પ્રેમ અને આનંદના આકાર રૂપ ભગવાન શ્રીકૃષ્ણ અદ્ભુત કર્મ કરનારા હતા !
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
'યંબ્રહ્મેતિ વદન્તિ કેચન જગત્કર્તેતિ કેચિત્પરે ત્વાત્મેતિ પ્રતિપાદયન્તિ ભગવાનિત્યેવ કેડપ્ચુત્તમાઃ । નો દેશાન્ત થ કાલતો બત પરિચ્છેદોડસ્તિ યસ્યૌજસો દેવઃ સોડયમવાપ નંદદયિતોતસ્ડગે પરિચ્છિન્નતામ્ ।। જે મહાપુરુષને વિવેકી જ્ઞાાનીજનોમાંથી કેટલાક બ્રહ્મ કહીને બોલાવે છે, કેટલાક જગત્કર્તા કહીને બોલાવે છે તો કેટલાક આત્મા કહીને ઓળખાવે છે, કેટલાક વળી એમને ભગવાન તરીકે પ્રતિપાદિત કરે છે, જેમનું પરમ તેજ દેશ અને કાળ દ્વારા પરિચ્છિન્ન થઈ શકતું નથી તે જ ભક્તવત્સલ ભગવાન આજે યશોદાના ખોળામાં છુપાઈને (બાળ કૃષ્ણ રૂપે) વિલસી રહ્યા છે.'
ભગવાનના વિવિધ અવતારોનું વર્ણન કરનારા મહર્ષિઓએ બીજા અવતારોને અંશાવતાર અને ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર કહ્યા છે. 'એતે ચાંશકલાઃ પ્રોક્તાઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયંમ્ ।' એ વિધાન આ બાબતને પુરવાર કરે છે. ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન શ્રીકૃષ્ણ લીલા પુરુષોત્તમ છે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આદિથી અંત સુધી અઘટન-ઘટના-પટીયસી લીલાઓથી ભરેલું છે એટલે એ પ્રાકૃતજનોને નહીં, જ્ઞાાનીજનો, મહર્ષિઓ અને દેવોને પણ વિસ્મય પમાડે છે.
લીલા પુરુષોત્તમની માયાથી કોઈ બચી શકવા સમર્થ નથી. સમુદ્રમંથન પ્રસંગે અમૃત વિતરણ કરવા ભગવાન શ્રીહરિએ ધારણ કરેલા મોહિની સ્વરૂપથી દાનવો જ નહીં, દેવો પણ મોહિત થયા હતા. અરે! યોગીઓના ઈશ્વર, કામદેવને પણ ભસ્મીભૂત કરી દેનારા મહાદેવ શિવજી પણ મોહ પામ્યા હતા તે ઘટના શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં વર્ણન કરાયેલી છે.
શ્રીકૃષ્ણ કોને આનંદ ન આપે? તેમનાથી કોણ ન આકર્ષાય? તેમનું અસ્તિત્વ આનંદરૂપ છે અને એમનું સ્વરૂપ પ્રેમમય. આનંદ અને પ્રેમના સમન્વિત આકારમાં પાછી પ્રબળ આકર્ષણ શક્તિ મૂકી દીધી છે 'કૃષ્ણ' શબ્દ આ બન્નેનું સૂચન કરે છે.
શ્રીગોપાલતાપિની શ્રુતિ કૃષ્ણ શબ્દનો અર્થ સમજાવતા કહે છે - 'કૃષિર્ભૂવાચકઃ શબ્દો ણશ્ચ નિર્વૃતિવાચકઃ તયોરૈક્યં પરબ્રહ્મ કૃષ્ણઈત્યભિધીયતે ।। 'કૃષ્' અસ્તિત્વ સૂચક શબ્દ છે અને 'ણ' આનંદ સૂચક શબ્દ છે. એમના ઐક્યથી બનતું પરબ્રહ્મ સ્વરૂપ 'કૃષ્ણ' એમ કહેવાય છે.' એટલે અસ્તિત્વનો જે આનંદ છે તે 'કૃષ્ણ'. બીજું, કૃષ્ણ શબ્દમાં રહેલ 'કૃષ્ (કર્ષતિ) ધાતુ-ક્રિયાપદનો અર્થ આકર્ષણ પણ થાય છે. 'કર્ષતિ આત્મસાત્ કરોતિ આનંદત્વેન પરિણમયતીતિ મનો ભક્તાનામિતિ યાવત્ યઃ સઃ કૃષ્ણઃ । જે ભક્તોના મનને આકર્ષે છે, આત્મસાત્ કરે છે અને પરમ આનંદના સાક્ષાત્કાર કરાવી તેમાં તદ્રૂપ કરી દે છે તે કૃષ્ણ.'
