તુલસી મમતા રામ સો...સમતા સબ સંસાર...


- સંસારમાં સૌમાં પ્રભુ વસ્યા છે. એવાં ભાવો જાગશે. સમતાનો વ્યવહાર થશે. આત્મભાવ જાગશે. સર્વમાં પ્રભુનાં દર્શન થશે. 

સં સારમાં સાપ ન હોત તો ઝેરીલો વાયુ એટલો બધો પ્રસરી જાત કે સંસારના સઘળા પ્રાણી સમુહોનો નાશ થઈ જાત ! સાપ ઝેરીલા વાયુને પી જાય છે. જેટલો ઝેરીલો વાયુ ઉત્પન થયો એ સાપ પી ગયા ! જ્યારે આપણે સાપને શત્રુ માની તેની સાથે ખરાબ  રીતે વર્તીએ છીએ. તે ક્યાંય પણ દેખાય તેવાં જ હાથે લાગ્યું હથિયાર લઈ તેને મારવા દોડીએ છીએ. પરંતુ આ સાપ સંસારમાં જીવીને ઝેરીલા વાયુને પી લઈને આપણાં સજીવોની રક્ષા કરે છે. એટલે જ આપણા પૌરાણિક રીત રિવાજોમાં કહ્યું છે કે ભૂતયજ્ઞામાં પ્રાણીઓની સેવા કરો ! કોઈ પણ પ્રાણી આપણી સેવા થી વંચિત રહે નહિ. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, મનુષ્ય અને સઘળાં પ્રાણીઓને સરખા ભાગે વહેંચવું તે યજ્ઞા ગણાય છે. આ બધાંને ભાગ આપીને જે વધ્યું છે તેને પ્રસાદ સમજીને ખાવું જ યજ્ઞા-વિશેષ ભોજન છે. આથી પાપનો નાશ થાય છે. તથા જે લોકો સ્વયં પોતાને માટે કમાય છે. અને વિલાસિતાથી રહી ખર્ચ કરે છે, ભોગ-ભોગવે છે, તેઓ પાપને નોતરે છે. ભગવાને કહ્યું છે કે સુખી લોકોની પાસે જ સુખ છે. તે દુ:ખીઓ પાસેથી ઉધાર લીધેલ છે. એટલા માટે સુખિયાઓ સુખી રહ્યા અને જો આપણે માત્ર આપણું જ સુખ ઈચ્છશું... સુખ ભોગવશું અને સંસારમાં બધાં દુ:ખી થઈ જાય, તો આપણે એકલાં સુખને કદી ભોગવી શકશું નહી. આ પ્રકારે રહેવાથી આપણાં ઉપર દુ:ખો આવી પડશે. આપણી હાલત બગડી જશે. એ જ યોગ્ય છે કે અન્યોની સેવા કરવી, અન્યોને તેમનો ભાગ આપીએ.

'તુલસી મમતા રામ સે, સમતા સબ સંસાર ।

રાગ ન રોષ ન દોષ, દુ:ખ દાસ ભએે ભવ પાર ।।'

