For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં માટે હજારો ભાવિક ભક્તો ઊમટી પડયા

Updated: Apr 13th, 2022

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં માટે હજારો ભાવિક ભક્તો ઊમટી પડયા

- કોરોનાના બે વર્ષ દરમિયાન બંધ રહેલી

- ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે

- ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી આખો મહિનો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા

આ દ્ય શંકરાચાર્યજીએ નર્મદાષ્ટકમાં નર્મદા મૈયાની સ્તુતિ કરતાં કહ્યું છે કે, ''અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્'' ફક્ત દર્શમાત્રથી ભાવિક ભક્તોના પાપોનો નાશ કરનારી પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો બે વર્ષના લાંબા વિરામ બાદ ચૈત્ર સુદ એકમ (ગુડી પાડવા)થી  પ્રારંભ થયો છે. રાજપીપળા નજીક આવેલ રામપુરા ગામના કીડી-મકોડી ઘાટથી શરૂ થતી આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાં માટે રોજેરોજ હજારો ભક્તો પગપાળા પ્રવાસ કરી રહ્યા છે. રામપુરાથી તિલકવાડા અને તિલકવાડાથી રામપુરાની  આ નર્મદા પરિક્રમા આશરે ૨૨ કિલોમીટરની થાય છે. આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુઓની માન્યતા છે. ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલનારી આ નર્મદા પરિક્રમામાં એક મહિનામાં લાખો ભાવિક ભક્તો પદયાત્રા કરી ધન્યતા અનુભવે છે. નર્મદે હર ના જયઘોષ સાથે નર્મદા નદીના પટમાં પરિક્રમાવાસીઓની સેવા માટે પણ સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકો ખડે પગે ઉભા હોય છે. બે વર્ષ સુધી કોરોનાની મહામારીને કારણે સરકારી તંત્ર દ્વારા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ઉપર પ્રતિબંધ મુક્યો હતો પરંતુ આ વર્ષે રાબેતા મુજબ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઇ હોવાથી નર્મદા મૈયાના ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાય છે.

સંપૂર્ણ નર્મદા પરિક્રમા આશરે ત્રણથી સાડાત્રણ હજાર કિલોમીટરની થાય છે. આ સંપૂર્ણ પરિક્રમાં દરેક વ્યક્તિ માટે શક્ય નથી હોતી તેથી નર્મદા મૈયાના ભક્તો ઉત્તરવાહિની નર્મદા  પરિક્રમા કરી સંતોષ મેળવતા હોય છે.

કોઇ પણ નદીનો પ્રવાહ જયારે ઉત્તર તરફ વહે છે ત્યારે એ પ્રવાહને ઉત્તરવાહિની કહેવાય છે. અને એ સ્થળે નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. રામપુરાથી તિલકવાડા સુધી નર્મદાનદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે. તેથી આ કિનારાને નર્મદા ઉત્તરવાહિની કહેવાય છે. રામપુરા ખાતે આવેલ દશાવતાર રણછોડજીના દર્શન કરી ભાવિક ભક્તો નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો આરંભ કરે છે. અત્યંત અલૌકિક દશાવતાર રણછોડજીની મૂર્તિમાં વિષ્ણુના દસ અવતારની મૂર્તિઓ છે. ''મત્સ્ય, કુર્મો, વરાહશ્ચ, નરસિંહશ્ચ, વામન,રામો, રામશ્ચ, કૃષ્ણશ્ચ, બુધ્ધૌ કલ્કી તર્થેવચ'' આ તમામ અવતારના દર્શન ભગવાન રણછોડજીની મૂર્તિમાં થાય છે.

રામપુરાથી શરૂ થયેલી આ પરિક્રમામાં ભાવિક પદયાત્રીઓ ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ (જયાં મંગળે તપ કર્યું હતું તે સ્થાન) થઇ અવધૂત આશ્રમ, તપોવન આશ્રમ, રામાનંદ આશ્રમ થઇ ગોપાલેશ્વર મહાદેવના દર્શન કરી સીતારામ આશ્રમ પહોંચે છે. નર્મદા નદીના આ કિનારાને દક્ષિણ તટ કહેવાય છે. સીતારામ આશ્રમથી પદયાત્રીઓ નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલતા જઇ તિલકવાડાના સામેના કિનારે પહોંચે છે. ઉત્તરવાહિનીની અડધી પરિક્રમા અહી પુરી થઇ જાય છે, ત્યારબાદ નર્મદા મૈયાના જયજયકાર સાથે પદયાત્રીઓ હોડીમાં બેસી નર્મદા મૈયાનો પ્રવાહ પાર કરી સામા કિનારે તિલકવાડા  પહોંચે છે. હવે તિલકવાડાથી યાત્રીઓ નર્મદા મૈયાના ઉત્તર તટથી ચાલતા ચાલતાં મણીનાગેશ્વર મહાદેવ થઇ કપિલેશ્વર મહાદેવ પહોંચે છે. આ કપિલેશ્વર મહાદેવના સ્થાને કપિલ ઋષિએ તપ કર્યું હતું તેથી આ તપોભૂમિ કહેવાય છે. કપિલેશ્વરના દર્શન કરી ત્યાંનો ઘાટ ઉતરી પદયાત્રીઓ નર્મદા નદીના કિનારે કિનારે ચાલી વાસણ, રેંગણ ગામ પહોંચી જાય છે. રેંગણ ગામથી હોડીમાં બેસી કીડી-મકોડી ઘાટ પહોંચો એટલે નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા પૂર્ણ થાય છે.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવાના શુભ આશયથી ભાવિક શ્રધ્ધાળુઓ વહેલી સવારે ત્રણ વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે. જોકે રસ્તામાં પદયાત્રીઓને ચા-નાસ્તો, લીંબુ શરબત- પાણીની સેવા આપનારા ગ્રામજનો અને સેવાકિય સંસ્થાના સ્વયંસેવકો પણ વહેલી સવારથી જ સેવા આપવા ઉભા હોય છે. પરિક્રમાવાસીઓને આગ્રહ કરીને ચા-કોફી નાસ્તો આપતા રહે છે.