ભગવાન શ્રીકૃષ્ણે અવતરણથી પરમધામગમન સુધીની અવધિમાં અનંત અદ્ભુત લીલાઓ કરી. બાળપણમાં પૂતના, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર, પ્રલંબાસુર, અરિષ્ટાસુર વગેરેને મારવાની, કાલિય નાગનો નિગ્રહ કરવાની, યમલાર્જુન વૃક્ષો રૂપે રહેલા નલકૂબર-મણિગ્રીવનો ઉદ્ધાર કરવાની, વાછરડા અને ગોપબાલકોને બ્રહ્મા દ્વારા હરી લેવાયા બાદ એ જ રૂપે વ્રજમાં વર્ષપર્યંત રહેવાની, ઈન્દ્રનો મદ દૂર કરવા ગોવર્ધન યજ્ઞા કરાવવાની અને ગોવર્ધનને ડાબા હાથની ટચલી આંગળી પર ધારણ કરી સાત દિવસ સુધી પ્રલયકારી વરસાદથી બચાવવાની, દાવાગ્નિ પાન કરી વ્રજવાસીઓને બચાવવાની, ગોપલોકોને બ્રહ્મ અને પરમધામના દર્શન કરાવવાની, શરદપૂર્ણિમાની રાત્રિએ ગોપીઓ સાથે રાસક્રીડા કરી સ્વરૂપાનંદનું દાન કરી એમના હૃદયના રોગ રૂપ વિકારોનું શમન કરવાની, અક્રૂરને ઈશ્વરરૂપે દર્શન આપવાની, ત્રણ જગ્યાએથી વાંકી, કદરૂપી કુબ્જાને સીધી કરી સુંદરતા પ્રદાન કરવાની, આણૂર, કંસ વગેરેને મારી માતા-પિતા દેવકી-વસુદેવને જેલમાંથી છોડાવવાની, ગુરુ સાંદિપનીને ત્યાં રહી અલ્પકાળમાં ચોસઠ કલાઓ શીખી લેવાની, ગુરુદક્ષિણા રૂપે મૃતપુત્રને યમલોકમાંથી પાછા લાવવાની, શિશુપાલ, દંતવક્ત્રનો વધ કરવાની, આઠ પટરાણીઓ અને ભૌમાસુરને ત્યાં કેદ કરાયેલ ૧૬૦૦૦ કન્યાઓને પત્ની રૂપે સ્વીકારી એમનું હિત કરવાની, મિત્ર સુદામા સાથે આત્મીયતા પૂર્વકની મૈત્રી નિભાવી એને પોતાના જેટલી જ સંપત્તિ અને સુવર્ણ મહેલ રાતોરાત પ્રદાન કરવાની, અર્જુનના રથના સારથી બની એને ઉપનિષદના દોહન રૂપ ગીતાનો ઉપદેશ આપી યુદ્ધનું કર્તવ્ય કર્મ કરાવી એમાં વિજય પ્રાપ્ત કરાવવાની એવી અનેક અદ્ભુત લીલાઓ કરનારા ભગવાન શ્રીકૃષ્ણને અદ્ભુત કર્મી લીલા પુરુષોત્તમ કહેવાય છે.
ભાગવતમાં સુત પુરાણી શૌનકને કહે છે - 'જે માનવી, વ્યાસપુત્ર શુકદેવજી દ્વારા વર્ણન કરાયેલ પાપનાશક, પરમ સુખકારી, કાનથી પ્રવિષ્ટ થતા અમૃતરૂપ ભગવાન શ્રીકૃષ્ણના અદ્ભુત ચરિત્રને તન્મય થઈને સાંભળે છે અને સંભળાવે છે તે ભગવાનના કલ્યાણકારી પરમ ધામને પ્રાપ્ત થાય છે.'