તુલસીદાસ કહે છે કે - સઘળા સંસારથી સમતા કેળવો, પણ સમતા કેવા પ્રકારે કરવી ? સમતા આત્મભાવ સાથે કરવી. બધાં જ ભગવાનનાં રૂપો છે. આવું સમજીને બધાની સાથે વ્યવહાર કરવો. છતાં પણ વ્યવહારમાં વિષમતા આવશે. આપણી સમક્ષ માતા આવે અને અન્ય મહિલા આવે તો આપણે બન્નેમાં ભગવાનનાં જ દર્શન સમજવાં ! બન્નેનાં શરીર એક સમાન સરખા જ છે. પરંતુ એમ સમજીએ છીએ કે માતાને જોતાં આપણામાં કેવા ભાવો ઉત્પન્ન થાય છે અને પર સ્ત્રીને જોતા કેવાં ભાવો આવે છે. આ બન્ને ભાવો સમજવાના છે. બન્નેમાં માત્ર ભગવાન  છે. આમ તો બન્ને સ્ત્રીઓ જ છે. બન્ને એક સરખું જ શરીર છે. સરખા જ અવયવો છે. પરંતુ આપણા ભાવોમાં વિષમતા કેમ છે ? આપણાંમાં જ્ઞાન છે વિવેક છે. આપણે પશું તો નથી,  એટલા માટે આ પ્રકારનાં વ્યવહારનાં તફાવતોને જરૂર સમજીએ છીએ. જેમ સોનાનાં ભાવ એક જ હોય છે. કંઠી અને સોનાનું કડું કોઈ વ્યક્તિ પાસે હોય. બન્નેમાં સોનાનું પ્રમાણ સરખું છે. તો બન્નેની કિંમત સરખી જ આંકવામાં આવશે. કેમકે બન્ને શુધ્ધ સોનાનાં બન્યાં છે. તેમનું તેમના પ્રમાણમાં સમતા છે. પણ જો કોઈ હાથનાં કડાને ગળામાં પહેરવાનો પ્રયાસ કરે તો તે ગળામાં ફસાય જાય છે. પહેરનાર કદાચ મૃત્યુ પણ પામે ! જો કોઈ ગળાની કંઠીને હાથમાં લટકાવીને ફરે તો લોકો તેને મુરખ ગણશે ! સોનાનાં પ્રમાણમાં, ભાવમાં અને કિંમતમાં સમતા રહી છે. પરંતુ તેનો ઉપયોગ ઉપરોક્ત પ્રમાણે કરતા તેમાં સમતા રહેતી નથી. આ પ્રમાણે ઘાતુ એક, કિંમત એક, તત્વ એક પરંતુ વ્યવહાર તેનાં આકાર-પ્રકારને અનુરૂપ કરે તે સમતા છે.

સંસારમાં મમતા રાખશું તો સમતા રહેશે નહી. આ મારું ! આ તારું...! સમતા નથી ! એટલા માટે સસારમાં સમતા અને પ્રભુથી મમતા... ! તુલસી મમતા રામ સો, સમતા સબ સંસાર ! જ્યાં આ પ્રકારે વ્યવહાર થશે. ત્યાં રાગ-દ્વેષ નામનાં ભયંકર દોષો સ્વયં નષ્ટ થઈ જશે.  બધાં અનર્થો તેમજ પાપ થાય છે, તે બધાં રાગ-દ્વેષથી પેદા થાય છે. રાગથી સેવા થાય છે. તથા દ્વેષથી આગળ જતાં દ્રોહ થાય છે. એટલાં માટે રાગ-દ્વેષ બંધનકર્તા છે. એટલું પણ નક્કી છે કે જ્યાં રાગદ્ધેષ હશે, ત્યાં સમતા રહેશે નહી. જ્યાં સમતા હશે, ત્યાં રાગ હશે નહિ. રાગ ન રોષ ન દોષ દુ:ખ દોષ કહે છે. પાપને, અયોગ્ય વ્યવહારને આચરણને દોષિત કર્મને અને દુ:ખ થાય છે. પાપથી જો દ્વેષ નહીં હોય તો દુ:ખ પણ નહીં હોય ! માટે મમતા કરીએ પ્રભુથી અને સમતા કરીએ સઘળા સંસારથી. તેનાં ફળસ્વરૂપ રાગદ્ધેષ રહેશે નહીં. દુ:ખ ન આવતાં ભવસાગરને તરી જવાશે. અર્થાત સંસારમાં સૌમાં પ્રભુ વસ્યા છે. એવાં ભાવો જાગશે. સમતાનો વ્યવહાર થશે. આત્મભાવ જાગશે. સર્વમાં પ્રભુનાં દર્શન થશે. તેથી સમતા સ્વયં આવી જશે... !! 

City News

Sports

RECENT NEWS