નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો. જગતની અંદર કોઈ પણ નૈતિક મૂલ્યો કેવળ સારા છે. એટલે તે ટકતા નથી. પરંતુ તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેમની પાછળ સમર્થ લોકોની તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાનું પીઠબળ હોવું જરૂરી છે. જગતમાં તપશ્ચર્યાને જ યશ મળે છે એ વાત સત્યના ઉપાસકો એ ભૂલવી ન જોઈએ. તપશ્ચર્યાના બળથી ઘણીવાર અસત્ મૂલ્યો પણ વિજયી થયા છે એ વાત આપણને ઉપરોક્ત સત્યની ઝાંખી કરાવે છે. નબળા લોકોનાં સત્ય, સંસ્કાર કે સંસ્કૃતિને કોઈ જ પૂછતું નથી.' '
કથા : આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિધ્ધ છે. મહિષાસુર નામનો એક રાક્ષસ અતિપ્રભાવી હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્યોને त्राहिमाम् પોકારતા કરી મુક્તા હતા. અને દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઈ હતી. આ દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા. હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની આરાધના કરી. દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર ઉપર ક્રોધે ભરાયા. તેમના પુણ્ય પ્રકોપ માંથી એક દૈવી શક્તિનું નિર્માણ થયું. બધા દેવોએ જયજયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું.
તેને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી. આ દૈવી શક્તિએ નવ દિવસના યુદ્ધ પછી મહિષાસુરને હણ્યો, આસુરી વૃત્તિને ડામી દૈવી સંપત્તિની પુન:સ્થાપના કરી. દેવોને અભય વરદાન આપ્યું. આ દૈવી શક્તિ તેજ આપણી જગદંબા.
આ દિવસોમાં ''માં'' પાસે 'સામર્થ્ય માંગવાનું. તેમજ આસુરી વૃત્તિ ઉપર વિજય મેળવવાનો. આજે પણ મહિષાસુર પ્રત્યેકના હૃદયમાં પોતાના સ્થાન જમાવી બેઠો છે. અને અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગળાવી રહ્યો છે. આ મહિષાસૂરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂડમાંથી મુક્ત થવા જરૂર છે. દૈવી શક્તિની આરાધનાની ! તેથી નવે-નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી 'મા જગદંબાની પૂજા કરી તેની પાસેથી શક્તિ મેળવવાના દિવસો તેજ નવરાત્રિના દિવસો.
આપણા વેદોએ પણ શક્તિની ઉપાસનાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. મહાભારતમાં બાલોપસના તેમજ શૌર્યની પૂજાથી વર્ણવી છે. વ્યાસ, ભીષ્મ અને કૃષ્ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ, ઓજ, શૌર્ય, પૌરુષ અને પરાક્રમથી અંકિત થયેલા દેખાય છે. મહર્ષિ વ્યાસે પાંડવોને શિખામણ આપી શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે. તેમણે શિખામણ આપી સમજાવ્યું છે કે તમારે જો ધર્મના મૂલ્યો ટકાવવા હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી પડશે. અર્જુનને દિવ્ય અસ્ત્ર મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.
મા 'જગદંબાની આપણી આ ઉપાસના નવરાત્રિ.
બોધ : આ જગદંબાની આપણી ઉપાસના નવરાત્રિમાં શરૂ થાય, પરંતુ માત્ર નવ દિવસ પૂરતી સીમિત ન રહે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ક્ષણે-ક્ષણની શક્તિ ઉપાસના આપણને જડવાદથી ઘેરાયેલા જગતમાં ઉભા રહેવાની તાકાત બક્ષશે. આવું શક્તિ સંપન્ન જીવન માના ચરણે ધરવું જોઈએ. જગદંબાની આસપાસ ફરતાં ફરતાં ધુમતા ધુમતા ગરબા લઈ સાચા ભાવથી પ્રાર્થના કરવી જોઈએ કે હેમાં ! હું તારૃં કામ કરીશ, તારૃં બાળક છું. તું મને શક્તિ આપ. તે દરેક ઉપર ઉપકાર કરનારી અચિંત્ય શક્તિ છે.
