ગાંધીજી પર ટોલ્સટોયનો સવિશેષ પ્રભાવ પડયો હતો. તેમણે ટોલ્સટોયનું પુસ્તક 'ધી કિંંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ' (The Kindgod of God is within you) વાંચેલું. તેમણે આ પુસ્તકનું સંક્ષિપ્તીકરણ કર્યું હતું અને 'વૈકુંઠ તમારા હૃદયમાં છે' શીર્ષકથી આ સંક્ષેપ પ્રગટ કરાવેલો. ગાંધીજીએ આ પુસ્તકમાંથી એવો સાર તારવ્યો કે હિંસા એ માણસના અંતરાત્માની પસંદગી નથી.
૧૯૩૭ થી ૧૯૪૦ દરમિયાન હુદલી/ડેબાંગ અને મલીકંદા ખાતે ગાંધી સેવા સંઘનાં અધિવેશનો મળેલાં. તેમાં તેના એક અધિવેશનમાં અંતરાત્માને પૂછવાની વાત વિગતે ચર્ચાયેલી. એ સભામાં ગાંધીજીએ કહેલું કે અહિંસાને સત્તાના રાજકારણ સાથે કોઈ સંબંધ હોઈ શકે નહીં. તેમણે સેવાસંઘના સભ્યોને એવી સલાહ આપી હતી કે જેમની પસંદગી સત્તાના રાજકારણમાં જવાની કે સેવાસંઘનાં રચનાત્મક કાર્યો સંભાળવાની હોય તેમણે તેમના અંતરાત્માને પૂછીને નિર્ણય કરવો. સંઘના હાજર ૨૪૩ સભ્યોમાંથી ૮૪ સભ્યોએ સત્તાના રાજકારણમાં જવાનું અને સંઘ છોડવાનું નક્કી કર્યું. ગાંધી આથી ખુશ એટલા માટે હતા કે તેમણે તેમના અંતરાત્માને પૂછીને નિર્ણય લીધો હતો. પણ સંઘ છોડવાનો નિર્ણય કર્યો તેથી દુ:ખી પણ થયા હતા.
ગાંધી માટે તો અંતરાત્માના અવાજનો અર્થ હતો ઇશ્વરીય અવાજ. ગાંધીજીએ ૧૯૨૪માં અને ૧૯૩૩માં કરેલા ઉપવાસ સમયે તેમણે સાંભળેલા અંતરાત્માના અવાજની જાણ તેમના નજીકના સાથી રાજગોપાલાચારીને કરી હતી. ગાંધીજીએ આ સંદર્ભમાં કહેલું કે તેઓ આવા અવાજને દાબી દેવાને બદલે તેમને અનુસરવાનું પસંદ કરશે. તેમણે ખાતરીપૂર્વક કહેલું કે સમગ્ર જગત તેમના વિરૂદ્ધ ઠરાવે તોપણ, તેમણે જે અવાજ સાંભળેલો તે ઇશ્વરનો ખરો અવાજ હતો. તેમની આ માન્યતામાંથી તેમને કોઈ ડગાવી નહીં શકે. તેમણે કહેલું કે આ અવાજે તેમને ક્યારેય દગો દીધો ન હતો. ૧૯૩૯ની સાલમાં તેમણે વધુ એક વખત કહેલું કે તેમણે એ નાના અવાજના જવાબમાં ઉપવાસ કરેલા. ઇશ્વરના અવાજને સાંભળવો એ સહેલું નથી. આ માટેનું સામર્થ્ય લાંબા સમયની સતત સાધનાને અંતે પ્રાપ્ત થાય છે. તેમણે વિચાર, વાણી અને કાર્ય દ્વારા આ માટે સતત સાધના કરી હતી.
ગાંધીજીના કિસ્સામાં અહિંસા એક મૂલ્ય તરીકે આત્મસાત્ થઈ ગયેલું. આથી જ્યારે પણ અંતરાત્માને પૂછવામાં આવે ત્યારે જે પ્રત્યુત્તર મળે તે જાણે કે ઇશ્વરનો અવાજ હોય તે રીતે તેમને માર્ગદર્શન મળતું.


