Get The App

રાધાજી વિશે ન જાણેલી હકીકતો: કૃષ્ણપ્રિયા રાધા શ્રીકૃષ્ણનો આલંબન વિભાવ છે

Updated: May 29th, 2019

GS TEAM

Google News
Google News
રાધાજી વિશે ન જાણેલી હકીકતો: કૃષ્ણપ્રિયા રાધા શ્રીકૃષ્ણનો આલંબન વિભાવ છે 1 - image


રાધા એ બે અક્ષરનો બનેલો શબ્દ છે. આ શબ્દને ઊલટાવીએ તો 'રાધા'નું 'ધારા' શબ્દમાં રૂપાંતર થઈ જાય. શ્રીકૃષ્ણના પ્રેમમાં સતત વહેતી 'ધારા' એટલે રાધા.

શક્તિસ્વરૂપા રાધાજી વૈષ્ણવોની માનીતી સ્વામિની છે. કૃષ્ણ વગરની રાધા અને રાધા વગરના કૃષ્ણને કલ્પવા મુશ્કેલ છે. કૃષ્ણ અને રાધા પરસ્પર જોડાયેલાં છે. બન્નેને એકબીજા વિના જરાય ગોઠતું નથી. બરસાના ગામની આ છોકરીએ એવું તે શું કામણ કર્યું કે જગતનો નાથ એક અબળા સામે પરવશ બની ગયો ?

આ રાધા કોણ છે ? તેની પાછળ બાવરો બનેલો કાનુડો એકમાત્ર રાધાને જ કેમ પોતાની સાથે રાખે છે ? વ્રજની અન્ય ગોપાંગનાઓ જ્યારે કાનુડાને પામવા ઘેલી થઈને ફરે છે. ત્યારે કનૈયો બંસરીના સૂરવડે રાધાને જ કેમ બોલાવે છે ? રાસલીલામાં રાધાને જ કેમ આગળ રાખે છે ? આવા પ્રશ્નો ઊઠે તે સહજ છે.

'ગોપીસંહિતા'માં રાધાજીના વિવિધ નામો મળે છે. તેમાં વૃંદાવન-વિનોદી, વૃંદા, રાસવાસિની, રસિકેશ્વરી, રાસેશ્વરી, કૃષ્ણસ્વરૂપિણી,કૃષ્ણા, કૃષ્ણવામાંગસંભૂતા,  કૃષ્ણ પ્રાણાધિક, કૃષ્ણપ્રિયા, રાતચંદ્ર, વૃંદાવની, વામભાગા, ચંદ્રકાન્તા, ચંદ્રાવતી, શતચંદ્ર નિભાનના વગેરે...

પદ્મપુરાણના પાતાલખંડમાં રાધાજીનું પ્રાગટય ભગવાનના ડાબા અંગમાંથી થયેલું બતાવ્યું છે અને જમણા અંગમાંથી વ્રજભૂમિનું તથા તેમાંની જીવ-સૃષ્ટિનું સર્જન થયાનું લખ્યું છે. ત્રીજા કલ્પમાં ભગવાને જ્યારે પૃથ્વી પર અવતરવાનો નિર્ણય કર્યો ત્યારે તેણે પ્રથમ પોતાના ડાબા અંગમાં વહેતી શક્તિધારામાંથી આ રાધાને પ્રગટાવ્યા હતા.

રાધાના આગ્રહથી યમુના, વૃંદાવન, અને ગોવર્ધન પર્વતને મથુરામંડળમાં મોકલ્યા હતા. વેદની શ્રૂતિઓને ગોપાંગનાઓ રૂપે પ્રગટાવી હતી. તથા દંડકારણ્યમાં તપ કરતાં ઋષિઓને ગોપાલકોરૂપે પ્રગટાવ્યા હતા. આ સિવાય ગાયોને પણ પ્રગટાવી હતી.