टुगे स्मृताहरसि भीतिमशेषजन्तो ।
स्वस्थ्येः स्मृता मतिमत्तीय शुभाम् दयासि ।।
दारिद्रय दुखः भय हारणी कात्वदन्या,
सर्वोपकारकर्णाय सदार्दचित्ता ।।
ચંડિપાઠનો આ શ્લોક આપણા દુ:ખને, દારિદ્રતા- તથા ભયનો નાશ કરના તથા અમને સુખ-શાંતિ આપનારી માં દૂર્ગા તમારૃં અમે ધ્યાન ધરીએ છીએ. પૂજન કરીએ છીએ. તું દ્વારા આશ્રિત ભક્તો ઉપર સદા દયા કરનારી છે.
વિજયાદશમી :
यत्र योगेश्वरः कृष्णो,
यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीः विजयोभूति,
ध्रुवा नीतिः मतिः मम ।।
(ગીત, અ.૧૮/૭૮)
'જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે. તેમજ જ્યાં ધનુર્ધર પાર્થ અર્જુન છે ત્યાં જ વિજય છે. ત્યાં જ લક્ષ્મી છે તેમજ કલ્યાણ છે અને શાશ્વત નીતિ છે આવો મારે મત છે.'
યોગેશ્વરકૃષ્ણ એટલે ઇશકૃપા અને ધનુર્ધર પાર્થ એટલે માનવ પ્રયત્ન- આ બંનેનો જ્યાં સુયોગ સધાય ત્યાં વિજયનોજ ઘંટનાદ સંભળાય. એ નિર્વિવાદ ઘટના છે. દશેરાનો ઉત્સવ એટલે ભક્તિ અને શક્તિનો સમન્વય ને સમજાવતો ઉત્સવ. નવરાત્રિનાં નવ દિવસ જગદંબાની ઉપાસના કરી શક્તિ પ્રાપ્ત કરેલો મનુષ્ય વિજય પ્રાપ્તિ માટે થનગની ઉઠી એ તદ્દન સ્વાભાવિક છે. આ રીતે જોતાં દશેરાનો ઉત્સવ એટલે વિજય પ્રસ્થાનનો ઉત્સવ.
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે. શૌર્યની ઉપાસક છે. વ્યક્તિ તેમજ સમાજના લોહીમાં વીરતા પ્રગટે તે માટે તેણે દશેરાનો ઉત્સવ રાખ્યો. શત્રુની બદદાનત ઉપર તેને ડામવા માટેના વિચારોનો આ ઉત્સવ છે. પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજય પ્રસ્થાનનું પ્રતીક બન્યો છે. ભગવાન રામચંદ્રે રાવણ જેવા રાક્ષસને મહાત કરવા આજ દિવસે પ્રસ્થાન કર્યું હતું. છત્રપતિ શિવાજીએ પણ ઔરંગઝેબને જેબ કરવા આજ દિવસે પ્રસ્થાન કરી હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. આપણા ઇતિહાસમાં આવા અનેક દાખલાઓ છે કે જ્યારે હિંદુરાજાઓ આ દિવસે વિજય પ્રસ્થાન કરતા હતા. નવ નવ દિવસ જગદંબાની ઉપાસના કરી મેળવેલી શક્તિ પણ શત્રુનો સંહાર કરવા પ્રેરણા રૂપીને આ ઉત્સવ છે.
આજે પણ જડવાદ અને ભોગવાદ માનવ વિકાસનાં અવરોધક શત્રુઓ બનીને બેઠા છે. સાંસ્કૃતિક વીરોએ ઇશ્વરવાદની ગર્જના કરતા કરતાં. આ શત્રુઓને મારી નાખવાની પ્રેરણા આપતો આ તહેવાર છે.
બાહ્યશસ્ત્રુઓની માફક આપણા અંદરના શત્રુઓ પણ ઘણા છે. કામ, ક્રોધ, લોભ,મોહ, મદ અને મત્સર એ માનવ માત્રનાં ષડ્રિપુ- છ દુશ્મનો છે. આજના વિજય પ્રસ્થાનનાં શુભ દિવસે તેમની ચાલ ઓળખી લઈ, તેઓ આપણા ઉપર હુમલો કરે તે પહેલા આપણે તેમના ઉપર હુમલો કરી આપણી સીમમાં વધતા અટકાવીએ.
