સેવાનું મૂલ્ય .
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
રાજાની શક્તિ અને કીર્તિની વાતો ચોમેર ફેલાયેલી હતી. રાજા જ્યાં જ્યાં ચડાઈ કરે ત્યાં લડાઈ કર્યા વિના જ વિજયપ્રાપ્તિ થઈ જાય. એમનું સૈન્યબળ અને પ્રતિભાવથી અંજાઈને સામેવાળા રાજ્યના મંત્રી રાજાને સલાહ આપતા કે,'લડાઈથી આપણી ખુવારી થશે અને અંતે હાર જ મળશે ઃ માટે રાજાને શરણે જઈ તેની સર્વોપરિતા સ્વીકારી લેવામાં જ શાણપણ છે.' આમ લડાઈ વિના જ રાજાનો વિજયધ્વજ લહેરાઈ જતો જેથી જોતજોતામાં આજુબાજુનાં અઢાર પરગણાંના ખંડિયા રાજાનું તેમને આધિપત્ય સાંપડયું. રાજાનો મહેલ તેની અપ્રતિમ જાહોજલાલીનું દર્શન કરાવતો હતો. અઢાર ખંડિયા રાજાના કારભાર અને તે રાજાની મુલાકાત માટેના અઢાર ખંડ રાજમહેલમાં અલગ ભાગમાં હતા. બીજા ભાગમાં રાણીવાસ અને મધ્યમમાં રાજાનો શાહી મુખ્ય આવાસ હતો. અંતિમ ભાગમાં વિશાળ પાકશાળા હતી, ત્યાં શાહીભોજન બનતું. તેની તદ્દન અડીને એક વિશાળ સુશોભિત દેદીપ્યમાન ભોજનકક્ષ જ્યાં રાજા-રાણી અને આવેલા શાહીમહેમાનો ભોજન ગ્રહણ કરતા. રાજના શાહીજમણ વખતે પાકશાળાના બધા જ સેવકો ખડે પગે હાજર રહે. રાજા ગજબના શિસ્તપ્રિય હતા. બધું જ વ્યવસ્થિત જોઈને પાકશાળાના સેવકોની ટીમ ભોજન માટેની બેઠક, વાસણો, ક્રોકરી સ્વચ્છ ને ભોજનકક્ષના હવા-ઉજાસ, સુગંધ વગેરે ઝીણીઝીણી બાબતોનો ખ્યાલ રાખતા. એક મચ્છર પણ ફરકી ન શકે. વળી પાકશાસ્ત્રીઓ તૈયાર થયેલા ભોજનને ચાખી-ચકાસીને જ પીરસવા મોકલતા. બધાં જ જાણતા કે ભૂલ થશે તો આવી બન્યું.
પરાક્રમી રાજા આમ તો ગુણોનો ભંડાર હતા, પણ તેમના જીવનની એક નબળી કડી એ હતી કે તે નાની સરખી વાતમાં પણ ક્રોધિત થઈ જતા. તે જ્યારે ક્રોધાયમાન થાય ત્યારે ગમે તે વ્યક્તિને ગમે તેવો ભયંકર દંડ ફટકારી દે જેથી રાણીઓ સહિત ઉમરાવ દરબારીઓ અને સેવકો રાજાના ડરથી થરથરતા. એક દિવસ શાહીભોજન ચાલુ હતું. બત્રીશ જાતના શાક અને તેત્રીશ જાતના પકવાન પીરસાઈ રહ્યાં હતાં. શાહીમહેમાનો અને રાણીઓ સાથે રાજન ભોજનની મજા લઈ રહ્યા હતા. એક વૃદ્ધસેવક રાજાને શાક પીરસી રહ્યો હતો અને થોડું શાક રાજાના વસ્ત્રો પર પડયું. રાજાનો ક્રોધ આસમાને, ભવાં ચડી ગયાં. ક્રોધથી આંખ લાલ કરી તે સેવક સામે જોયું. સેવકને રાજાના મુખ પર તેના રૌદ્ર સ્વરૂપનું દર્શન થયું અને તરત જ સેવકે પાત્રમાં હતું તે બધું જ શાક રાજાના શાહીપોષાક પર ઢોળી દીધું.
રાજા ચમક્યા. તેણે વિચાર્યું કે,' મારા પિતાશ્રી વખતનો બહુ જ જૂનો, વર્ષોનો અનુભવી આ વફાદાર સેવક છે અને એ આ આવી ભૂલ કેમ કરે છે ?' એને પૂછયું, ' પહેલાં થોડું શાક વસ્ત્રો પર પડયું તે કદાચ ભૂલથી પડયું હશે, પણ વધેલું પાત્રમાંનું બધું જ શાક મારા પર કેમ ઢોળી દીધું ?'
સેવકે રજાની તદ્દન નજદીક જઈ અને કહ્યું કે,' મહેલના બધા જ સેવકો આપના ક્રોધથી પરિચિત છે. જ્યારે મારાથી થોડું શાક આપનાં વસ્ત્રો પર પડયું પછીની ક્ષણોમાં મેં આપના મુખ પર ક્રોધિત રૌદ્ર સ્વરૂપનું દર્શન કર્યું અને મેં જોયું કે મને જરૂર આ ભૂલથી ફાંસીની સજા મળશે. તુર્ત જ મને વિચાર આવ્યો કે મને ફાંસી મળવાની જ છે. પણ આવી નાનકડી ભૂલ માટે એક રાજા તેના સેવકને ફાંસીની સજા આપે તો તે રાજાની બદનામી થાય. હે રાજન ! મારા રાજાની બદનામી થાય, હું એવું લગીરે ઇચ્છતો ન હતો તેથી મેં તમારાં વસ્ત્રો પર બધું જ શાક નાખીને ગુસ્તાખી કરી. તમારું આવું અપમાન કરવાથી લોકોની નજરમાં હું મોટો ગુનેગાર સાબિત થાઉં જે ગુનો ફાંસીની સજાને લાયક ગણાય. તમારી બદનામી ન થાય માટે મેં મોટી ભૂલ કરી.'
છેલ્લે તે સેવકે રાજાને કહ્યું કે,' બધા જ સેવકો તમને પ્રેમ કરે છે, તે માન-સન્માન તમારા ક્રોધના ભયને કારણે છે. માટે હે રાજન ! આપ ભયની પ્રીતના નહીં પણ પ્રીતની ભયના હકદાર બનો તેવી વિનંતી.' રાજાની આંખ ઉઘડી. તે સેવકની સેવાનું મૂલ્યરૂપે તેની બઢતી આપી, પાકશાળાનો હેડ બનાવી દીધો. રોજબરોજના જીવનમાં આપણા નોકરથી કોઈ વાસણ કે વસ્તુ પડી જાય કે કિંમતી વસ્તુ ઢોળાઈ જાય તો તેને ક્રોધને બદલે પહેલાં તને વાગ્યું તો નથી ને ? એમ પૂછી પછી ધીરેથી શીખામણ દઇએ.
આપણાં સ્વજનો, મિત્રો, સહકાર્યકરો પ્રત્યે આપણી એવી પ્રીત હોવી જોઈએ કે એ એમ વિચારે કે હું કાંઈ ખોટું કરીશ, હું ભૂલ કરીશ તો તેને દુઃખ થશે કારણકે તે મને પ્રીત કરે છે. આ છે પ્રીતનો ભય.. અને આપણાથી ડરીને આપણા ભયથી કોઈ પ્રીત કરે તો તે ભયની પ્રીત છે. તે સાચા અર્થમાં પ્રીત કે સન્માન નથી. માટે પ્રીતની ભયના હકદાર બનીએ.