- માનવી જેમ ગુણો સંગ્રહ કરતો જાય તેમ અન્યના દોષો ઉણપો જોવાની દોષવૃત્તિનું દહન થાય
એક વ્યક્તિ દ્વારા રોજબરોજની જિંદગી એ અન્ય વ્યક્તિ પ્રતિ પ્રેમ-સ્નેહભર્યો સમભાવ સદ્વ્યવહાર એ 'ગુણદર્શન' બની રહે. અહીં માનવીનાં ગુણો-ઉજળી બાજુનાં જ દર્શન જોવાય છે. પ્રભુ સર્વગુણસંપન્ન સર્વસ્વ છે. જ્યારે માનવ આત્માઓમાં ક્યાંક ને ક્યાંક દોષો, ખામીઓ, ત્રુટિઓ-ઉણપ-અવગુણો સાથેસાથે ગુણો-સદ્ગુણો સાત્વિક ભાવો કે ઉજળી બાજુનું સંમિશ્રણ હોય જ ! કોઈ વ્યક્તિમાં એંશી-નેવું ટકા સદ્ગુણો-શિક્ષા-સાત્વિકભાવો હોય જ્યાં દસ-વીસ ટીકા તેના દોષો-ખામીઓ-નબળી બાજુ સહજ રહેવાની !
આ સ્થિતિએ માનવ તરીકે અન્ય વ્યક્તિ કે માનવીનાં માત્ર ઉજળાં પાસાં-ગુણો-જ્ઞાન અને સદ્વૃત્તિને સ્વીકારવા જ રહ્યા જે 'માનવીની ગુણગ્રાહી-ગુણદર્શન દ્રષ્ટિ' બની રહે ! માનવીએ દરેક તબક્કે અન્ય માનવનાં મૂલ્યાંકન સમયે દુર્યોધન (દોષદર્શન) જેવા નહીં - યુધિષ્ઠિર (ગુણદર્શન) જેવા બનવું જ્યાં સત્યપ્રિય યુધિષ્ઠિરને જગનાં માનવીઓમાં ગુણો જ નજરે આવતાં! સ્વાભાવિક છે જેના અંતરમાં હૃદયશુદ્ધિએ ભક્તિ છે તેને હરહંમેશ ગુણદર્શન જ જોવા મળે. વળી - ગુણદર્શન દ્રષ્ટિએ અન્ય માનવી તરફ સમતા-સમવૃત્તિની ! વૃદ્ધિએ 'હકારાત્મક ગુણદ્રષ્ટિને કેળવણી' દ્વારા ગુણદર્શન સાધક બની શકાય. અહીં ગુણભાવ દ્રષ્ટિને વરેલો પુણ્યશાળી માનવ આત્મ અન્ય ગુણસંપન્ન (સવિશેષ પ્રમાણ) માનવમાં રહેલા સૌજન્યતા, સદ્ભાવ અને સભ્યવાણી-વ્યવહાર જોશે.
જે તે વ્યક્તિ રોજિંદી જિંદગીમાં ભલે આપણને દુશ્મન કે વિરોધીવિચારભર્યા સમજે પણ જો આપણે શરૂઆતથી જ તેને સ્નેહ-પ્રેમભાવ સારા ગુણભાવે-વ્યવહારે 'દુશ્મન પણ મિત્ર બની રહે' - આમ ગુણગ્રાહી દ્રષ્ટિ શુભ-સકારાત્મક બની રહે ! ગુણાનુરાગી મનોવૃત્તિએ ગુણવાન પુણ્યાત્માઓનું સાંનિધ્ય હરહંમેશ શાંતિ-આનંદ અને પ્રસન્નતાપૂર્ણ ઉચિત બની રહે !
વિશેષ રજુ કરું તો - માનવી જીવનયાત્રા દરમ્યાન પોતાના મન-મસ્તિષ્કમાં જેમ જેમ વધુ ગુણો-સાત્વિકભાવો સંગ્રહ કરતો જાય ત્યાં અન્યનાં દોષો-ઉણપો જોવાની દોષવૃત્તિ-દોષદ્રષ્ટિનું દહન થાય, દોષો-વૃત્તિઓ-દુર્ભાવ શમે-બળે ! આપણાં કુટુંબકબીલા-પરિવાર, મિત્રવર્તુળ, સગાંસ્નેહી કે રોજીરોટી સ્થળે આપણને ગમતી કે ન ગમતી અન્ય વ્યક્તિઓ કે માનવીઓની ભૂલો તરફ અણગમો, અરૂચિ કે અજંપો-અશાંતિ વધે ત્યાં અન્યોની ભૂલો-નબળાં પાસાંઓને ક્ષમાબળે-માફી આપી ભૂલી જતાં માનવીના અંતરમાં પ્રકાશ-ઉજાશ-શાંતિ પથરાય. અહીં સમભાવે-સમાધાનવૃત્તિઓ અન્ય માનવીઓને ચાહવાના છે - સ્વીકારવાના છે - સદ્ગુણોની દ્રષ્ટિ નોંધ લઈ ! આમ ગુણદર્શને માનવીની જીવનશૈલી મધુર બને, ઉમંગ-ઉત્સાહ હૈયે ઉભરાય !
સર્જનાત્મક વિચારવૈભવ :-
જે માનવમાં નિર્મળતા, પવિત્રતા, સત્યપ્રીતિ, ધર્મપ્રીતિ તેમજ હૃદયશુદ્ધિનાં સદ્ગુણો નોંધપાત્ર માત્રામાં હોય ત્યાં સદ્ગુણોનાં ગુણગ્રાહી દર્શને માનવીને આદર-સન્માનભાવે અવશ્ય નમસ્કાર કરવા રહ્યાં. ગુણદ્રષ્ટિની કેળવણીએ ! મધુરછંદા ઋષિ જગમાં સર્વત્ર મધુરતા જ જોતાં અને આનંદમાં-મધુરતાનાં નાદમાં મ્હાલતાં-ગુણગ્રાહી દ્રષ્ટિએ ! જે માનવીએ જીવનયાત્રામાં ક્રોધ, કામ, મોહ-માયા, લોભ, રાગ, દ્વેષ, અહમ્ - ઇર્ષ્યા કાબુમાં રાખ્યા છે - ઇન્દ્રિયો દ્વારા તે જનને 'જ્ઞાની-ગુણીજન ગુણદર્શન' અભિનંદિત કરવા-આદર કરવાં તો ગુણો, શિક્ષા-સંસ્કાર-સ્વાધ્યાય-અધ્યાત્મભાવ પ્રત્યે અનુરાગનો ઉદય થાય ! શુભમ્ ભવતું - સૌનું કલ્યાણ થાઓ - મંગળ થાઓ!
- કમલેશ હરિપ્રસાદ દવે