'ગોપીસંહિતા' અપ્રાપ્ય પુસ્તક છે તેમાં રાધાજી વિશે ખૂબ જ બારીકાઈથી મહાપ્રભુજીએ લખ્યું છે. તેમાં રાધાજીને ભગવાને ડાબા અંગમાંથી ઉત્પન્ન કરી વ્રજમાં છાયારૂપે વૃષભાનુ નામના એક મહાશક્તિશાળી રાજવીને ત્યાં પુત્રીરૂપે પ્રગટાવ્યાનું લખ્યું છે. રાધાજીના જન્મપ્રાગટય પછી બાર વર્ષ બાદ ભગવાને અવતાર લીધો છે એટલે શ્રીકૃષ્ણ ભગવાનથી આ રાધિકા બાર વર્ષ મોટાં છે.

વ્રજના મોટા રાજવી એવા વૃષભાનું તથા મહારાણી કીર્તિદેવીને ત્યાં અઢળક સંપત્તિ અને ગાયો-ગોવાળો- દાસ- દાસીઓ હતા. તેમની પાસે ૭૧ કરોડ ગાયો, ૮૧ હજાર વાસીદા વાળનારી દાસીઓ, ૧ લાખ ગોવાળો, ૫૦ હજાર જલધરિયા, ૧૩ હજાર ફુલધરિયા, ૫૧ હજારથી પણ વધારે રસોઈયા તેમજ રાજ અને તેના નોકરોનાં કપડાં ધોનારા ૧૦ હજાર ધોબીઓ હતા.

વૃષભાનુને આઠ ભાઈઓ હતા. તેમાં સત્યભાનુ, ગુણભાનુ, ધર્મભાનુ, રુચિભાનુ, સુભાનુ, ચંદ્રભાનુ, વરભાનુ અને ઉદયભાનુ. આમાં વૃષભાનું સૌથી નાના હતા. અને વ્રજના રાજા તરીકે ઓળખાતા હતા.

સૃષ્ટિ ઉત્પત્તિમાં પુરૂષ અને પ્રકૃતિનું સંયોજન કારણરૂપ છે. પ્રકૃતિએ ભગવાન પરમાત્માનો જ એક ભાગ છે. સ્ત્રી એ પ્રકૃતિ સ્વરૂપ છે અને તેનું સૌથી ઉત્તમ સ્વરૂપ તે રાધા છે. અને તે શ્રીકૃષ્ણની જ એક મહામાયા સ્વરૂપ છે. મૂળ પ્રકૃતિ તે જ રાધા અને તે પરાપ્રકૃતિ દેવી છે. રાધિકાના પ્રત્યેક રોમકૂપમાંથી અનેક ગોપાંગનાઓ ઉત્પન્ન થઈ છે.

બ્રહ્મવૈવર્ત-પુરાણાનુસાર : શ્રી ભગવતી રાધા તેજસ્વીતા સમંત બધા ગુણોમાં શ્રીકૃષ્ણ પરમાત્માથી જરા પણ ન્યૂન નથી. શ્રીકૃષ્ણ પરમાત્મા કેટલાય દીર્ઘકાળ સુધી પોતાના ડાબા અંગમાંથી પ્રગટ થયેલી આહ્લાદિક મહાશક્તિ રાધાજીની સાથે સૃષ્ટિ-સંકલ્પ પૂર્ણ કરવાની અપેક્ષાથી કૃષ્ણે પોતાનું મહાતેજ આ પરાશક્તિ- પ્રકૃતિ રાધાજીમાં આધાન કર્યું.

આ મૂલ પ્રકૃતિ રાધાનું સો મન્વંતર સુધી અવસ્થિત રહેવા ઉપરાંત પોતાનું તેજ એક શિશુરૂપ અપાકૃત શરીરમાં ફેરવાઈ ગયું. અને આ પરાપ્રકૃતિદેવી રાધાએ પોતાના આ શિશુરૂપને અગાધ જળમાં છોડી દીધું અને આ શિશુ જ વિરાટરૂપથી પ્રસિદ્ધ થયું. જેનું દર્શન અર્જુનને ઇ.સ.પૂર્વે ખોલાયેલાં મહાભારતનાં યુદ્ધમાં ઇ.પૂર્વે ૩૧૩૯માં થયું હતું. આ રાધાના મહાતેજથી જ લક્ષ્મી, સરસ્વતી વગેરે નામ રાધાએ ધારણ કર્યો.

