'ઉધ્ધવ ગીતા' .
શ્રીમદ ભાગવત મહાપુરાણ સંહિતાના અગ્યારમાં સ્કંધના સાતમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પરમસખા, પરમજ્ઞાની ઉધ્ધવજી વચ્ચેનો સંવાદ તે ઉધ્ધવ ગીતા.
ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતમાં પાંડવો અને કૌરવોના યુદ્ધ સમયે નિરુત્સાહ થઈને યુધ્ધ ન કરવાના સંકલ્પ સાથે ગાંડીવ છોડીને રથની પાછળ બેસી ગયેલા અર્જુનને પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરાવવા જે બોધ આપ્યો છે તે 'ભગવદ ગીતા'.
એક 'અષ્ટાવક્રગીતા' છે. જનક મહારાજાની સભામાં પોતે જોયેલો સ્વપ્નની વાત કરીને પૂછેલા પ્રશ્નના જવાબમાં મહામુની 'અષ્ટાવક્ર' જીએ સંભળાવેલ તે.
ભગવાન શ્રીકૃષ્ણ આપણને આવાં દ્રષ્ટાંતો અને તેમાંથી માર્ગ કાઢવા જે જ્ઞાન આપે છે તે ગીત ને ગીતા તરીકે સ્વીકાર્યુ છે.
ઉધ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના અંતરંગ મિત્ર છે. અર્જુનની જેમ તેમને પોતાને કોઈ પ્રશ્ન કે મુંઝવણ નથી. તેમણે તો આ જીવન પ્રવાહમાં આવતા ચડાવ ઉતાર વખતે સમસ્થિત કેવી રીતે રહી શકાય. તેનું માર્ગદર્શન માંગ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ ઋષિઓના શ્રાપને વશ થઈને દ્વારિકા છોડીને છેક પ્રભાસપાટણ સુધી આવી ગયા છે. ૧૨૫ વર્ષ સુધી અનેક લીલાઓ કરીને હવે પોતાની લીલાને સમાપન કરવાનો નિશ્ચય કરીને બેઠા છે. સોનાની દ્વારિકા ડૂબી રહી છે. ૫૬ કોટી યાદવો પ્રભાવના દરિયા કિનારે વરુણી નામનો મદિરા પીને છાટકા બન્યા છે. એક બીજાના લોહીના તરસ્યા બન્યા છે. એક બીજાને કાપી રહ્યા છે. ભગવાનને જરા નામના પારધીએ પગની પાનીમાં બાણ માર્યું છે. લોહીની ધારા વહી રહી છે. છતાં શાંત મુદ્રામાં સમસ્થિત રહ્યા છે તે જોઈને ઉધ્ધવ તેમને પ્રશ્ન કરે છે. પ્રભુ! આવી વિકટ પરિસ્થિતિમાં શાંત કઈ રીતે રહી શકાય? તે અમને કહો. તે વખતે ભગવાન પોતાના મહાપરાક્રમી રાજા યદુ અને સદ્ગુરુ શ્રીદત્ત વચ્ચે પૂર્વે થયેલા સંવાદને ટાંકે છે.
મહારાજા યદુ કહે છે : હે સદ્ગુરુ દત્ત આપ તો ફકકડ વેશમાં છો. જ્યારે મારી પાસે આટલી સુખ સાહ્યબી છે છતાં મને આપના જેવી અંતરંગ શાંતિ કેમ નથી? તેના જવાબમાં ગુરુદેવ દત્ત કહે છે હે રાજન મેં મારા જીવનમાં ૨૪ ગુરુ કર્યા છે. તેમની પાસેથી લીધેલો બોધ તું સાંભળ. તેમ કહીને જે વર્ણન કર્યું છે તે 'ઉધ્ધવ ગીતા'.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય