Get The App

ઊંઝા : શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક સ્થળે નવીન ભવ્ય મંદિર

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ઊંઝા : શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક સ્થળે નવીન ભવ્ય મંદિર 1 - image

યાત્રાધામ ઊંઝામાં બિરાજમાન કરોડોના આસ્થાના કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના નિજમંદિરમાં દિનપ્રતિદિન હજારો શ્રધ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.... હવે નીજ મંદિરથી તદન નજીક શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગોખ એટલે કે પ્રાગટય સ્થળે કરોડોના ખર્ચે નવીન ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે. જેમાં ઉમિયા માતાજીના ગોખના યંત્ર અને દીપ સાથે નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં થઈ રહી છે. જેની તડામાર તૈયારીઓ છેલ્લા તબક્કામાં ચાલુ છે ત્યારે ગામમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.

ઊંઝામાં ઉમિયા માતાના મૂળ સ્થાનક ગોખ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૬થી ૨૮ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ત્રિ-દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞા યોજાનાર છે. ૧૭૧ વર્ષ પછી ગોખનું મૂળ સ્થાનક ભવ્ય મંદિરમાં પરિવર્તિત થનાર છે.... ઉમિયા માતાનું મૂળ સ્થાનક યાને પ્રાગટય સ્થાન ઊંઝા ગામના ખજૂરી પોળ ચોક પાસે આવેલું છે. જ્યાં એક નાના જૂના મકાનમાં યંત્ર અને દીપ અખંડ રાખી તેમની પૂજા વર્ષોથી થતી આવી છે. એ મકાન તોડી એક નાનો સરસ રૂમ બનાવી હાલ માતાજી તેમાં બિરાજમાન છે... આ નવનિર્મિત મંદિર હિન્દુ શિલ્પશાસ્ત્રની દ્રષ્ટિએ બનાવવામાં આવ્યું છે. જેનું કામ હવે પૂર્ણતાના આરે છે. મંદિર પરિસર વિસ્તાર ૨૨૩૨ ચો.વારમાં આવેલો છે. મંદિરના શિખરની ઊંચાઈ ૪૬'.૭* ફીટ તથા લંબાઈ ૬૩'.૪* ફીટ, જ્યારે પહોળાઈ ૫૧'.૬* ફીટ, રંગમંડપ ૨૨.૭ટ૨૨.૭ ફીટ રહેશે તેમજ મા ઉમિયાની મૂર્તિ ૫૧*ની રહેશે. મુખ્ય મંદરની સાથે ગણપતિજી, ભૈરવ યજ્ઞા મહાકાલી, મહાલક્ષ્મી વગેરે દેવો બિરાજમાન થનાર છે. ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભવ્ય શોભાયાત્રા તથા નવચંડી યજ્ઞા સંપન્ન થનાર છે.

કહેવાય છે કે ઈ.સ.૧૩૫૯ માં અલ્લાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાને આ શેષશાઈ પાસે મા ઉમાના મંદિરનો ધ્વંસ કર્યો. મા ઉમાની મૂર્તિ ખંડિત ન થાય તેવી સમય સુચકતાથી ઊંઝા ગામના મોલ્લોત ભાઈઓ એ મોટા માઢના મકાનના ગાંખમાં મૂર્તિ સ્થાપિત કરી આશરે ૫૧૧ વર્ષ સુધી પૂજા અર્ચના કરી અને વિધર્મીઓનું રાજ પૂર્ણ થતાં ગાયકવાડ સરકારે નિજમંદિરનું નિર્માણ કરી ગાંખમાંથી મા ઉમાની મુર્તિ પ્રસ્થાપિત કરી. ત્યારબાદ ગાંખમાં મા ઉમાની મૂર્તિની જગ્યાએ મા ઉમાનો ફોટો તથા યંત્રને પ્રસ્થાપિત કરી શ્રધ્ધા ભક્તિથી પૂજા અર્ચના પાટીદારો દ્વારા કરવામાં આવી. ગામના પાટીદારો આ માતાજીને ખૂબ માનતા અને ખેતીની શરૂઆત કરતા પહેલાં માતાજીનું પૂજન-અર્ચન કરી કાર્ય આરંભતા હતા. આસો સુદ આઠમે ગોખના સ્થાનકમાં પલ્લી ભરાતી અને બધા ઘરે પ્રસાદ વહેંચાતો. વળી નવદંપતિના છેડાગાંઠણ અહીં લગ્ન પછી છોડવા આવતા હતા. આ ઉપરાંત મોલ્લોત પરિવારમાં દીકરાનો જન્મ થાય તો ભાદરવા સુદ-૮ના દિને બાળોજ માતાજીના વધામણાં થતાં જેમાં બે તાસમાં અનાજ ભરવામાં આવે તે પૈકી એક તાસ બાળોને જ માતાજીનો અને બીજા તાસ ઉમિયાજી વડે વધાવવામાં આવે એવી પ્રણાલી જે આજ સુધી ચાલુ છે. મા ઉમાની પૂજા સાથે પલ્લી આસો સુદ-૮(આઠમ)ના રાત્રે મૂળ સ્થાનક ગાંખમાં જ ભરાય છે. પલ્લી નિકળ્યા બાદ જ મોલ્લોત પરિવારનો દરેક સભ્ય પલ્લીનો પ્રસાદ લે પછી જ પુત્રના માનતાના ગરબા નિકળે જે આ જ દિન સુધી પૌરાણિક રીત-રિવાજ મુજબ ચાલુ છે. શ્રી ઉમિયા માતાજીના જે પ્રસંગો ઉજવતા હતા તે અવિરત આજદિજ સુધી ચાલુ જ છે. લાંબા સમયની શ્રધ્ધા અને પૂજા અર્ચનાએ અલૌકિક ચમત્કાર કર્યો. પૂર્વજોના આશિર્વાદથી ઊંઝામાં મા ઉમિયાનું મૂળ સ્થાનક ગાંખ મંદિરમાં મા ઉમાની મૂર્તિ આશરે ૧૭૧ વર્ષ પછી ભવ્ય મંદિર પ્રસ્થાપતિ થશે જેનું નવિન શિખરબધ્ધ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કરેલ છે.

- કલ્પના જયવદનભાઈ ગાંધી