- પ્રામાણિકતાનો સંબંધ પૈસા, સંબંધ, પ્રેમ કે વ્યવસાય સાથે જ નથી. જાત સાથે પણ છે. જાતને છેતરનાર ઈશ્વરને છેતરે છે અને ઈશ્વરને છેતરનાર ગમે તેટલો ડોળ કરે તે સારો માણસ બની શકતો નથી
ભગવાન શ્રી રામ અને રાવણની સેના વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યું હતું. ખુદ રાવણ યુધ્ધભૂમિ પર લડી રહ્યો હતો. ત્યાં તેણે પોતાના ભાઈ વિભીષણને સામે જોયો. વિશ્વાસઘાતી વિભીષણને જોતાં જ તેને ક્રોધ ચઢયો. એક શક્તિશાળી બાણ તેની તરફ છોડયું. લક્ષ્મણે જોયું કે રાવણના અચાનક આક્રમણથી વિભીષણ ગભરાઈ ગયા છે એટલે તરત તે દોડીને તેમની આગળ આવીને ઊભા રહી ગયા. જે બાણ વિભીષણ માટે છોડયું હતું તે બાણ લક્ષ્મણજીને વાગી ગયું. એ શક્તિશાળી બાણ વાગવાથી લક્ષ્મણ ધરતી પર ઢળી પડયા. લોહીની ધારા વહેવા લાગી. લક્ષ્મણજીને ઘાયલ થયેલા જોઈ હનુમાન ચિંતાતુર થઈ ગયા. તે તરત લંકા રહેતા સુષેણવૈદ્યને ત્યાં પહોંચ્યા. તેને ઊંઘમાંથી ઊઠાડયો. કશી વાત કર્યા વગર તેને ખભા પર ઊંચકી રણભૂમિ પર લઈ આવ્યા. શ્રીરામ લક્ષ્મણજી પાસે ઉદાસ ચહેરે બેઠા હતા. સુષેણવૈદ્ય ઘાયલ લક્ષ્મણજીને જોઈને જ સમજી ગયો કે તેમની સારવાર માટે અહીં બોલાવવામાં આવ્યો છે. સુષેણે લક્ષ્મણજીની નાડી તપાસીને કહ્યું. ''(નૈવં પંચત્વ માપન્નો....) હે શ્રીરામ..., તમારા ભાઈ લક્ષ્મણ હજુ મર્યા નથી. જુઓ હજુય તે પ્રસન્ન અને કાન્તિમાન દેખાય છે.'' પછી શ્રીરામ સામે હાથ જોડી કહ્યું, ''પ્રભુ, પહેલાં મારા મનની દુવિધા દૂર કરો. આપ મારા રાજા રાવણની સામે યુધ્ધ કરી રહ્યાં છો. આ સ્થિતિમાં જો હું લક્ષ્મણજીની સારવાર કરૃં તો મને સ્વામીદ્રોહનું પાપ ના લાગે ?'' ત્યારે શ્રીરામે કહ્યું - ''હા, લંકાના નાગરિક હોવાના સંબંધે તમને દેશદ્રોહનું પાપ લાગે!!'' વૈદ્ય સુષેણ વિચારમાં પડયો. શ્રીરામે તેને વિચાર કરતાં જોઈ હનુમાનજીને કહ્યું - ''હનુમાન, જો વૈદ્યરાજનો જીવ દેશદ્રોહના પાપથી ડંખતો હોય તો તેમને લંકા તેમના ઘરે પાછા મૂકી આવો.'' હનુમાનજી તૈયાર થઈ ગયા.
પણ સુષેણવૈદ્ય તો ઊંડા વિચારમાં ડૂબેલા હતા. ''શું હું દેશદ્રોહના પાપની બીકથી એક ઘાયલ યોધ્ધાને રણભૂમિ પર લોહી નીતરતી દશામાં મરવા માટે છોડી શકું ? મારો જીવ મને માફ કરશે? (નહિ પ્રાણાત્ પ્રિયતરં લોકે) આ જગતમાં પ્રાણથી વધુ પ્રિય બીજું કશું નથી. હોતું. માણસે પોતાની જાત પર જેવી દયા કરે તેવી જ દયા બીજા પર કરવી જોઈએ. સુષેણે કહ્યું.'' ''પ્રભુ, આપે તો વિનયપૂર્વક નિ:સ્વાર્થ ભાવે પાપથી બચવાનો માર્ગ બનાવ્યો, પણ હું વૈદ્ય છું. પ્રત્યેક રોગીની સારવાર કરવી મારો ધર્મ છે. અહીં લક્ષ્મણજીની મૂર્છા દૂર કરવી મારૃં કર્તવ્ય છે. મારે આત્માના દ્રોહી નથી બનવું. પ્રભુ, જો અત્યારે હું વૈદ્યધર્મ પાળ્યા વગર પાછો જઈશ તો મારી ઊંઘ ઊડી જશે! ખુદની નજરમાં ઊતરી જઈશે. જીવ ડંખ્યા કરશે. અરીસા સામે મોં પણ નહિ જોઈ શકું!! એક તો આજે આપના દર્શન થયાં છે અને આપના લઘુબંધુની સારવાર કરવાની તક મળી છે. મારા જીવનની આ અભૂતપૂર્વ ક્ષણ છે. આપની સેવા કરવાનો અવસર હું કેવી રીતે જતો કરી શકું?'' અને સુષેણવૈદ્યે હનુમાનજી પાસે મહોદય પર્વત પરથી વિશલ્યકરણી, વાવર્ણ્યકરણી અને સંજીવનીકરણ જેવી મહાઔષધિ મંગાવી લક્ષ્મણજીની મૂર્છા દૂર કરી.
