Get The App

શ્રી ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હરિદાસ યવન ભગવન્નામ સંકીર્તનના પરમ અનુરાગી હતા !

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

Updated: Aug 14th, 2019

GS TEAM

Google News
Google News
શ્રી ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હરિદાસ યવન ભગવન્નામ સંકીર્તનના પરમ અનુરાગી હતા ! 1 - image


ભક્ત હરિદાસ યશોહર જિલ્લાના બૂડન ગામમાં એક ગરીબ મુસલમાનના ઘેર જન્મ્યા હતા, પૂર્વના સંસ્કારને કારણે હરિદાસને બાળપણથી જ હરિનામ પ્રત્યે પ્રીતિ હતી. તે ઘરબાર છોડી વનગ્રામની પાસે બેનાપોલના નિર્જન જંગલમાં ઝુંપડી બનાવીને રહેતા હતા. હરિદાસજી ક્ષમાશીલ, ઉદાર, શાંત અને નિર્ભીત ભગવદ્ ભક્ત હતા. કહેવાય છે કે તે દરરોજ ત્રણ લાખ વાર હરિના નામનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરતા હતા. પોતાના નિર્વાહ માટે તે ગામમાંથી ભિક્ષા માંગી લાવતા. પોતાની જરૂરિયાત કરતાં વધારે ભોજન મળે તો તે ગરીબોને વહેંચી દેતા. અન્ન કે દ્રવ્ય મળ્યું હોય તો પણ તે બીજા દિવસ માટે સંગ્રહ કરી રાખતા નહોતા.

એકવાર હરિદાસ શાંતિપુર નામના નગરમાં ગયા.  ત્યાં અદ્વૈતાચાર્યજી નામના એક પ્રસિદ્ધ વિદ્વાન વૈષ્ણવ રહેતા હતા. તેમણે હરિદાસને પ્રેમથી પોતાના ઘરમાં રાખ્યા બન્ને ભગવત્સ્મરણ, સંકીર્તન અને સત્સંગ કરતા હતા. અદ્વૈતાચાર્ય ભાગવત વગેરે ગ્રંથો વાંચીને હરિદાસને સંભળાવતા અને એમનું આધ્યાત્મિક તાત્પર્ય સમજાવતા. એ પછી એમણે એમના નગરની પાસે હરિદાસ માટે એક ગુફા બનાવી આપી હતી.

તેમાં બેસીને હરિદાસ હરિનું નામ સ્મરણ અને સંકીર્તન કરતા. એમની આવી અનન્ય હરિભક્તિની ખબર પડતા લોકો એમની પાસે આવવા લાગ્યા હતા. શાંતિપુરની પાસે ફુલિયા નામનું એક ગામ છે. તેમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી હતી. હરિદાસ મુસલમાન હોવા છતાં જે પ્રેમથી હરિની ભક્તિ કરતા એ જોઈ એ ગામના બ્રાહ્મણો અને વૈષ્ણવો એમનો ખૂબ આદર કરતા હતા.

એ સમયે મુસલમાન રાજાનું રાજ્ય હતું- હરિદાસ મુસલમાન ગુસ્સે ભરાતા. એટલે ગોરાઈ કાજીએ મુલુકપતિની અદાલતમાં ફરિયાદ કરી એટલે એમને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા.

અદાલતમાં એમના પર મુકદમો ચલાવવામાં આવ્યો ત્યારે ન્યાયાધીશ મુલુકપતિએ એમને હરિ નામનો જાપ છોડી મુસલમાન ધર્મની રીત પ્રમાણે જીવવા આગ્રહ કર્યો. તે વખતે તે બોલી ઉઠયા હતા- ' આદરણીય ન્યાયાધીશ, આ દુનિયાનો માલિક એક જ છે, હિંદુ અને મુસલમાન એને અલગ અલગ નામથી બોલાવે છે. મને જે રીતે ગમે છે તે રીતે હું ઇશ્વરને ભજું છું. જો કોઈ હિંદુ મુસલમાન થઈ જાય તો એના પર અત્યાચાર કરાતો નથી તો હું હિંદુ થઈ ગયો છું, ત્યારે મારા પર અત્યાચાર શા માટે કરાય છે ?

