્યું. 'મારા પરામાં હું શાક દેવા જાઉં છું. ત્યાં એક બહેન મારાથી નાની છે, પણ સમજણ ઘણી છે. તેની ડાહી વાતોથી હું શીખી.'
'સાંભળો છો મમ્મી ?' મારાં જેઠાણીએ ભાત બનાવ્યા. ભાત પાણીપચકા થયા ને મારાં સાસુએ શાક વઘાર્યું. શાક સાવ ફીક્કું લાગે, મોઢામાં ન ઘરે. એટલું સારું થયું કે, મેં સારી રીતે દાળ વઘારી.' 'દાળ સરસ થઈ છે' એવા કોઈએ વખાણ ન કર્યાં. અમારા ઘરમાં એવું કે, ભાણામાં જેને જેવું આવ્યું એવું આરોગીને સૌ સડસડાટ ઊભાં થઈને એમના કામમાં વળગે.' સુજાતા એની મમ્મીને ફોનમાં એની કેફિયત કહેતી હતી. મમ્મી કહે, 'તારી નણંદ રસોઈમાં મદદ ન કરાવે ?' 'મમ્મી, એ અઢાર વરસની ઢાંઢી થઈ પણ રસોઈમાં કામ ન આવે. કોલેજ, સંસ્કૃત પ્રાકૃતના ઓનલાઈન ક્લાસ અને કથ્થક-નૃત્યની પ્રેક્ટિસ... એમાંથી એને ટાઈમ જ ક્યાં મળે ?' 'પણ રવિવારે તો મળે ને ?' 'રવિવારે 'લુક-એન-લર્ન'માં બાળકોને ધાર્મિક ભણાવવા જાય ને ક્યારેક રવિવારે અર્હમ યુવા ગ્રુપમાં હોસ્પિટલમાં દર્દીઓને દવા-ફળો વગેરે દેવા જાય.'
નાના દિયરને કહે, 'શું કામ બેટ લઈને આખો'દિ રખડયા કરો છો ? સ્પોર્ટસમાંવર્લ્ડ-ચેમ્પિયન થવું છે ? રમવાથી કોનો 'દિ વળે ?' તેના પતિ સમીરને ઓફિસમાંથી આવતાં તુર્ત જ ફોન આવ્યો. પૂછયું કે, 'કોનો ફોન હતો ?' સમીર કહે, 'ઓફિસમાંથી શિલ્પાનો.' સુજાતા કહે, 'કેટલી વાર સુધી વાત કરી, કંઈ રીત હોય કે નહીં ?' ઘરે પણ ઓફિસ સાથે જ લેતા આવો છો ? અમારી સાથે વાત કરવાનો સમય નથી ને તે સેક્રેટરી સાથે લાંબીલાંબી વાત કરો છો. શું એનો અવાજ બહુ ગમે છે ?' 'બહુ જ અગત્યની વાત એને સમજાવી જેથી લાંબીલાંબી ચાલી. કારણ વગરની તારી તીખી વાતોથી હું કંટાળી ગયો છું. થોડુંક તો સમજ.' સમીરનો પુણ્યપ્રકોપ હતો.
'મોટી નણંદ સેજલ બાજુના પરામાં સાસરેથી પિયર બે-ત્રણ દિવસ રોકાઈ. તેણે ઘરનું વિક્ષુબ્ધ થયેલું વાતાવરણ જોયું. તેને થયું કે, નાની ભાભીના વિકૃત સ્વભાવ અને વિચિત્ર વર્તનથી અશાંતિ અને વિષમતા દેખાણી. અંદરથી તેને દુઃખ થયું.