તેજ રીતે આળસ એ પણ આપણે મહાન શત્રુ છે. आलस्य हि मनुष्याणां शरीरस्थो महारिपु: દૃઢ સંકલ્પથી આપણે એ કાયમના શત્રુ ઉપર કાબૂ મેળવીએ. એ દશેરાનું હાર્દ છે.
આજે નૈતિક મૂલ્યો ભયમાં મુકાયા છે ભવ્ય અને મહાન સંસ્કૃતિ મૃત્યુશય્યા પર છેલ્લા શ્વાસ લઈ રહી છે. ત્યારે હું ચુપચાપ કેમ બેસી શકું ? વધતી જતી આસુરી વૃત્તિને યથાશક્તિ ખાળવા પ્રયત્ન કરીશ. યોગેશ્વર મારી સાથે જ છે મારામાં રહેલું સર્વ સામર્થ્ય શત્રુને ડામવા ખર્ચી નાખીશ. આવા દૃઢ સંકલ્પનો દિવસ એટલે દશેરાનો દિવસ.
ટૂંકમાં, દશેરાનો દિવસ એટલે સમાજમાં રહેલી દીન, હીન, લાચાર, તેમજ ભોગની વૃત્તિને ડામવાનો દિવસ વીરતાનો વૈભવ, શૌર્યનો શ્રૃંગાર, અને પરાક્રમની પૂજા, શસ્ત્રોની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન !
કથા : રઘુરાજાએ કુબેર.. કે જે હમેંશા ધન સંગ્રહીને જ બેઠો છે. તેને સીમોલ્લંધ કરવાનું 'અલ્ટીમેશન' આપ્યું તેથી કુબેરે ગભરાઈને શમીના વૃક્ષ ઉપર સોનામહોરોને વરસાદ વરસાવ્યો. શમીવૃક્ષે વૈભવ આપ્યો. તેથી શમીવૃક્ષનું આ દિવસે પૂજન થવા લાગ્યું. પાંડવો પોતાનાં દિવ્ય શસ્ત્રો, શમી વૃક્ષ ઉપર સંતાડી રાખ્યા હતા. તેથી પણ તેનું મહાત્મય વધ્યું. આ દિવસે શમી વૃક્ષનું પણ પૂજન થાય છે.
દશેરા એટલે શસ્ત્રોના પૂજનનો પરંપરાગત દિવસ. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન થાય છે. યુદ્ધમાં વિજય અપાવનાર તો આ શસ્ત્રોજ છે ને ? તેના લીધે તો વિજય મળે છે. એ ભાવ શસ્ત્રોનાં પૂજન દ્વારા વ્યક્ત થાય છે.
તેવી જ રીતે વૈશ્યો તેમના ત્રાજવાનું. ખેડૂતો, ઇજનેરો, કડિયા, મિસ્ત્રી, ડોક્ટરો તથા અન્ય ધંધાદારીઓ પોતાનાં ધંધાકીય વપરાશનાં આ સાધનોથી તો તેઓ ઉજળા છે. એ ભાવ વ્યક્ત કરવા તેમનાં સાધનોનું પૂજન કરે છે. અને વાહન ચાલકો પણ તેમના વાહનોનું કંઈક આવા જ ભાવથી પૂજન કરે છે.
આજે રાવણનું દહન થતું હોવા છતાં એ મનના વિકાસનો, શત્રુરૂપે આપણા મન અને બુધ્ધિ ઉપર કબજો લઈ બેઠા છે. મનમાં ઘર કરેલી, પૈસાની લાલસા, સત્તાની લાલસા, કીર્તિલાલસા, અપ્રમાણિકતા, સંગ્રહખોરી, કાળાબજાર, લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર, ભોગવાદ અને અનૈતિકતાના દશમુખી રાવણનો સંહાર કરવા કટિબધ્ધ થવાનો પ્રેરણારૂપીનો આ દિવસ છે.
દશેરા એટલે શુભવિચારો કરવાનો શૌર્યભર્યો, સદાશુભકારી, સદાયમંગળકારીને સદાય પવિત્રનો દિવસ.
- ડૉ. ઉમાકાંત જે. જોષી


