Get The App

ગુરુની સામે દિલનો ઉપયોગ કરવો, દિમાગનો નહી

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
ગુરુની સામે દિલનો ઉપયોગ કરવો, દિમાગનો નહી 1 - image

સંત જલાલુદ્દીન શિષ્યોની બાબતમાં ખૂબ જ સાવધાન રહેતા. ભિન્ન ભિન્ન રીતે તેઓ પોતાના શિષ્યોને અધ્યાપન કરાવતા. એક સદ્ગુરુ તરીકેની તેઓની પ્રસિદ્ધિ ખૂબ થઈ હતી, જેથી 'યોગ્ય ગુરુ' મેળવવા પણ દૂર દૂરથી સાધકો તેઓના આશ્રમમાં આવતા.

એકવાર કેટલાક શિક્ષિત યુવાનો અધ્યાત્મમાર્ગ જાણવા માટે તેઓના આશ્રમે આવ્યા. જોકે ત્યારે સંત જલાલુદ્દીન સાથે સૌ સાધકો સંગીતના તાલે જોર શોરથી નાચી રહ્યા હતા. સૌ એવી રીતે નાચતા. જાણે ગાંડાની મહેફિલ ના ચાલતી હોય, તેવું લાગતું. સૌનો પહેરવેશ-હાવભાવ બધુ વિચિત્ર હતું. યુવાનો તો આ દ્રશ્ય જોઈ વિચારવા લાગ્યા કે આ સદ્ગુરુ તરીકે બરાબર નથી. આધ્યાત્મયાત્રામાં આગળ વધવા - આત્માની અનુભૂતિ કરવાનો આ માર્ગ બરાબર લાગતો નથી. વિચારી તેઓ પાછા જતા રહ્યા. બે-ત્રણ મહિના પછી ફરી એ આશ્રમથી આવેલા સાધકે સદ્ગુરુની ખૂબ પ્રશંસા કરી, તો સૌ મિત્રોને લાગ્યું કે આપણે તેઆના વ્યક્તિત્વનો નિર્ણય કરવામાં ઉતાવળ કરી છે. ચલો પાછા આશ્રમે જઈએ. સૌ પહોંચ્યા, તો જલાલુદ્દીન સાથે સૌ સાધકો આનંદપૂર્વક ભોજનની મિજબાની માણી રહ્યા હતા. ફરી ગુરુ બરાબર ના લાગ્યા, તો પાછા ગયા. ત્રણ મહિના પછી ફરી શુભ સમાચાર મળતા પાછા આશ્રમમાં આવ્યા. આ વખતે સંત સૌને આંખો બંધ કરાવી ધ્યાન કરવતા હતા. હવે સંત બરાબર લાગ્યા. અડધો કલાક યુવાનો ફરીને પાછા આવ્યા, તો સૌ સાધકો આશ્રમમાંથી ગાયબ થઈ ગયા હતા. જલાલુદ્દીન ધ્યાનની તૈયારી કરતા હતા. યુવાનો તેઓની સામે બેઠા, ને પૂછયું : 'આપના સૌ શિષ્યો - સાધકો ક્યાં ગયા?' સૌ આધ્યાત્મયાત્રામાં ખૂબ આગળ વધી ગયા, તેથી આજે જ વિદાય લીધી. સૌનાં મૂખ ઉપર આશ્ચર્યની રેખા દેખાતી હતી, તો જલાલુદ્દીને કહ્યું : 'તમે કેટલીવાર આવ્યા, તે મારા ધ્યાનમાં જ છે. તમે જ્યારે પ્રથમ વખત આવ્યા, ત્યારે જ લગભગ સૌ સાધકો આવ્યા હતા. તેઓ મને સમર્પિત થઈ આધ્યાત્મયાત્રામાં આગળ વધી ગયા. અને તમે આટલો સમય માત્ર આંટાફેરા મારવામાં વેડફી નાખ્યો. તમે જો ત્યારે જ જોડાયા હોત, તો તમને પણ આત્માની ઉપલબ્ધિ થઈ ગઈ હોત!'

સૌ મનોમન વિચારવા લાગ્યા કે સદ્ગુરુ આગળ જેઓ દિલનો ઉપયોગ કરે છે, તેમને સદ્રરુના આશીર્વાદ મળે છે, જ્યારે જેઓ દિમાગનો ઉપયોગ કરે છે. તેઓ માત્ર આંટા-ફેરા જ મારતા

રહે છે.

- રાજ સંઘવી