ભગવાન શ્રીકૃષ્ણનો ઉત્કટ પ્રેમ જ્યારે ઉચ્ચત્તમકક્ષાએ પહોંચે છે. ત્યારે તે રાધાનું સ્વરૂપ ધારણ કરે છે, જે શ્રીકૃષ્ણના ઉચ્ચત્તમ પ્રેમનું પ્રતીક છે. કારણકે શ્રીકૃષ્ણ પરમાત્માની ત્રણ શક્તિઓ અને ચાર સ્વરૂપો છે. તેમાં ત્રીજી શક્તિ ઉત્કટ પ્રેમની છે. પહેલી શક્તિ બુદ્ધિ છે અને તે આંતરિક રીતે કામ કરે છે. બીજી શક્તિ બાહ્યશક્તિ છે.અને તે નિરાળી તથા અનેક રૂપોનું સર્જન કરે છે.

શ્રીકૃષ્ણની પરબ્રહ્મશક્તિ ચારેબાજુ પ્રસરેલ છે અને તે માયાશક્તિનું રૂપ ધારણ કરે છે અને વિલાસશક્તિનું રૂપ પણ ધરાવે છે. આ વિલાસશક્તિના પ્રભાવે શ્રીકૃષ્ણનાં અસંખ્ય સ્વરૂપો થતાં અને ગોપીઓની લીલામાં તેનું દર્શન થતું હતું. આ વૈભવવિલાસને કારણે શ્રીકૃષ્ણના વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમ ચાર સ્વરૂપ થયાં છે.

'રાધાવતાર' પુસ્તકમાં રાધાજી પૂર્વજન્મમાં 'સીતાજી' હોવાનું લખ્યું છે. 

પરંતુ તેનું પ્રમાણ મળતું નથી. મહાવિદ્વાન પંડિત શ્રી વાસુદેવ પુરોહિતે રાધાજીને સારસ્વતકલ્પમાં 'વૃંદા' કહ્યાં છે. ધર્મધ્વજ રાજાની આ કુંવરી'વૃંદા એ બદરીવનમાં ઘોર તપસ્યા કરીને દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાનની હૃદયસુંદરી બનવાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેનું પ્રમાણ રાધાનું એક નામ'વૃંદા' હોવાથી ફલિત થાય છે.

રાધાજીનાં લગ્ન શ્રીકૃષ્ણ ભગવાન સાથે નહિ, પરંતુ યશોદાના ભાઈ 'રાયાણ' નામના વ્રજગોપ સાથે થયાં હતાં. આ હિસાબે રાધિકાજી શ્રીકૃષ્ણના'મામી' ગણાય.મામીની સાથે ભાણેજ વિલાસક્રીડા ન જ કરે. રાધા-કૃષ્ણનો પ્રેમ વિલાસથી પર હતો. આત્માનો પ્રેમ હતો. 

હકીકતે આ લગ્ન મૂળ રાધા સાથે નહિ, પણ રાધાની છાયા સાથે થયું હતું. રાધા એ છાયાને રાયાણને સોંપી પરમાત્મા શ્રીકૃષ્ણમાં વિલિન થઈ ગઈ હતી. શ્રી વેદવ્યાસ પણ સ્વીકારે છે કે, શ્રીકૃષ્ણ આત્મારામ છે અને રાધા એમની આત્મા છે. આ હિસાબે રાધા એ કોઈ સાધારણ ગોપી ન હતી. એક મહાશક્તિ હતી.