આ સાંભળી ન્યાયાધીશ મુલુકપતિનું હૃદય તો પીગળી ગયું પણ ગોરાઈ કાજીમાં કોઈ ફરક ના પડયો. એણે ન્યાયાધીશને કડક મૃત્યુદંડની સજા ફરમાવવા આદેશ કર્યો. અદાલતે છેલ્લી વાર હરિદાસને સમજાવ્યા અને હિંદુઓના દેવને ભજવાનું છોડી દેવા જણાવ્યું. ત્યારે તે બોલી ઉઠયા- ખંડ ખંડ કરે દેહ, યદિ જાપ પ્રાન । તબૂ આમિ બદને, ના છાડિવ હરિ નામ ।। એટલે કે મારા શરીરના ટુકડે ટુકડા કરી દો, મારા પ્રાણ પણ નીકળી જાય કોજીની સલાહથી ન્યાયાધીશે હરિદાસને બાવીસ બજારોમાં ફેરવતા ફેરવતા એની પીઠ પર કોરડા મારી એને મારી નાંખવાની સજા સંભળાવી. સિપાઈઓએ એનો અમલ કર્યો.

હરિદાસના ખુલ્લા બરડા પર કોરડા પડવા માંડયા. પણ ન તો એના ચહેરા પર કોઈ વેદના દેખાઈ કે ન તો એના મુખેથી આહ નીકળી ! એ તો હસતાં મુખે હરિનું નામ જ લેતા રહ્યા. થોડીવાર બાદ તે બોલી ઉઠયા-' હે ભગવાન ! આ લોકો મને એમની ભૂલને લીધે મારી રહ્યા છે. આ જીવોને એમના અપરાધથી મુક્ત કરો. એમને એ માટે ક્ષમા કરી દો. એમના પર કૃપા કરો.' એ પછી એ બેહોશ થઈને ઢળી પડયા. સિપાઈઓ અને કાજીને લાગ્યું કે હરિદાસ મરણ પામ્યા છે. એટલે એમના મૃતદેહને ગંગામાં વહાવી દેવામાં આવ્યો.

ભગવત્કૃપાથી હરિદાસ મરણ પામ્યા નહોતા. થોડીવાર પછી તેમનું શરીર કિનારે આવી ગયું અને તે ભાનમાં આવી ગયા. આ ચમત્કારિક ઘટના જોઈને બધા વિસ્મય પામી ગયા. ન્યાયાધીશ મુલુકપતિ અને કાજી ભગવન્નામની શક્તિ નિહાળી હરિદાસથી પ્રભાવિત થયા. એમની ક્ષમા માંગી એમના પગમાં પડયા અને એમના અનુયાયી બની ગયા.

એ સમયગાળા દરમિયાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ નવદ્વીપમાં હરિ-નામ-રસ-સુધા વરસાવી રહ્યા હતા. હરિદાસ પણ ત્યાં આવીને રહ્યા અને ભગવાનના સર્કીતનનો આનંદ લૂંટવા લાગ્યા. હરિ નામના દિવાના હરિદાસજીનો અનન્ય ભગવત્પ્રેમ જોઈ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ એમને તથા નિત્યાનંદજીને નગરમાં બધે જ ફરીને નૃત્ય કરતાં કરતાં નામ સંકીર્તન કરવા નિયુક્ત કર્યા. હરિદાસ ચૈતન્ય દેવના શિષ્ય બની ગયા.

શ્રી ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાાથી તે જગન્નાથ પુરીમાં આવી કાશી મિશ્રના બગીચામાં કુટિ બનાવીને રહેવા લાગ્યા. ત્યાં વસીને પણ એમણે ભગવન્નામનો પ્રસાર કર્યો. એમનું મૃત્યુ પણ ત્યાં જ થયું. હરિદાસના મરણ સમયે શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમની ભક્તમંડળી સાથે એમની પાસે જ હતા. હરિદાસજીના મૃત શરીરને પોતાના બન્ને હાથથી ઉચકીને ચૈતન્ય મહાપ્રભુ નાચવા લાગ્યા હતા અને સંકીર્તન કરવા લાગ્યા. એમણે પોતાના હાથે જ હરિદાસના મૃતદેહને સમાધિ આપી હતી.

Tags :