- દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો અને શત-શત દિવડાં પ્રગટ થયાં. રાવણ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી ભગવાન શ્રીરામજી અયોધ્યામાં પધાર્યાં. નાનામાં નાના વ્યક્તિઓને આદર આપવો એ જ દિવાળી અને નવું વર્ષ આપણને સમજાવે છે
આપણી સંસ્કૃતિ એ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે. ઉત્સવો માનવોને સજાવે છે. વર્ષ વિતે અને કેલેન્ડર બદલાય એટલું પર્યાપ્ત નથી પણ, સાથે આપણામાં પણ બદલાવ આવવો જોઈએ. ખોટા વિચારો, ખોટા દુર્ગુણોને ત્યાગી સદ્ગુણરૂપી વિચારોનું સર્જન કરતું પર્વ એટલે દિવાળી.
વાક બારસથી દિપોત્સવ પર્વનો પ્રારંભ થાય છે. વાક બારસને ગોદ્વાદશી પણ માનવામાં આવે છે. આ બારસને દિવસે ગૌ પૂજનનો વિશેષ મહિમા છે. આ ગોદ્વાદશીને દિવસે બ્રહ્માજીએ શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતી કરી ગાયો અને વાછરડાઓ પાછા આપ્યા. આસો વદ તેરસ ધન્વન્તરી ભગવાનના પ્રાગટયનો દિવસ. આપણે ત્યાં રૂપિયા પૈસાને જ ધન તરીકે માનવામાં નથી આવ્યું. પૈસો ધન છે પણ સૌથી મોટામાં મોટી સંપત્તિ વ્યક્તિનું આરોગ્ય સારું રહે એ મોટામાં મોટી સંપત્તિ છે અને આરોગ્ય પ્રદાન કરવાવાળા ભગવાન ધન્વન્તરી છે. સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ ઉપાસનાનું પર્વ છે.
મહાકાળી માતાજીની ઉપાસનાનું પર્વ એટલે કાળી ચૌદશ. એટલે ગરબાની પંક્તિ સ્મરણ થાય છે કે, તુ કાળીને કલ્યાણી હો મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા. આધ્યાત્મિક રીતે સમજીએ તો કાળી ચૌદશને દિવસે આપણે કકળાટ કાઢતા હોઈએ છીએ પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને ઈર્ષ્યા એ બધા કકળાટને દૂર કરવાની જરૂર છે. તો જ જ્ઞાનનો દિવો પ્રગટશે - માટે જ તો દિવાળી. આપણે દિવાળીને દિવસે મિઠાઈતો આપીએ જ છીએ પણ એની સાથે-સાથે સદ્ભાવ અને પ્રેમ આપવાની જરૂર છે.
દૈવી સંપદાએ આસુરી સંપદા ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો અને શત-શત દિવડાં પ્રગટ થયાં. રાવણ ઉપર વિજ્ય પ્રાપ્ત કરી ભગવાન શ્રીરામજી અયોધ્યામાં પધાર્યાં. અયોધ્યાના દરેક વ્યક્તિઓને ભગવાન શ્રીરામજીએ સંતોષ આપ્યો. નાનામાં નાના વ્યક્તિઓને આદર આપવો એ જ દિવાળી અને નવું વર્ષ આપણને સમજાવે છે. કારતક સુદ પ્રતિપદા એટલે ભગવાન ગિરિરાજજીની પૂજા. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. ભગવાન શ્રીકૃષ્ણ કહેવા માંગે છે કે, પ્રકૃતિના પૂજક બનો. છોડમાં પણ રણછોડ છે, ક્યારામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ છે. વ્રજમાં વર્ષો જુની પરંપરાને તોડી ભગવાન શ્રીકૃષ્ણએ એક નવો જ યજ્ઞા શરૂ કરાવ્યો. ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજવાસીઓને કહ્યું કે, વરસાદ દેવરાજ ઈન્દ્ર નથી વરસાવતા. વરસાદ તો પ્રકૃતિ અનુસાર પડે છે. આપણા ઈષ્ટદેવ ગિરિરાજજી છે અને આપણી ઈષ્ટદેવી એ ગૌમાતા છે. અન્નકુટના માધ્યમથી દરેક વ્યક્તિઓને પ્રસાદ પહોંચે એ ભાવ ભગવાન શ્રીકૃષ્ણનો હતો. માટે જ નવા વર્ષમાં મંદિરમાં અન્નકુટ થાય છે.
કારતક સુદ બીજ એ યમ દ્વિતિયાના નામે પ્રસિદ્ધ છે. બેન ભાઈ માટે મંગળ કામના કરે છે અને ભાઈ બહેન માટે મંગળ કામના કરે છે. પોતાનો ભાઈ દૂર વિદેશમાં હોય તો પ્રાચિન સમયમાં એવું હતું કે બેન ચંન્દ્રના દર્શન કરે અને ચંન્દ્રમાને પ્રાર્થના કરે કે મારા ભાઈની તમે પ્રગતિ કરજો. એ સમયે બેન પોતાના બાળકને નિર્દેશ કરે જે પ્રસિદ્ધ છે ચંદામામા. એ ભાવના ત્યારથી આવી છે. આ બીજને દિવસે યમુનાજીના સ્નાનનું અને યમુના પાનનું મહત્ત્વ છે.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


