- ન પાપાસો મનામેહ નારાયાસો ન જલ્હવ: ।
યદિન્વિન્દ્રં વૃષં સચા સુતે સખાયં કણવામહિ ।।
ઋગ્વેદ ૮/૬૧/૧૧માં કહેવામાં આવ્યું છે કે જો અંત:કરણ અપવિત્ર અને મલિન હશે તો પરમાત્માની ઉપાસના પણ ફળદાયી નહિ નીવડે, તેથી પરમાત્માની ઉપાસના નિષ્પાપ હૃદયથી જ કરવી જોઈએ.
ઇશ્વરની બાબતમાં સંસારના લોકોમાં જુદીજુદી માન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો તો ઇશ્વરને માનતા જ નથી. તેઓ કહે છે કે જો ઇશ્વર હોય તો પછી તે દેખાતો કેમ નથી? વીજળીના તારમાંથી વીજળી બલ્બ સુધી પહોંચીને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે વીજળી શું આપણને દેખાય છે? એમ છતાં શું તારમાંથી વહેતી વીજળીની ઉપસ્થિતિને આપણે નકારી શકીએ ખરા? ઇશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે, નિયામક છે અને પાલનહાર છે. ઇશ્વરની ઉપાસનામાં જ આપણી ભલાઈ રહેલી છે.
મોટા ભાગના મનુષ્યો પરમેશ્વરની ઉપાસના કરે છે, તો પણ દુ:ખ અને કષ્ટો સહન કરે છે. એનું મુખ્ય કારણ માત્ર એટલું છે કે આપણું અંત: કરણ દોષદુર્ગુણોથી ભરેલું હોય છે અને પાપકર્મોમાં અટવાયેલું હોય છે આથી આવી સ્થિતિમાં કરવામાં આવતી ઉપાસના એ કોઈ સાચી ઉપાસના નથી, માત્ર ઢોંગ કરવાથી એનો લાભ કેવી રીતે મળે? પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટેના એક માત્ર શરત છે પવિત્રતા, પરમપિતા પરમેશ્વર તો આપણાં સર્વશ્રેષ્ઠ મિત્ર અને બંધુ છે, પરંતુ ઇશ્વર તેમની અમૃતવર્ષા આપણી ઉપર કરતા નથી તેનું કારણ શું? એનું માત્ર કારણ એ જ છે કે આપણે પોતાને નિષ્પાપ અને ઉદાર બનાવી ખુલ્લા દિલથી ઇશ્વરને મળવાનો પ્રયત્ન કર્યો નથી.
આજનો મનુષ્ય અહંકારી બનીને ઇન્દ્રિયોની માયાજાળમાં ફસાઈ ગયો છે. માત્ર આભાસી ચિત્રો કે પડછાયા તરફ દોટ મુકી છે. એક ભયંકર ચુંગાલમાં આપણે જકડાઈ ગયા છીએ. વિકરાળ રૂપ ધારણ કરીને સર્વત્ર ફેલાઈ રહ્યો છે. તેના પાશમાંથી લોકો છૂટવા માગતા નથી. લોકો ભોગવિલાસમાં ડૂબેલા રહેવા છતાં પણ હંમેશા અતૃપ્ત જ રહે છે. ભોગ સ્વયં પોકારી પોકારી ને આપણને કહે છે કે ભાઈ, અમારામાં તમને તૃપ્ત કરવાની કોઈ શક્તિ નથી. તેમ છતાં આ માનવ કેટલો મૂર્ખ છે કે એ બમણા વેગથી એવા જ માયાવી ભોગોનું શરણ શોધીને તૃપ્ત થવાનો અસફળ પ્રયત્ન કર્યા કરે છે. આનાથી મોટું દુર્ભાગ્ય બીજું કયું હોઈ શકે ? આખરે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે ''ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા'' અર્થાત્, આપણે સાંસારિક વિષયોનો ઉપભોગ કરી શકતા નથી. પરંતુ ભોગોને પ્રાપ્ત કરવાની ચિંતામાં આપણે જ આપણો ભોગ ધરાવી દઈએ છીએ. વેદો દ્વારા ભૌતિકતા ત્યજી દેવાનું કહેવામાં આવ્યું નથી, પરંતુ આ પ્રકૃતિને માત્ર સાધન તરીકે સ્વીકારીને તેના સદુપયોગની વાત કહી છે. આ શરીર વગરના અથવા તો ભૌતિક પદાર્થો વગર આપણો નિર્વાહ થવો અશક્ય છે. પરંતુ માત્ર એને જ સર્વત્ર માનીને ચાલવું એ આપણી જાતને છેતરવા બરાબર છે.
પરોપકારનાં કાર્યો અને નૈતિક આચરણ ઉચ્ચતરના આધ્યાત્મિક જીવન માટેના પગથિયા માત્ર છે. ચિત્તની શુદ્ધિ માટે આપણે એનાથી આગળ વધવું પડે છે. ચિત્તને શુદ્ધ કર્યા વિના ઉચ્ચતમ જ્ઞાાનની પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. મનના ખુણામાં જે મેલ ભરાઈ ગયો છે તેને દૂર કરવા માટે દ્રઢ નૈતિક આચરણ, નિ:સ્વાર્થભાવથી બીજાઓના હિત માટે કરવામાં આવતા કાર્યો, સ્વાધ્યાય અને આધ્યાત્મિક સાધના અત્યંત જરૂરી છે. હૃદયમાં દિવ્ય જ્ઞાાનના પ્રકાશની ધારા આ માર્ગેથી વહેતી થાય છે. આ દિવ્યતાના પ્રચંડ તેજથી આપણા દોષ દુર્ગુણો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એ તેજ સહન ન થતા તેઓ પોતે જ દૂર ભાગી જાય છે. તેમની ખાલી પડેલી જગ્યા ધીરે ધીરે સદ્ગુણોથી ભરાઈ જાય છે. આ માત્ર દ્રઢ આત્મબળ દ્વારા જ શક્ય છે.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ


