Get The App

ઉપાશ્રય એ મનોહર જ્ઞાનમંદિર .

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ઉપાશ્રય એ મનોહર જ્ઞાનમંદિર                                 . 1 - image

- ''આનંદ-ઉત્સાહ-ઉમંગ છે અઢળક અહીં ઉપાશ્રયમાં સૌનાં હૈયે-કાગળ ઉપર પથરાયેલાં શબ્દોમાં પરમની પ્રાપ્તિનો, ધર્મગ્રંથોનાં અધ્યયન-મનન-ચિંતનના આનંદે આનંદે, ક્ષણો સમયની વિતે છે અહીં પ્રભુસ્મરણે નિરાંતે-નિરાંતે.''

ઉપાશ્રય એ સાધુ-સંતો-મહંતો-ભગવંતો- મુનિ મહારાજા શ્રમણ-શ્રમણીઓ તેમજ સત્સંગી શ્રાવક-શ્રાવિકાવૃંદોની નિત્યક્રમે જ્ઞાનપ્રાપ્તિ-અધ્યયન માટેની આરાધના, સાધના અને ઉપાસના કરતી પુણ્યપ્રકટ ભૂમિ છે - પવિત્રતીર્થ ભૂમિ બની રહે છે. ઉપાશ્રયના મનોહર શાંત વાતાવરણમાં જ્યાં ધર્મ આધારિત પવિત્રતા છે ત્યાં સાધુ-સાધ્વીઓ-મુનિ મહારાજ સાહેબો આનંદે આનંદે જૈનગ્રંથો, ધર્મપુસ્તકો, વેદવિજ્ઞાન અને અન્ય ગ્રંથોનાં અધ્યયન-મનન-ચિંતન-પઠન પાઠનમાં - જ્ઞાનગોષ્ઠીમાં પ્રવૃતમય - ઉદ્યમી જોવા મળે ! ઉપાશ્રયની પુણ્યભૂમિમાં મંત્રરટણ, ધર્મ આરાધના-જપ તપ મૌન ઉપવાસ યોગ તેમજ ધર્મસંવાદોના સિધ્ધિ-સંકલ્પબળે સાધુ-સાધ્વીઓ ગુણી-જ્ઞાની-તેજોમય-ઉર્જાવાન જ્ઞાનસમૃધ્ધ બની રહે છે. ઉપાશ્રયમાં ધર્મગ્રંથોની પૂજા છે. ધર્મની પૂજા છે. જ્ઞાનની પૂજા છે. ધાર્મિક ક્રિયાઓની પૂજા છે. અહીં ધર્મસંવાદો, ધર્મચિંતન, ધર્મઉન્નતિ ધાર્મિક જ્ઞાનગોષ્ઠિ પ્રવચન સ્વરૂપે સર્વોચ્ચ શિખરે છે. વાસ્તવમાં દરેક નાનાં-મોટાં ઉપાશ્રયની ભૂમિએ તપોભૂમિ-જ્ઞાનભૂમિ સ્વરૂપે શિક્ષા-સંસ્કાર-વિદ્યા-ધર્મ પ્રેરણા કે ધર્મ જાગરૂકતાનું મનોહર મંગલમય પ્રવેશદ્વાર બની રહે છે.

વિશેષ ઉપાશ્રયની તપોભૂમિમાં જ્ઞાની, ગુણી, વિજ્ઞાન આચાર્યો-ભગવંતોનાં મધમીઠાં-મધુરાં પ્રવચનો સુલભ-પર્યાપ્ત બની રહે છે - જ્યાં શ્રવણ - સત્સંગીઓ શ્રાવિકોવૃંદોને અમૃતમય-આનંદમય-જ્ઞાનરસ-ભક્તિતરસની શિબીરશ્રેણીઓ દ્વારા પ્રેરણાત્મક-સંદેશાત્મક ઉપદેશો દ્વારા વિદ્યા-જ્ઞાનગ્રહણ-શિક્ષા સંસ્કારનું ઘડતર થાય છે.

અહીંના પ્રવચનોમાં નીતિનિયમોના પાલન સાથે સુખી-તંદુરસ્ત અને આનંદભર્યું સફળ જીવન કેવી રીતે જીવવું તેના પાઠ શીખવાય છે. માનવીના દુર્ગુણોને સાફ-સુથરા કરી, માનવીનાં સદ્ગુણો-સાત્વિકભાવોનું સિંચન અને વાવેતર, અહીં થાય છે. ઉપાશ્રયની પાઠશાળા-વિદ્યાશાળામાં-જ્ઞાનમંદિરના ધર્મ આધારિત વિષયો છે - અહિંસા - જીવદયા - ક્ષમાયાચના - તપ - ત્યાગ - વૈરાગ્ય અને સંયમી જીવન. અહીં શીખવાય છે - ભણાવાય છે - પ્રવચનસ્વરૂપે નીતિમત્તા, પ્રમાણિકતા, ધર્મપ્રીતિ અને સત્યપ્રીતિ, ઉચ્ચકોટિનાં સંસ્કાર, આરાધના અને સાધનાની નિત્ય સમયાંતરે ''ધર્મસભા-ધર્મબેઠકો'' અહીં થાય છે જે ધર્મપ્રેમી માનવીઓ સત્સંગી શ્રવણ-શ્રવણીવૃંદોને ''જીવનસફરનાં શ્રેષ્ઠયાત્રી'' સંદર્ભે  દિશાસૂચક અને ઉપયોગી પૂરવાર થાય છે. વળી - જૈનસંપ્રદાયનો વૈભવભર્યો. ઉજાસ એ સુંદર કલાત્મક નયનરમ્ય દેરાસરો છે - મનોહર ઉપાશ્રયો છે. દેરાસરમાં સ્વયં પ્રભુ બિરાજે છે તો ઉપાશ્રયમાં પ્રભુદર્શનનું વર્ણન - પ્રભુગુણગાન-પ્રભુવચનો અંગે ધર્મસભા-શિબીર થાય છે આમ ઉપાશ્રય એ સરસ્વતીદેવીનું મનોહર બહુમૂલ્ય જ્ઞાનમંદિર બની રહે છે.

- કમલેશ હરિપ્રસાદ દવે