તૈત્તિરીય ઉપનિષદમાં આનંદનાં ઘણા પ્રકાર બતાવ્યા છે. તેમાંના બે મુખ્ય છે : (૧) સાધનજન્ય આનંદ (૨) સ્વયંસિદ્ધ આનંદ.
સાધનજન્ય આનંદ એટલે કે સાંસારિક વિષયજન્ય આનંદ, આવો આનંદ, સાધન કે વિષયોનો નાશ થતાં, તે આનંદનો નાશ થાય છે. યોગીઓ પાસે કંઈ હોતું નથી છતાં, તેમને નિત્યાંનંદ છે. જે બતાવે છે કે, આનંદ ''અંતરમાં'' છે, જે સ્વયંસિદ્ધ આનંદ છે.
સ્વયંસિદ્ધ આનંદ એટલે કે સત્-ચિત્-આનંદ. ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સતરૂપે છે. પરિપૂર્ણ ચિત્ રૂપ છે... પરિપૂર્ણ આનંદ રૂપ છે.
પરમાત્મા શ્રીકૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે ઈશ્વર વગરનો સર્વ સંસાર અપૂર્ણ છે. ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે. જીવમાં ચિદ્ અંશ છે પણ,પરિપૂર્ણ નથી.
મનુષ્યમાં જ્ઞાાન આવે છે પરંતુ તે જ્ઞાાન ટકતું નથી. શ્રી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાાની છે. શ્રીકૃષ્ણને સોળ હજાર રાણીઓ સાથે વાત કરતાં પણ એજ શુદ્ધ જ્ઞાાન છે. દ્વારિકા વગેરેનો વિનાશ થાય છે ત્યારે પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. સર્વનો વિનાશ થાય પણ શ્રી કૃષ્ણના આનંદનો વિનાશ થતો નથી. કારણ કે શ્રી કૃષ્ણ પોતે જ 'સ્વયંસિદ્ધ' આનંદ છે. ઉત્પત્તિ સ્થિતિ અને સંહારની લીલામાં શ્રીકૃષ્ણના સ્વરૂપમાં ફેરફાર થતો નથી. પરમાત્મા આ ત્રણેય લીલામાં આનંદમાની, પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. જેનું જ્ઞાાન નિત્ય ટકે તેને આનંદ મળે. તે આનંદરૂપ થાય છે. જીવને આનંદ રૂપ થવું હોય તો તે સચ્ચિદાનંદનો આશ્રય લે છે. જીવ જ્યારે પરિપૂર્ણ બને ત્યારે જ પૂર્ણ શાંતિ...પૂર્ણ આનંદ મળે.
સંસારનો પ્રત્યેક પદાર્થ, પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરમાત્માને જે ઓળખે અને તેની સાથે મનને તદાકાર બનાવે છે તે પરિપૂર્ણ થાય. ત્યારે જીવમાત્રનું જીવન સફળ બને છે. ઈશ્વર સાથેનું આપણું ઐકય હોવાનું જ્ઞાાન એજ માનવજીવનનું લક્ષ્ય અને હેતું છે.
જ્ઞાાનીઓ જ્ઞાાનથી પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કરે છે. ત્યારે વૈષ્ણવો પ્રેમથી અપરોક્ષ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. આવા જીવોને પરમાત્મા પોતાના સ્વયંસિધ્ધ આનંદનું દાન કરે છે. ગોપીઓએ ઘરમાં જ સ્વયંસિદ્ધ આનંદ પ્રાપ્ત કર્યાે છે. ગોપીઓએ સંસારના વિષયસુખો છોડી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી છે. એટલે સૌ કૃષ્ણ સ્વરૂપ - પૂર્ણ આનંદ સ્વરૂપમાં જ રહે છે.
જીવન સુધારવું હોય તો પ્રતિક્ષણ સુધરતા રહેવું પડે. આંખનો પવિત્ર ઉપયોગ કરવો પડે. મનને પવિત્ર રાખવું પડે. ધનનો સદ્પયોગ કરવો પડે. વાણીનો સદ્પયોગ કરવો પડે. જીવતા માણસ માટે પાપથી ભરેલા અંત:કરણની પીડા એજ નરક છે.
પશ્યાનિશ જગદિદં ક્ષણભંગ નિષ્ઠં
વૈરાગ્યરાગરસિકો ભવ ભક્તિનિષ્ઠં: ।।
આ સંસાર ક્ષણભંગુર છે. કોઈ ઉપર રાગ ન કરો. બસ એક માત્ર ''વૈરાગ્યના રસિક બની'' ભગવાનની ભક્તિમાં લાગી જાવ.