આખી દુનિયાને જાણી લેનાર માણસ ક્યારેક પોતાની જાત વિષે તદ્દન અજાણ રહે છે. કદી જાત વિષે જાણવાની કોશિશ નથી કરતો. તેને સમજાતું નથી કે તે જીવે છે કે શરીર ટકાવી રાખવા શ્વાસ લે છે ? જીવે છે તો શા માટે જીવે છે ? કઈ આશાએ, કયા કારણે કોના માટે જીવે છે ો તેને વિચાર જ નથી આવતો કે અસંખ્ય જીવોમાંથી મનુષ્યયોનિમાં જન્મ કેમ મળ્યો ? આત્મખોજ કરવાની તમન્ના જ થતી નથી. બીજાની ખોખલી દુન્વયી સફળતા જોઈને પોતાના માટે ઊંચી ધારણા બાંધી લે છે. તે વિચારે છે, અરે એમાંશું ? આવું તો હુંય કરી શકું ! આપું તો હુંય મેળવી શકું !! તે પોતાની ઊણપો અને મર્યાદ જાણ્યા વગર એક આંધળી દોડમાં શામિલ થઈ જાય છે. આવી આંધળી દોડથી છેવટે શું મળે છે ? થાક, ડર, અશાંતિ, ધૂંધવાટ અસલામતિ!! આત્મખોજનો રસ્તો ભલે અજાણ્યો હોય પણ તે છેવટે પૂર્ણત્વ પામવાની દિશા તરફ લઈ જાય છે. આત્મખોજના રસ્તે પગલું ભરનાર જાત પ્રત્યે પ્રામાણિક બને છે. વિવેકી બને છે. સંયમી બને છે. નિષ્ઠાવાન બને છે. શ્રધ્ધાળુ અને સંતોષી બને છે. તે એવું કોઈ કામ નથી કરતો જેના લીધે તે ખુદની નજરથી ઊતરી જાય.
દાદાજી કોંડદેવ એક નીતિજ્ઞા બ્રાહ્મણ હતા. તે રાજા શાહજીની પુનાની જાગીરનો કારભાર સંભાળતા. શિવાજી મહારાજના ચરિત્ર્યગઠનમાં તેમનો ફાળો હતો. એકવાર રાજાના બગીચામાં એક સરસ ફળ તેમણે જોયું. દાદાજી છેવટે માણસ હતા. મન લલચાયું. ફળ તોડયું પણ ફળ હાથમાં આવતાં જ ભાન થયું કે અરે આતો મેં ચોરી કરી. પસ્તાવો થયો. તે હાથ કાપવા તૈયાર થયા. શિવાજીની માતા જીજાબાઈને આ વાતની જાણ થઈ. તેમણે તેમની જાત વફાદારી અને પ્રામાણિકતાની કદર કરી. શાબાશી આપી. પછી સમજાવ્યા. હાથને બદલે જે ખમીસ પહેરતા હતા તેની અડધી બાંય કાપવાની સલાહ આપી પણ જાત પ્રત્યે વફાદાર દાદાજી કોંડદેવની એ બાંય જીવ્યા ત્યાં સુધી અડધી જ રહી. જાત પ્રત્યેની અપ્રમાણિકતા સંઘર્ષ તો પેદા કરે છે પણ ભૂલ સ્વીકારીને આવા જીવો નિરાંતે જીવે છે.
હિમાલય સર કરનાર એડમંડ હિલેરીએ કહ્યું હતું. "It is not the mountain we conquer, but ourself." ''આપણે પર્વતને નહિ પોતાની જાતને સર કરીએ છીએ, દરેક કર્મમાં જાત પ્રત્યે વફાદાર રહી જીવવાથી જાત પ્રત્યેનું ગૌરવ ટકી રહી છે.''
આજથી સિત્તેર વર્ષ પહેલાં પીરોજશાએ આફ્ટર સેલ સર્વિસ ચાલુ કરી હતી જેથી ગોદરેજની પ્રતિષ્ઠામાં વધારો થયો હતો. એકવાર એક ગ્રાહક ગોદરેજ સેફમાં અંદર કંઈક ગળતું હોવાની ફરિયાદ લઈને આવ્યો. કંપનીએ તપાસ કરી ગોદરેજને બહારના ઉત્પાદક જે માલ પૂરો પાડતા હતા તેમાં ખામી દેખાઈ. આ પરિસ્થિતિમાં ગોદરેજની કોઈ ભૂલ કે જવાબદારી ન હોવા છતાં પીરોજશાએ માત્ર એક સેફ જ નહીં બજારમાં મૂકેલા બધાં સેફ પાછાં મંગાવી દીધાં અને ફરી તપાસ કરી નવાં સેફ ગ્રાહકોને આપ્યાં. પ્રામાણિકતાનો સંબંધ પૈસા, સંબંધ, પ્રેમ કે વ્યવસાય સાથે જ નથી. જાત સાથે પણ છે. જાતને છેતરનાર ઈશ્વરને છેતરે છે અને ઈશ્વરને છેતરનાર ગમે તેટલો ડોળ કરે - સારો માણસ બની શકતો નથી - દુનિયાની વાત જવા દઈએ. આપણે આપણી નજરમાં ઊંચા રહીએ. બીજાની નજરમાં આપણે કેવા છીએ તેની પરવા ન કરીએ. બસ, ખુદની નજરમાં - ઈશ્વરની નજરમાં લાડકા બની રહીએ.
- સુરેન્દ્ર શાહ