બીજે દિવસે તે સાસરે ગઈ. ભાભીનો સ્વભાવ સુધારવા ઘણો વિચાર કર્યો. તેને ત્યાં નિયમિત શાક આપવા આવતી શાંતુ તેના પિયરના પરામાં પણ શાક વેચવા જતી. તેણે શાંતુને પોતાના પિયરનું સરનામું આપ્યું ને કહ્યું, 'આ સરનામે તું શાક વેચવા જા. મારા ઘરે ઘરે મારાં ભાભી જ શાકભાજી લેશે. તું તેની સાથે મિત્રતાભર્યા સંબંધ રાખજે.' સેજલે ઘરની પરિસ્થિતિ, ભાભીનો સ્વભાવ, વગેરેથી તેને વાકેફ કરી. શાંતુબાઈએ તો સુજાતા સાથે દોસ્તી કરી લીધી. સુજાતાએ શાંતુના શાકના ટોપલા સામે જોઈને કહ્યું, 'એક કિલો ટમેટાં આપ.' શાંતુ કહે, 'ટમેટાં ખરાબ છે, તમે પરવળ લો.' સુજાતા કહે, 'ના, હું સારા સારા ટમેટાં વીણીને લઈશ.' સુજાતાએ રીંગણા લેવા હાથ લંબાવ્યો. શાંતુ કહે, 'રીંગણામાં ડાઘ હશે. તમે પરવળ લો.' પેલી કહે, 'ના, હું રીંગણા વીણીવીણીને ચેક કરીને સારાં જ લઈશ.' ભીંડા લેવા હાથ લંબાવ્યો તો કહે, 'આ ભીંડામાં કેટલીક મોટી શીંગો છે તે બરાબર નથી.' તો સુજાતા કહે, 'હું ભીંડાની નાની નાની અને કુણી શીંગો વીણી લઈશ. શાંતુ, તને તો ખબર છે ને કે મને વીણીવીણીને સારું શાક લેતાં આવડે છે. તો હું સારી શીંગો જ લઈશ. આ ટોપલામાં કોઈક જ ખરાબ શીંગો હોય, બાકી બધી તો સારી જ હોય તે મને સારી રીતે વીણીને લેતાં બરાબર ફાવે છે.'
શાંતુ કહે, 'હા, ભાભી. તમે બહુ જ સાચું કહ્યું આપણી ગૃહસ્થી કે કુટુંબમાં પણ આવું જ હોય છે. પરિવારના દરેક સભ્યોમાં આપણી દ્રષ્ટિએ એકાદ ખરાબી કે અવગુણ હોય, પણ બાકીના સારા ગુણ હોય. આપણે સારા ગુણ વીણી લઈએ. એના પર ભાર આપીએ. તેના અવગુણની અવગણના કરીએ તો દરેક સભ્યના ગુણોનો આપણને ફાયદો મળે ને ઘરમાં શાંતિ થશે.'
સુજાતાએ શાંતુ સાથેના સંવાદ પર વિચાર કર્યો. એનું આ ચિંતન ચિત્તમાં ચિનગારી પ્રગટાવી ગયું. 'હવે હું દરેકના ગુણ જોઈ, તેની પ્રશંસા કરીશ, બીજાના દોષો જોવાનું બંધ.' થોડા દિવસમાં ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. બધાની પ્રસન્નતા વધવા લાગી.
સુજાતાએ શાંતુને પૂછયું કે, 'આવી સારી વાતો તું ક્યાંથી શીખી ?' શાંતુએ કહ્યું. 'મારા પરામાં હું શાક દેવા જાઉં છું. ત્યાં એક બહેન મારાથી નાની છે, પણ સમજણ ઘણી છે. તેની ડાહી વાતોથી હું શીખી.' સુજાતાને વાતમાં રસ પડયો. પૂછયું, 'એ બહેન ક્યાં રહે છે, તેનું શું નામ ? ' તો શાંતુ કહે, 'તેમનું નામ સેજલ છે.'
સેજલ પિયર આવી ત્યારે સુજાતા કહે, 'તમારી શિષ્યાએ મારું જીવન બદલી નાખ્યું, મને સુખનું સરનામું આપ્યું.'
પરગુણ દર્શન અને સ્વદોષ દર્શન જીવનમાં સામંજસ્ય સર્જી શકે.


