Get The App

''આત્મનિરીક્ષણ'' દ્વારા, ભૂલો સુધારી,''પ્રભુ'' તરફ ગતિ વધારીએ

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
''આત્મનિરીક્ષણ'' દ્વારા, ભૂલો સુધારી,''પ્રભુ'' તરફ ગતિ વધારીએ 1 - image

ઈશ્વરને માર્ગે જનારને માટે, બહારના જગતમાંથી આંતર જગતમાં, એટલે કે ભૌતિકતામાંથી આધ્યાત્મિક તરફ જવાની ગતિ એ સૌથી પહેલી બાબત છે.

આ માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. આસપાસની પરિસ્થિતિ, વાતાવરણ, સુખ-દુ:ખ, ઈચ્છાઓ, મહાત્વાકાંક્ષાઓથી ભરેલા જીવનને સુધારવા આધ્યાત્મિક દુનિયામાં લઈ જવાનું હોય છે તેથી જ અંતર્મુખતા - ''આત્મનિરીક્ષણ'' કરવાની આદત-ટેવ પાડવી પડે છે.

તનની ચિંતા શીદ કરે? મનની કર તજવીજ...

મન સુધારે તો, તન પણ સુધરશે.

લગભગ આપણું મન બાહ્યજગતમાં જ ભટકતું હોય છે. આંતરજગત સાથે મન જોડાય તેવી ટેવ પાડવી પડે. બહારના જગતની પણ અવગણના કરવાની નથી.... પણ અંતરમાં ઊતરવાની કે આત્મનિરીક્ષણ કરવાની જરૂર નથી એમ માનવું પણ ખોટું છે.

અમીમય આંખો કરવા, દરિયા જેવું દીલ કરવા, દેહ-દુનિયાને ભૂલી જવા ''અંતર્ધ્યાન'' કરવું જ પડે. જેટલી આપણી ઊંચી ભૂમિકા આવશે એટલું આપણું માયાનું... વાસનાઓનું... ષડ્રિપુઓનું ''ઝેર'' ધોવાશે. વર્તમાન ઉપર સાવધ થઈ, આપણા ભાવ સુધારવાના છે. આત્મનિરીક્ષણ દ્વારા આપણાં વૃત્તિ, અપરાધો, દોષો, તપાસવા જોઈએ. આ નિરીક્ષણ નિયમિત થવું જોઈએ. તે માટે શરૂ શરૂમાંતો ચોક્કસ સમય નક્કી કરવો પડે છે. જે સમયમાં વ્યક્તિએ શાંતચિત્તે બેસી ''અંત:કરણને'' ઓળખવું પડે. આ માટે વ્યક્તિએ જાતે જ પ્રયત્ન કરવો પડે.

''કર્તાહર્તા ઈશ્વર છે.'' એવી શ્રદ્ધા રાખી આંતરજગતનું નિરીક્ષણ-આત્મનિરીક્ષણ-પરમાત્મા કરાવે છે. તે મારે કરવું જોઈએ એવા દૃઢ નિ:શ્ચય સાથે પુરુષાર્થ કરવો જ પડે છે.

વર્તમાન સમયમાં કામકાજની ધમાલ, ટેન્શન અનેક જવાબદારીઓ અને ચિંતાઓ વચ્ચે આપણે જીવીએ છીએ. આવે સમયે અંતર્મુખતા... આત્મનિરીક્ષણની નિયમિત ટેવ પાડી નહિ હોય તો જીવનમાં સફળતા પણ મળતી નથી.. શાંતિ પણ મળતી નથી...

મહાત્માઓએ, ભક્તોએ, સંતોએ, એકાંત સ્થળ પ્રાપ્ત કરી, શાંતચિત્ત આત્મનિરીક્ષણ કરી પ્રભુસમર્પિત ઉત્તમ જીવન જીવી બતાવ્યું છે.

આત્મનિરીક્ષણ દરમિયાન આપણે શું કરવું ?

(૧) શાંત સ્થળ નક્કી કરી. શાંતિથી બેસી ચિત્ત મનને શાંત પાડવું.

(૨) ચિત્ત મનમાં ઊભા થવા જાતજાતના વિચારો આવે...તો પ્રતિભાવ આપ્યા વિના... તે જવા દેવા... ગભરાઈ ન જવું.

(૩) પ્રભુએ પ્રાર્થના કરવી કે હે પ્રભુ... મારું ચિત્ત શુદ્ધ કરો... હૃદયને શુદ્ધ કરવા માટે મને શક્તિ આપો. પ્રાર્થના અક્સીર ઈલાજ બનશે.

આવું નિરીક્ષણ કર્યા બાદ ભૂલોને-દોષોને વારંવાર રટવા નથી. તેનાથી લઘુતાગ્રંથિ અનુભવવાની નથી. પોતે દોષિત છે તેવો અપરાધ ભાવ સેવી નિરાશ થવાની જરૂર નથી.

દિવસ દરમિયાન નીચે જેવી બાબતોને પણ વણી લેવી.

(૧) પ્રભુ પ્રાર્થના

(૨) સત્કાર્ય પ્રવૃત્તિ

(૩) હરતાં - ફરતાં ... કામ કરતાં પ્રભુ સ્મરણ

(૪) સ્તોત્ર-ભજન-પ્રાર્થના

(૫) સૌની સાથે હળીમળીને રહેવું નિંદા ન કરવી.

પ્રેમથી સાંસારિક ફરજો બજાવવી. પ્રસન્નતા રાખવી. ક્રોધ ન કરવો. ઝઘડા-કંકાસથી દૂર રહેવું.

સંસાર બેડી કઠિન હૈ...આસક્તિ દૃઢતમ જાલ હૈ

સંસાર જલતી આગહૈ...ઈસ આગસે ઝટ ભાગ કર...

શાંત-શીતલ ભગવદ્ભાવમેં, હોજા અજર-અમર...

- લાભુભાઈ ર. પંડયા