ભાગવતકારે ભક્તિમાં ભાવાવેશની ઉત્કટતા દર્શાવવા સ્ત્રી અને પુરુષના સંબંધની ઉપમા લીધી લાગે છે. પરંતુ ભક્તિનો એવો સંબંધ કામુકતા- વિલાસભોગથી અસ્પૃષ્ટ છે. પોતાની પાછળ દેહનું ભાન ભૂલી બાવરી, ઘેલી થઇને દોડતી ગોપીઓના કામની તૃપ્તિ કરવા શ્રીકૃષ્ણને શરીરસંબંધની જરૂર પડતી નથી.

વ્રજગોપાંગનાઓ એ શ્રીકૃષ્ણે સર્જેલી માયા જ છે. ને શ્રીકૃષ્ણ પરબ્રહ્મરૂપે ગોપીઓમાં રમી રહ્યા છે. પ્રતીકાત્મકરીતે જોઈએ તો આ રાધા અને ગોપાંગનાઓ તે બાહ્ય વિષય તરફ દોડતી વૃત્તિઓ જ છે. અને રાસક્રીડા એ પરબ્રહ્મરૂપી શ્રીકૃષ્ણ અને તેમની આસપાસ ફરતી ઇન્દ્રિયવૃત્તિઓનું જ એક ચિત્રરૂપક છે.

સંતજ્ઞાાનદેવ પણ કહે છે કે, ઇન્દ્રિયવૃત્તિરૂપી આ ગોપાંગનાઓ વિષયોને તજીને શ્રીકૃષ્ણમાં એટલે કે, પરબ્રહ્મમાં એકલીન થઈ એટલે તેમની વાસના નષ્ટ થવાથી તે સ્વયમ શુદ્ધ પરબ્રહ્મસ્વરૂપ બની જાય છે.

સૂર્ય અને ચંદ્રનું એકતા એટલે રાધા અને શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણની હૃદયસુંદરી રાધાજી શ્રીકૃષ્ણનું ડાબું પડખું શોભાવે છે ને જમણે પડખે ચંદ્રાવલિનું સ્થાન છે. ચંદ્રાવલિ રાધાજીના બાપા ચંદ્રભાનુની પુત્રી. તેની માતાનું નામ 'ચંદ્રકલા' રાધિકા એટલે ભાનુનંદિની સૂર્યમુખી કે જેને'સૂર્યનાડી' ઇડા' તરીકે યોગે ઓળખાવી છે. તે અને આ ચંદ્રાવલિ એટલે ચંદ્રનાડી'પિંગલા' ચંદ્રની શક્તિ છે. 

શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે કે 'યોગમાયાનો આશ્રય કરીને ભગવાને લીલા કરવાનો વિચાર કર્યો તે પછી પોતાના વીર્યાતિરોધ કરીને માયાથી વિલાસ કરવાવાળા તથા જેટલી ગોપીઓ(માયાના કામરૂપ) હતી, તેટલાં જ પોતાનાં સ્વરૂપો ઉત્પન્ન કરી, એવી જ રીતે જેમ નાનું બાળક પોતાની છાયા સાથે રમે, તેમ રમાપતિએ વ્રજસુંદરીઓ સાથે (માયાનાં)કાર્યરૂપ વિનાશી શરીરો વડે વિલાસ કર્યો.

આ પરબ્રહ્મ અને માયાનો જ વિલાસ છે.' રાધા-કૃષ્ણ એક જ દેહરૂપે પરસ્પર નિત્ય અભિન્ન છે. શ્રી રાધાજીની બાર શક્તિઓમાં શ્રીપુષ્ટિ,ગિરા, કાન્તિ, કીર્તિ, તુષ્ટિ, ઇલા, ઊર્જા,  વિદ્યા, અવિદ્યા, માયા અને ઇચ્છા- આહ્લાદિની છે તે તમામે રાધાજીને ઉચ્ચસ્થાને બેસાડયા છે..

- ચંદ્રકાન્ત પટેલ

Tags :