For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ તો જિંદગી છે ભૈ...!!ડોન્ટ વરી, ચાલ્યા કરે...!!

Updated: Mar 15th, 2023


જિં દગીનો સ્વભાવ છે ચાલવાનો. હા, જિંદગી પણ એક ગાડી જ છે.  દરેક જિંદગી એક ગાડી છે અને દરેક મનુષ્ય એક ડ્રાયવર છે. ચાર પૈડાવાળી ગાડી આપણે ખાલી અગરબત્તિ કરવા નથી લાવતા. હરવાફરવા લાવીએ છીએ. આનંદપ્રમોદ કરવા લાવીએ છીએ. જિંદગી તો ચલતી ભલી. 

ખાસ કરીને મોટી ઉંમરે ગાડી શીખતા ખૂબ તકલીફો પડતી હોય છે. આ મારું કામ નહિ, આ મને ના આવડે. માણસ હૈયાટી પણ જાય છે. તેમ છતાં પત્નીને બાજુમાં બેસાડીને ગાડી ચલાવવાનું સ્વપ્નું અને ગાડીનો શોખ અંદરથી આત્મવિશ્વાસનો ધક્કો લગાડે છે અને માણસ સરસ રીતે ગાડી ચલાવતાં શીખી જાય છે. ફેમિલી સાથે ક્યાંક જવાનું થાય તો કેટલાય ખાડા-ટેકરા, વળાંકો, ઢાળ આવે તો પણ સ્મુધલી ગાડી ચલાવીને ડાકોર, અંબાજી, ચોટિલા કે સોમનાથ પહોંચી જવાતું હોય છે. ત્યાં પહોંચીએ એટલે બધો જ થાક જાણે કે ઉતરી જાય છે કેમ...? શું થયું આ બધું...?

કારણ કે જિંદગીના કાચાપોચા ડ્રાયવરને પણ મંઝિલ દેખાતી હતી. મનમાં ડર કે ગભરામણ હતી પણ સાથે સાથે ફેમિલીના આનંદની પણ વાત હતી. આથી તમામ અવરોધોને પાર કરીને એ પોતે પણ પોરષાઈ ગયો. પોતાની ડ્રાઈવીંગનું એને ગૌરવ થયું.

બસ આજ વાત જિંદગીને લાગું પડે છે. આપણી જિંદગીને કેમ ચલાવવી એ શીખવાની જરૂર છે. ઘણીવાર ચાર પૈડાવાળી મોંઘી ગાડી ચલાવનાર ચાલકને જિંદગીની ગાડીનું સ્ટિયરિંગ પકડતા પણ નથી આવડતું. પોતાની જિંદગીને ડ્રાઈવ કરવામાં કાચા પડતા હોય છે. ખાલી કમાઈ કમાઈને મરવાનો મતલબ શો...? જેની પાસે માત્ર પૈસા કમાવા સિવાય બીજી કોઈ કલા નથી એ જિંદગીની ગાડીનો કાચો ડ્રાઈવર જ છે.

જિંદગીની સફરમાં ખાડા જેવા અને બમ્પ જેવા માણસો ભટકાશે જ. તમારી ઈર્ષાઓ થવાની. નિંદાઓ થવાની. ઢાળ જેવા માણસો તમને લપસવાની કોશિષ કરવાના. આ તારું કામ નહી, આ તારાથી નહીં થાય એવું કહેનારા મળશે. તમારી લીટી કાપીને પોતાની લીટી લાંબી કરવાવાળા મળશે. ટૂંકમાં તમને ન ગમે એવું વર્તન, વ્યવહાર અને ઘટના આકાર લેવાની. પણ તમારી ગાડી થોભવી ન જોઈએ. જિંદગીની સફરનો આનંદ લેવો એ જેવી તેવી વાત નથી. જેને અંતર્યાત્રા કરી હોય તે જ માણસ છાતી ઠોકીને કહી શકે... કે ભૈ, આ તો જિંદગી છે. ડોન્ટ વરી, ચાલ્યા કરે...

આ ચલાવાતા નથી આવડતું એટલે જ માણસ ભટકી જાય છે, અટકી જાય છે અને ઘણા કિસ્સામાં ચસકી પણ જતું હોય છે. ક્યારે ક્લચ આપવી, ક્યારે કયો ગિયર બદલવો, બ્રેક કેવી રીતે અપાય આ બધું જ ગાડી ચલાવતી વખતે માણસ શીખતો હોય છે. બરાબર એમ જ આ વાત......  આપણા જીવનમાં પણ બનતી હોય છે. ચઢતી પડતી, ધૂપર્છાંવ, સુખદુઃખ, જન્મમરણ, ઓછું-વધતું, માન-અપમાન, રાગદ્વેષ, મારું-તારું વગેરે વગેરે... જિંદગીમાં થતું રહેવાનું. આ તો બધું આદિકાળથી ચાલતું આવ્યું છે. ભગવાને સડક જ એવી બનાવી છે જ્યાં આ બધું આવતું રહેવાનું. જિંદગીની ગાડી બંધ થશે ત્યારે થશે, અત્યારે તો ચલાવો.

મૂળ વાત જિંદગીની ગાડીને ચલાવવાની છે. તમારી જિંદગીના ડ્રાયવર તમે. ઉપર વાંચ્યા અને તમામ અવરોધોને કેવી રીતે પસાર કરવા એ આપણી વ્હોટસ્એપ યુનિવર્સિટીના ઠોઠ સ્ટુડન્ટો રોજ આપણને ફોરવર્ડ કરતા રહે છે. એ ખૂબ સુંદર અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. આપણી જિંદગીને સુંદર રીતે ચલાવી શકાય એટલું બધું સોશિયલ મીડિયામાં જોવાય છે અને વંચાય છે. પણ, ગાડી ચલાવવાની થીયરી આવડતી હોવાથી જિંદગી ચલાવતા નથી આવડી જતું. જિંદગીને ચલાવવા માટે તો પહેલા મારી જિંદગીનો હું માત્ર ડ્રાયવર જ છું એવી સમજ ગોખવી પડે. બીજાના ઈશારે યા બીજાના વિચારે ગાડી ચલાવવાનું જોખમ ન લેવાય. માણસની આગવી સૂઝ પેદા થવી જોઈએ. ઈન શોર્ટ..... ગાડીની થીયરી જાણે તે જ્ઞાાની અને પ્રેક્ટીકલ કરી બતાવે તે વિદ્વાન.

- દિલીપ રાવલ

Gujarat