સં સાર-જગતમાં આપણે (માણસે) કેવી રીતે, સમજથી વર્તવું, પ્રસન્નતાથી સમભાવ સહનશક્તિથી કેવું જીવન જીવવું, એનું દૃષ્ટાંત, ભગવાન આપણી આગળ મુકે છે. પણ હા, એ માટે આપણે 'ઇશ્વર'ના સંગમાં પ્રેમથી જોડાયેલા રહી, 'દ્રષ્ટ' ખીલવવી પડે. ઇશ્વર સાથે પ્રેમભાવે જોડાયેલા રહીએ તો ઇશ્વર જીવનકળાના દિવ્ય રહસ્ય ખોલી આપણો પ્રેમથી હાથ ઝાલી, વિકાસપંથે દોરી જાય છે. ઇશ્વરે અનંત બ્રહ્માંડોનું સર્જન કર્યું છે. અનંત બ્રહ્માંડમાં અનંત જડ-ચેતન સૃષ્ટિનું સર્જન કર્યું છે. એ જડ-ચેતન સર્વ એનાં સંતાન છે.
વિચારવા જેવી વાત તો એ છે કે, જડ-ચેતન વિરોધાભાસી પ્રકૃતિ-સ્વભાવ વર્તનનાં છે. તોયે ભગવાન બધાં પ્રત્યે સમભાવ રાખે છે. કોઇ સજ્જન છે...કોઇ દુર્જન છે...કોઇ દેવ છે...કોઈ રાક્ષસ છે...કોઇ નઠારાં તો કોઇ સારા છે...કોઇ અમૃત, તો કોઇ ઝેર છે. આમ હોવા છતાં ભગવાન સૌને ચાહે છે. બધાંને જીવવાનો અધિકાર એક સરખો આપે છે.
જે સાત્વિક છે. તેમને તો સારી રીતે જીવવાની શિખામણ આપવાની રહેતી નથી. તેઓએ તો સહજ રીતે પ્રભુપંથ સ્વીકાર્યો હોય છે. ધર્મનું હૃદયપૂર્વક આચરણ કરવામાં તે માને છે ને, કરે છે. જ્યારે તામસિક વૃત્તિથી ભરેલા આસુરિ શક્તિવાળા, ઇશ્વરનો પણ ડર રાખ્યા વિના, ગમે તેમ અવળું...'આડોડાઈ ભર્યુ' જીવે છે. દુઃખી થાય છે ને અન્યને દુઃખી કરે છે. લોકોને છેતરવામાં, દંભ કરવામાં, દગો કરવામાં અનિષ્ટોનો આશરો લેવામાં, ભૌતિક સુખો માટે વલખાં મારવામાં, સતત જોડાયેલા રહે છે. દુનિયાને બતાવવા ખાતર ભગવાન...ભગવાન કરે છે બાકી ભગવાન પ્રત્યે સાવ વિરુદ્ધ, ઊલટું, વિરોધી, અપમાન કરનારું, ખોટાબોલું આડે રસ્તે લઇ જનારું 'આડોડાઈ' ભર્યુ વર્તન કરે છે. છતાંયે, ભગવાન તેમને તિરસ્કારતો નથી, વેર રાખતો નથી. એતો કરુણા રાખી હવા, પાણી, ખોરાક, પ્રકાશ વગેરે ઉદારતાપૂર્વક આપ્યા કરે છે. સમભાવ રાખે છે. હવે, વિચારવાનો અને તેના ઉપરથી સમજ લેવાનો મુદ્દો છે કે, જે આડોડાઈ ભર્યો વ્યવહાર કરનાર છે તેવા વ્યક્તિ આપણી આસપાસ ઘરમાં, શેરીમાં, સમાજમાં શહેરમાં, ઋણાનુબંધે આપણને મળે તો તેમના તરફ આપણે સમજથી પ્રેમ ભર્યો વ્યવહાર રાખવો. સમજુ અને સાત્વિક વ્યક્તિએ સહનશક્તિ કેળવી કરૂણાભાવ રાખી, આડોડાઈ કરનારી વ્યક્તિઓ તરફ ઘૃણા, તિરસ્કાર, વેર, કુભાવ, ક્રોધ રાખ્યા વિના સમજદારીભર્યો પ્રેમસભર રસ્તો પસંદ કરવો પડે. શક્ય તેટલો તેમનો સંગ છોડવો પડે. એમના વર્તન, વાણીથી દુઃખી ન થવું. મૌન રાખી પ્રત્યાઘાત ન આપવો.
સંતો, મહાત્માઓએ, વિભુતિઓએ પણ આવો જ સમજદારીપૂર્વકનો જીવન વ્યવહાર સિદ્ધ કરી બતાવ્યો છે. શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે દુર્યોધને, દુઃશાશને, હંસે, શિશુપાલે કેટકેટલું ખરાબ વર્તન કરેલું છતાંયે ભગવાન કૃષ્ણે તેમના પ્રત્યેનો વ્યવહાર ઉદારતા-સહાનુભૂતિથી કરૂણાસભર રાખેલો છે. શ્રી રામ ભગવાને તથા શ્રી મહાવીર પ્રભુએ સહન કરીને કરુણાસભર ઉદાર જીવન જીવી આપણને પ્રેરણા આપી છે.
આપણો ભાવ સારો રાખવાનો છે. એનો અર્થ એ નથી કે આવાં તામસી-અવળાં વ્યક્તિઓને તાબે થઇ જવું. તાબે થવાની વાત નથી. આપણા હૃદયનો ભાવ બગાડયા વિના આપણું સ્વમાન સચવાય તે રીતે શાંતિથી વિવેક દૃષ્ટિ વાપરવી. નમ્રતા દાખવવી. જીવનમાં સહનશક્તિ વધે તો તેનું નામ ''ખાનદાની''.
આંખમાં સદા અમી હશે તો, જીવનમાં પરોપકારનું કાર્ય અને સેવાદીપી ઊઠશે.
સાધનાની સુંદરતા સર્વજીવો પ્રત્યેથી રાગ-દ્વેષ વિરહિતપણામાં છે.
- ક્ષમા વીરસ્ય ભૂષણમ્.
- લાભુભાઈ ર. પંડયા


