વૈરાગ્યનાં પ્રકાર .
- સંસારમાં રહીને બધી જ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવી છતાં પણ કોઈ સાથે મોહ રાખ્યા વગર, આસક્તિ રાખ્યા વગર પોતાના સાચા સ્વરૂપનાં લક્ષ સાથે જીવન જીવવું. સમાજમાં, કુટુંબમાં રહીને પોતાની આધ્યાત્મિક સાધના ચાલુ રાખવી.
આ પણા ભારતવર્ષના ઇતિહાસમાં રાજા જનક ખૂબ મહાન રાજા થઈ ગયા. ધર્મિષ્ઠ, વૈરાગ્યવાન એવા રાજા જનક જેમણે અસંખ્ય રાણીઓ, પદ, પ્રતિષ્ઠા, હીરા ઝવેરાત અને અઢળક સુવિધા અને સંપત્તિ વચ્ચે પોતાનો રાજ્યભાર સંભાળ્યો હતો. સૌ જાણે છે કે રાજા જનકે ક્યારેય કોઈપણ વસ્તુ સત્તા, સંપત્તિ રાજ્ય, રાણીઓનો ત્યાગ કર્યો ન હતો. પરંતુ તેમના હૃદયમાં સંપૂર્ણ વૈરાગ્ય હતો. વૈરાગ્ય એ જીવનની અંતર દશા છે. કુદરત જેમ, જેવી રીતે, જ્યાં રાખે તેમ જીવવું અને છતાં પણ ત્યાગ કર્યા વગર જીવનમાં કંઈ જ ગ્રહણ ન કરવું (દ્રષ્ટિથી) તેને વૈરાગ્ય કહેવાય.
''ભક્ત કવિ નરસિંહ મહેતાનું એક ભજન ખૂબ પ્રચલિત છે......
''વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે ભીડ પરાઈ જાણે રે...મોહમાયા વ્યાપી નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે...''
જગતની ભૌતિક વસ્તુઓ મેળવવાની ઝંખના ન થાય તે વૈરાગ્ય છે. મોહ, માયા અને સંસારના પ્રલોભનોથી મુક્ત રહેવું તે પણ વૈરાગ્ય છે.
વૈરાગ્યનો અર્થ એવો નથી કે સામાજિક કર્તવ્ય તથા જીવનની જ જવાબદારી છોડીને ત્યાગ કરીને સંસારથી અલગ થઈ જવું. સંસાર છોડી કંદમૂળ પાંદડા અને ગૌમૂત્ર પર જીવવું. માથું મુંડાવી ભગવા વસ્ત્ર પહેરીને સાધુ બની જવું. જંગલમાં ભ્રમણ કરવું.
સંસારમાં રહીને બધી જ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવી છતાં પણ કોઈ સાથે મોહ રાખ્યા વગર, આસક્તિ રાખ્યા વગર પોતાના સાચા સ્વરૂપનાં લક્ષ સાથે જીવન જીવવું. સમાજમાં, કુટુંબમાં રહીને પોતાની આધ્યાત્મિક સાધના ચાલુ રાખવી. જેમાં કોઈ ક્રિયાનો વિષય નથી દ્રષ્ટિ સમ્યક્ હોવી જોઈએ. વૈરાગ્યના પણ અનેક પ્રકાર છે આપણા સૌનો અનુભવ છે કે જ્યારે આપણી નજીકની કોઈ વ્યક્તિનાં સ્વજનનું મૃત્યુ થાય તો જીવન પ્રત્યે વૈરાગ્ય ઉભો થાય છે. તે સમયે જે વૈરાગ્ય આવે છે તે સ્મશાન વૈરાગ્ય કહેવાય છે. કારણ કે વ્યક્તિ સ્મશાનમાં જઈને આવે, પોતાનાં સ્વજનને સ્મશાનમાં મૂકીને આવે, આગની જ્વાળાઓમાં બળતા પોતાના સ્વજનને જુવે એટલે એને સમાજ પ્રત્યે, ક્ષણભંગુર જીવન પ્રત્યે ક્ષણિક વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અલગ અલગ પ્રકારના વૈરાગ્ય હોય છે.
(૧) દુઃખગર્ભિત વૈરાગ્ય. (૨) મોહ ગર્ભિત વૈરાગ્ય. (૩) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય.
(૧) દુઃખગર્ભિત વૈરાગ્ય : દુઃખને કારણે સંસાર છોડીને ભાગી જવું, પરિવાર અને બાળકોની જવાબદારીઓ છોડી ને ક્યાંક દૂર આશ્રમમાં ચાલ્યાં જવું. આ બધું દુઃખ ગર્ભિત વૈરાગી કહેવાય. આના પરિણામે અનંત અવતાર ભટકવું પડે. કર્મ ફળ ભોગવતી વખતે તેમાંથી છટકી જવાની ભાવનાને દુઃખ ગર્ભિતવૈરાગ્ય ગણાય. દુઃખથી કંટાળીને સંસાર ત્યાગવો તે સાચો વૈરાગ્ય નથી. કારણ કે સંસારમાં રસ તો છે પણ સુખની કામના પૂરી નથી થઈ તેથી ક્ષણિક વૈરાગ્ય આવ્યો છે. અંદર ભરપૂર ઇચ્છાઓ પૂર્ણ થાય તેવી ભાવના જાગૃત હોય છે.
(૨) મોહ ગર્ભિત વૈરાગ્ય : કોઈ વ્યક્તિને સંત કે સાધુ બનીને શિષ્યો મેળવવાની કામના હોય, માન મળે, કીર્તિ મળે, મોભો મળશે, અનંત શિષ્યો બનાવીને પ્રતિષ્ઠા ફેલાશે, આવી અનેક પ્રકારની કામનાઓ સાથે મોહ જોડાયેલો હોય છે. મોહના કારણે લાલચ ઉત્પન્ન થાય છે. આને મોહગર્ભિત વૈરાગ્ય કહે છે. તેનું ફળ સંસારમાં ભટકાવવાનું જ છે. પૂજાવાની કામના અને મોહને કારણે સાચો વૈરાગ્ય નથી હોતો. આ દશામાં અને કામનાની ઇચ્છાઓને કારણે નવા કર્મો બંધાયા જ કરે છે અને જન્મ મરણના ચક્કર ચાલુ જ રહે છે. મોહ જોડાયેલો હોય છે.
(૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એ જ સાચા અર્થમાં યથાર્થ સ્વરૂપે વૈરાગ્ય છે. પરંતુ જ્ઞાન મળવું બહુ કઠિન છે. આવો વૈરાગ્ય તો જ જીવનમાં આવે કે કોઈ અનુભવી સત્પુરુષનો સત્સંગ મળે. સત્પુરુષનો ભેટો થાય અને તેમને બતાવેલા માર્ગે ચાલવાની સમજણ મળે પછી તે માર્ગે પુરુષાર્થ કરી આગળ વધાય. અને તેના ફળ સ્વરૂપે સમજણ બદલાય અને સહજ વૈરાગ્ય દશા ઉત્પન્ન થાય.
- ફાલ્ગુની પંડયા