કીડી-મકોડી ઘાટ પર પહોંચ્યા પછી શ્રધ્ધાળુઓ નર્મદાસ્નાન કરી ધન્યતા અનુભવે છે, ત્યારબાદ છેલ્લે ફરીથી દશાવતાર રણછોડજીના દર્શન કરી પદયાત્રીઓ સ્વસ્થાને પ્રયાણ કરતાં હોય છે.

આમ આશરે ૨૨ કિલોમીટરની પરિક્રમા કરી ભક્તો સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું ફળ મળ્યાનો સંતોષ માને છે.

ઉત્તર દિશા મોક્ષકારક છે તેથી એ સ્થળે નર્મદાના પ્રવાહનું મહત્વ વધી જાય છે

ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધૂ અને કાવેરી આ પવિત્ર નદીઓને આપણે તીર્થ ગણી સ્નાન કરીએ છીએ જ્યારે અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, ઉજ્જૈન, પુરી અને દ્વારકા આ પુણ્ય ક્ષેત્ર છે. એવી જ રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ અલગ-અલગ દિશા તરફ મુખ રાખીને કરેલી ઉપાસનાનું ફળ પણ અલગ-અલગ હોય છે. ઉત્તર દિશાને મોક્ષકારક માનવામાં આવે છે. અને એટલે જ નદી જયાં જયાં ઉત્તર દિશા તરફ વહે છે. ત્યાં ત્યાં તે પ્રવાહને કાશીના ગંગાનું સ્વરૂપ માનવામાં આવે છે, ગંગોત્રીથી નીકળતી ગંગાનું સૌથી વધુ મહત્વ હરીદ્વાર અને કાશીમાં જ છેે તેની પાછળનું કારણ પણ એજ છે કે આ સ્થળે નદીનો પ્રવાહ ઉત્તર તરફ વહે છે. પતિત પાવની નર્મદા મૈયા પણ રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તર દિશા તરફ વહે છે. એટલે જ આ સ્થળે તેનું મહત્વ વધી જાય છે. આમ તો નર્મદા મૈયા પોતે જ પુણ્યકારક અને મોક્ષકારક છે તેથી ભગવાનથી માંડી ઋષિ મુનીઓ, સંત- મહાત્માઓ સાધના માટે નર્મદા કિનારો જ પસંદ કરે છે. નર્મદા નદીના બન્ને કિનારે મહાત્માઓના આશ્રમો છે અને નર્મદા કિનારાને તપોભૂમિ કહેવાય છે. નર્મદામાં જેટલા કંકર એટલા શંકર છે.

પરિક્રમા દરમ્યાન સરકારી તંત્રની ઉદાસીનતા

નર્મદા જીલ્લાના કલેક્ટરથી માંડી તમામ સરકારી અધિકારીઓને ખબરજ હોય છે કે ચૈત્ર મહિનો શરૂ થતાંની સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી હજારો ભાવિક ભક્તો નર્મદા ઉત્તવાહિની પરિક્રમા માટે આવતાં હોય છે. તેમ છતાં પ્રશાસન તરફથી વધારાની હોડીઓની વ્યવસ્થા કરવામાં આવતી નથી તેથી પદયાત્રીઓને કલાકો સુધી નર્મદા કિનારે હોડી માટે ટટળાવું પડે છે. નર્મદા નદીના દક્ષિણ તટ પર આવેલ ગુવારના કિનારે ત્રણ જ હોડી હોય છે અને એવીજ રીતે રેંગણ ગામના કિનારે પણ ત્રણ જ હોડીઓ હોય છે. જો સરકારી તંત્ર હોડીઓની સંખ્યા વધારે તો નર્મદા પરિક્રમા કરનારા શ્રધ્ધાળુઓને વધુ સરળતા રહે. કેટલીક સંસ્થાના સ્વયંસેવકોએ, તેમજ ગ્રામજનોએ આ બાબતે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.

Gujarat