આમ તમારે તમારા આત્મિક સત્યમાં સ્થિત થઈને અતકરણની શુધ્ધિ અને નિર્મળતા નિસ્પૃહતા પ્રાપ્ત કરીને આપણાં જ આત્માને જે વસ્તુ યોગ્ય અને રુડી લાગે તેનું જ આચરણ કરવું અને આપણાં આત્માને ગમે તેમ કરવું જ જોઈએ. વર્તુવુ જોઈએ અને નિરંતર આપણે વિચારવું જ જોઈએ કે મારા આત્માને રૂડું લાગે છે, એવું હું કશું કરું છું ખરો ? કે પછી મારા પ્રબળ અહંકાર સ્વાર્થને કે મારી આંધળી આસક્તિમાં જીવું છું. જરા નિયમિત વિચારો અને ચિંતન મનન કરો ને નિષ્કર્ષ કાઢીને તે પ્રમાણે જ જીવો એજ તમારી જાગૃતિ અને પ્રજ્ઞાા બને. આમ તમારા આત્માના ચશ્માની સમ્યક દ્રષ્ટિથી નિરંતર તમારી બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય જગતને જુઓ. એની ઉપયોગીતાનો તમારા આત્મલાભની દ્રષ્ટિએ વિચાર કરો અને એનો જે ખ્યાલ આવશે કે ઊભો કરેલો બહારનો સંસાર એ તો તમે જાતે જ સર્જેલી મિથ્યા માયાવી દુનિયા છે એવી પ્રતીતિ થશે. પછી વિચાર કરો ચિતન મનન કરો કે આ દુનિયાનો રચયિતા કોણ ? તો જ્ઞાાત થશે કે તમે જ આ અહંકાર અને આસક્તિભરી માયાવી દુનિયા તમારી આસપાસ રચી છે. અને તેમાં ખુદ સપડાઈ ગયા છો. એનો સ્પષ્ટ ખ્યાલ આવશે એ પછીનું પગથિયું એ આવશે કે આ માયાવી દુનિયાને કારણે હું મારા સત્ય જીવનથી કેટલો અળગો રહ્યો, સત્તા, સંપત્તિ, સિદ્ધિની દોટમાં હું કેટલું બધું બહાર દોડયો અને મળ્યું શું ? જાણતો હતો કે મૃત્યુ નિશ્ચિત છે અને આ બધું અનિશ્ચિત છે. આમ છતાં અનિશ્ચિતને નિશ્ચિત માનીને અને નિશ્ચિત મૃત્યુને અનિશ્ચિત માનીને કેટલી બધી વૃથા દોડધામ કરી તેણો સ્પષ્ટ ખ્યાલ આવશે. આમ ચિંતન મનન દ્વારા વિચારશો કે આ અવિરત દોડધામથી શું પ્રાપ્ત થયું ? પહેલાં બેંક બેલેન્સ યાદ આવશે. તમારી પાસેના કંપનીઓના શેરનું સ્મરણ થશે, ફિક્ત ડિપોઝીટમાં નિશ્ચિતતા દેખાશે.
- તત્ત્વચિંતક વી. પટેલ


