Get The App

માનવજીવનમાં વિચાર, વાણી અને વર્તન

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
માનવજીવનમાં વિચાર, વાણી અને વર્તન 1 - image

સુંદર વિચાર, વાણી અને વર્તનની સમાંતર રેખા હેઠળ જીવતો માનવી ઉત્તમ અને શ્રેષ્ઠ છે. વિચારોની સાથે માનવી ગૂંચવાય છે. ઉંઘમાંથી જાગતા જ વિચારોની પરંપરા અને વમળો આપણા મનને ઘેરી લે છે. ત્યારે કયો વિચાર અમલમાં મૂકવો તેની મુંઝવણમાં માનવી અસ્તવ્યસ્ત બની જાય છે. આપણે ચિત્તવાયુ, ભ્રમવાયુના ઘણાં કિસ્સાં જોયા છે. સારા વિચાર આવ્યા પછી તેને વાણીમાં પ્રકટ કર્યા બાદ તેનો અમલ કરવો એ વિચારની સાર્થકતા છે. ઘણા માનવી વિચારે જુદું, બોલે જુદું અને વર્તન રાખે જુદું ત્યારે તેમની વાણી કે વર્તન પર કોઈ વિશ્વાસ રાખતુ ંનથી.

''અંતે મતિસો ગતિ'' આ ઉક્તિ પ્રમાણે એ બાવાજી મરણ પથારીએ પડયા હતા. અંત સમયે તેમણે બોરડીના ઝાડ સામે જોયું તો તેના પર સરસ બોર જોયાં. તેમની ઈચ્છા બોર ખાવાની થઈ. તેમનું મરણ થયા પછી બીજા  અવતારમાં તે બાવાજી કીડો બન્યા અને પેલા બોર ખાવા લાગ્યાં. વિચાર અને દ્રશ્યનો સંયોગ થતાં તે વિચાર ફળીભૂત થાય છે. વિચાર આવે પણ તે  વસ્તુ નજર સામે ન હોય ત્યારે વિચાર પાંગળો બને છે શુધ્ધ વાણી અને વર્તન સારા વિચારોને જન્મ આપે છે.

માનવીના સમગ્ર જીનવમાં તેના વિચારો મહત્વનો ભાગ ભજવે છે. મન હોય તો માળવે જવાય એનો અર્થ કે આપણો વિચાર અને મનોબળ તટસ્થ અને મક્કમ હોય તો મનને વિચાર  સાથે સંમત થવું જ પડે છે. મનની મુંઝવણ એટલે વિચારોનું વાવાઝોડું.

માનવી પોતાની પ્રગતિ કે અધોગતિ વિચાર વાણી અને વર્ણન દ્વારા કરી શકે છે. ક્રાંતિકારી વિચારો દ્વારા હિંદ છોડોની ચળવળ ચલાવનાર ગાંધી, નહેરૂ, સરદાર, સુભાષ જેવા મહાનુભાવોએ આપણને આઝાદી અપાવી છે. આવું મહાન ક્રાંતિકારી કાર્ય વિચારોને આભારી છે. આપણા સારા વિચારો, વાણી અને વર્તન આપણને ''માનવ'' બનાવે છે. તારણહાર બનાવે છે, પાલનહાર બનાવે છે. દુષ્ટ વિચાર દાનવ બનાવે છે. ભક્ષક બનાવે છે. વિચાર, વાણી અને વર્તનની ત્રિવેણી સંગમ પર માનવ જીવનની આલિશાન ઈમારત બને છે.