વસંત પંચમી : ઋતુરાજ વસંતનાં વધામણાં .

Updated: Jan 25th, 2023


ઋતુનાં કુસુમાકર:

આપણે ત્યાં આવતી વિવિધ પંચમીમાં વસંત પંચમીના તહેવારનું અનોખું તથા આગવું સ્થાન છે. મહા મહિનાની સુદ પાંચમનો દિવસ વસંત પંચમીથી ઓળખાય છે. શિયાળાની વિદાયની શરૂઆત અને ઉનાળાના આગમનનો પ્રારંભ વસંત ઋતુથી થાય છે. વસંતનો વૈભવ પ્રકૃતિનું મનોહર સ્વરૂપ છે. વસંત ઋતુનાં આગમન સાથે જ આંબાઓમાં મોર આવવા લાગે છે અને કોયલનું ગાન કર્ણપ્રિય લાગે છે. પક્ષીઓને પણ પ્રિય લાગે છે રમણીય વસંત ઋતુ.

વસંત પંચમી બાદ હોળી આવતી હોવાથી કેસુડાંનાં ફુલો ખીલવાની શરૂઆત થઈ જાય છે. વસંત પંચમી આવે ત્યારે ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ હોય છે. મકરસંક્રાંતિ એ સૂર્ય ઉત્તર પ્રતિ ગતિનો પ્રારંભ કરે છે. 

વસંત પંચમી એ માતા સરસ્વતીની પુજા તથા અનુષ્ઠાનનો પણ દિવસ છે. બ્રહ્માજીના માનસમાંથી માતા સરસ્વતી પ્રગટ થયાં હતાં અને તે દિવસ હતો વસંત પંચમીનો, તેથી જ સરસ્વતી પુજનનો મહિમા અધિક છે. વસંત પંચમીએ ભગવાન વિષ્ણુની પણ પુજા કરવામાં આવે છે. કારણ સમગ્ર સૃષ્ટિનું સંચાલન પાલન તથા રક્ષણ વિષ્ણુ કરે છે. આમ વસંત પંચમીએ ત્રણ પુજાનો મહિમા ખાસ છે. ત્રીજી પૂજા રતિ અને કામદેવની પણ કરવામાં આવે છે. 

વસંત પંચમીના દિને સ્વામીનારાયણની શિક્ષાપત્રીનો પણ પ્રાર્દુભાવ થયો હતો. સ્વામીનારાયણ મંદિરોમાં શિક્ષાપત્રીની પુજા પણ કરવાનો રિવાજ છે. 

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું ઃ "ઋતુના કુસુમાકરઃ" અર્થાત્ ઋતુઓમાં હું વસંત છું. આમ વસંત ઋતુ અને શ્રીકૃષ્ણ પરસ્પર એક છે તેવો ભાવ પ્રતિપાદિત થાય છે. વસંત પંચમીને મદન પંચમી પણ કહે છે કારણ કામદેવનું બીજું નામ મદન છે. રતિ સાથે કામદેવની પુજા અર્ચના કરવામાં આવે છે. વસંતનો વૈભવ પ્રકૃતિની શોભા વધારે છે. કુદરત પણ મન મુકીને ખીલવા લાગે છે.

વસંતમાં પ્રકૃતિ નવાં રૂપ ધારણ કરે છે જુનાં પાન ખરી જાય છે અને નવાં પાન ઉગવા લાગે છે. ઋતુ પ્રમાણે નવા પાન બજારમાં આવવા લાગે છે ઘઉં, ઘઉંનો પોંક, લીલા ચણા (ઝીંઝરાં) બોર, ફળો, વિવિધ ભાજી તથા તાજાં શાક મળી રહે છે. હવેલીઓ અને કૃષ્ણ મંદિરો અને ઈસ્કોન મંદિરોમાં નવા વાઘા ભગવાનને પહેરાવાય છે. પ્રસાદમાં મઠડી, મગસ, મેસુલ, લાડુ, થાબડી તથા ફળો ધરાવામાં આવે છે. શ્રીકૃષ્ણ તથા રાધાની સ્તુતિ, ધુન, ભજન કરીને દિવ્ય આરતી કરવામાં આવે છે. શ્રીનાથજી, ડાકોર, વૃંદાવન, દ્વારિકા જેવા મંદિરોમાં રોશની, શણગાર કરી નવી ધજા ચઢાવવામાં આવે છે.

વસંત પંચમીના દિને આખો દિવસ શુભ મુર્હૂત હોવાથી આ દિવસે સગપણ, સગાઈ, વાસ્તુ તથા નવા વ્યવસાયની શરૂઆત કરવામાં આવે છે.

આપણા કવિઓએ પણ વસંતને ઋતુરાજ કહી છે. વિવિધ સંસ્કૃત ગ્રંથો અને પૌરાણિક ગ્રંથોમાં વસંતનું સુંદર વર્ણન જોવા મળે છે. પ્રસિદ્ધ કવિ કાલીદાસે 'ઋતુસંહાર'માં વસંત ઋતુનું સુંદર અને આબેહૂબ વર્ણન કર્યું છે. 

વસંત ઋતુ મહા (માઘ) માસમાં આવે છે તેથી વસંત પંચમીએ આદ્યસ્નાનનો પણ મહિમા છે. તીર્થો, નદી તથા દરિયા અને નદીના મિલન સંગમ પર સ્નાન કરી લોકો ધન્ય બને છે. 

આપણાં ફિલ્મી ગીતોમાં પણ વસંત પર કેટલાંક ગીતો બન્યાં છે. વસંત પોતે એક રાગનું પણ નામ છે. પૂ. મોરારિબાપુએ "માનસ વસંત" નામથી એક રામકથા પણ કરી હતી. 

વસંત રંગીન છે. માનવીનાં જીવનમાં નવો ઉત્સાહ તથા ઉર્જાના રંગો લાવે છે. બે પ્રેમી હૃદયની મિલનની મજા વસંતમાં વિશેષ ખીલી ઉઠે છે. આવો, આપણે પણ વસંતના રંગમાં રંગાઈને પ્રકૃતિની ભેટનો આદર સ્વીકાર કરીને પ્રભુ ભજનમાં લીન થઈએ.

- ભરત અંજારિયા


    Sports

    RECENT NEWS