જેનો સ્વભાવ અતિસુંદર ને, શ્રીકૃષ્ણભગવાનને વહાલો હતો તેવાં, કોમળ હૃદયવાળાં... ''કુંતામાતા'' દયાનું સ્વરૂપ હતાં.
તેઓ ધર્મને જ મોટો માનતાં, પરમાત્મા આપણો આગેવાન ત્યારે જ થાય કે જ્યારે આપણા જીવનમાં 'ધર્મ' મુખ્ય હોય... આવી દ્રઢ સમજ તેમનામાં હતી.
પાંચ પાંડવો (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ)નાં એ માતુશ્રી હતાં. કુંતામાતા ''મર્યાદાભક્તિ'' સ્વરૂપ હતાં તેમની શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ દરેક ક્રિયામાં હતી. તેથી તેમનો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બની ગયો હતો. દ્વારકાનાથ શ્રીકૃષ્ણ દ્વારકા જવા તૈયાર થયા. કુંતામાતાનું હૃદય ભાવથી ભરાઈ ગયું. તેમની તો ઝંખના હતી કે શ્રીકૃષ્ણને હું ચોવીસે કલાક પ્રત્યક્ષ નિહાળ્યા કરું. મારાથી શ્રીકૃષ્ણ દૂર થવા ન જોઈએ. જે રસ્તે શ્રીકૃષ્ણ ભગવાનનો રથ જવાનો હતો ત્યાં, બે હાથ જોડીને, માર્ગમાં કુંતામાતા ઊંભા રહ્યાં. કુંતામાતાજીને જોઈ શ્રીકૃષ્ણે રથ ઊભો રાખી... રથમાંથી ઊતરી... કુંતામાતાને વંદન કર્યા. ને પૂછયું, ''માર્ગમાં કેમ ઊભાં છો? તમે મને પ્રણામ કરો તે યોગ્ય નથી.'' હું તો તમારા ભાઈનો દીકરો છું. (શ્રી કૃષ્ણભગવાનની વિનમ્રતા તો જુઓ!)
કુંતાજીની હાસ્ય મિશ્રિત ભક્તિ છે. કુંતાજી કહે છે. ''આજે મને સમજાયું છે કે તમે ઈશ્વર છો... ત્વમેકં શરણ્યં... ત્વમેકં વરેઈયે... તમેજ મારું સર્વ શ્રેષ્ઠ... તમે જ મારું શ્રેષ્ઠ શરણ... યોગીઓ તમારું ધ્યાન ધરે છે. તમે જ સર્વના પિતા છો...''
વાત્સલ્ય ભાવે તેમનું હૃદય દીન બની ગયું... ને સ્તુતિ કરી :
નમ: પંકજનાભાય, નમ: પંકજ માલિને
નમ: પંકજ નેત્રાય... નમસ્તે પકંજઙધ્રયે
જેમની નાભિમાંથી બ્રહ્માનું જન્મસ્થળ કમળ પ્રગટ થયું. જેમણે સુંદરકમળોની માળા ધારણ કરેલી છે. જેમનાં નેત્ર કમળ સમાન વિશાળ છે. જેમનાં ચરણમાં કમળનું ચિહ્ન છે. એવા હે શ્રીકૃષ્ણ આપને વારંવાર વંદન કરું છું.
શ્રીકૃષ્ણે કુંતામાતાને અનેક કષ્ટોમાંથી બચાવ્યા છે... તેનું સ્મરણ કરતાં કુંતામાતા બોલ્યા, 'હે પ્રભુ ! આપે મારા ઉપર... પરિવાર ઉપર અગણિત ઉપકાર કર્યા છે. એ ભૂલી શકાય એમ નથી. હું વિધવા થઈ મારાં બાળકો નાનાં હતા ત્યારે હે નાથ ! તમે જ રક્ષણ કર્યું હતું. આપે જીવનભર આવેલી આપત્તિઓમાંથી અમારું સર્વ રીતે રક્ષણ કર્યું છે.
''હે નાથ ! દુર્યોધને મારા ભીમને ઝેરના લાડું ખવડાવ્યા... ત્યારે આપે જ તેને બચાવ્યો... લાક્ષાગૃહમાં અમારી રક્ષા કરી... દ્રૌપદીની લાજ રાખી. આવી તો અનેક વિટંબણાઓ ટાળી... 'મહાભારત' યુદ્ધ આપને લીધે જ જીતાયું...''
કુંતામાતાએ શ્રીકૃષ્ણ ઉપર ભરોસો રાખી પોતાના જીવનને દિવ્યશક્તિમાન બનાવ્યું. અનેક મુસીબતો વચ્ચે સ્થિર, શક્તિમાન રહી પાંચ પાંડવોને... દ્રૌપદીને સંસ્કારોનાં પ્રેરણાનાં પાન પાતાં પાતાં જીવન વીતાવ્યું. આ બધું પ્રેમ, લાગણી, સમર્પણ ભાવે કર્યું... અહંકાર, વેરઝેર, તિરસ્કાર, લડાઈ-ટંટા, આ બધાંથી તે સદા દૂર રહ્યાં. આર્યનારિ તરીકેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડયું. કૌરવોનાં અન્યાય, કપટ, દ્વેષ, અને નીચતાપૂર્વકના ઉપદ્રવોને શાંતિપૂર્વક સ્વસ્થતાથી સહન કર્યાં...
આવાં કુંતામાતાએ મહાભારતના યુદ્ધ વખતે હવે તો યુદ્ધ એજ કલ્યાણ... હે અર્જુન ! યુદ્ધે ચઢ કહી અધર્મીઓ સામે લડવા પુત્રોને પ્રેરણા પૂરી પાડી.
શ્રીકૃષ્ણે કુંતામાતાને કંઈક માગવાનું કહ્યું ત્યારે કુંતામાતાએ માગ્યું કે, ''દુ:ખ... આપત્તિઓ ભર્યું મારું જીવન હજો કે જેથી હું પરમાત્મા સ્વરૂપ તમારું સતત સ્મરણ કરી શકું...'' બધાં સુખ સંપત્તિ માગે છે જ્યારે કુંતામાતાએ તેનો સદંતર ત્યાગ કર્યો. ત્યાગમૂર્તિ કુંતામાતાને પ્રણામ.
આવાં સંસ્કારમૂર્તિ ત્યાગમૂર્તિ અનન્ય પ્રભુભક્ત, નારીજગત માટે સદા આદર્શરૂપ કુંતામાતાના ચરણકમળમાં પ્રણામ. ચર્તુમાસના આધ્યાત્મિક વાતાવરણમાં પુરણ પ્રસિધ્ધ આવાં પ્રેરણાદાયી ચરિત્રોનું મનન પૂર્વકનું સ્મરણ, આદર્શ જીવન જીવવા માટેનું બળ બનશે.
- લાભુભાઈ ર. પંડયા


