Get The App

આના તો ચાવવાના જુદા અને બતાવવાના જુદા છે

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
આના તો ચાવવાના જુદા અને બતાવવાના જુદા છે 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

એક વ્યક્તિના ઘરની બાજુમાં એક સંતનો સત્સંગ થયો. દરરોજ સાંજના સમયે કેટલાંક ભાઈ-બહેનો એ સંતના સમાગમમાં આવતાં. સંતની વર્તણુંક બધા જ પ્રત્યે સારી. ધર્મના ઊંડા રહસ્યો ખૂબ જ સરસ સરળ ભાષામાં લોકભોગ્ય શૈલીમાં સમજાવે. દૃષ્ટાંત કે વાર્તા પણ પોતાના પ્રવચનમાં કરતા. ક્યારેક ક્યારેક વ્યાખ્યાનમાં વચમાં કવિતા કે ગીતની પંક્તિ પણ લલકારે જેથી તેનું વકતવ્ય રસમય બની જતું. પરંતુ પાડોશમાં રહેતી આ વ્યક્તિને સત્સંગમાં બિલકુલ રસ નહીં જેથી સંતની આ પ્રવૃત્તિ પ્રત્યે ભયંકર અરૂચિ.

તે જૂએ કે સત્સંગમાં તો ઘણા ક્ષેત્રની સારી વ્યક્તિઓ આવે છે, ત્યારે તેને આ સંતની ઇર્ષા પણ આવે અને આપને પરિણામે તે હંમેશાં સંતની નિંદા કરે. સત્સંગમાં આવેલી વ્યક્તિમાંથી કેટલીક પોતે જાણતો હોય તેવી વ્યક્તિને બાજુમાં બોલાવીને તે કહે કે,' આ સંત નથી, ઢોંગ ધુતારો છે.' ક્યારેક કોઈ એના વખાણ કરે તો કહે,' ના ભાઈ, આવું કાંઈ નથી. તેને ચાવવાના જુદા અને બતાવવાના જુદા છે.' કોઈકને ખોટા પ્રસંગો કહે છે ને સંતની નિંદા કરે. ક્યારેક મનઘડંત વાતો ફેલાવી સંતને હલકા ચિતરવાનો પ્રયાસ કરે. સંતને આ વાતની જાણ ખરી પણ તે વિચારે છે કે, 'નિંદા દ્વારા મારાં કુકર્મોને તે ધોવે છે. પ્રભુ તેને સદ્બુધ્ધિ આપે.'

એક દિવસ શેરીની બહાર એ ઊભો હતો અને સત્સંગસભા પૂરી થઈ અને બધાં બહાર નીકળી રહ્યાં હતાં. તેણે જોયું કે,' આ તો મિત્ર ગોપાલ અને નરેશકાકા છે.' ગોપાલ તેનો જિગરજાન બાળપણનો મિત્ર. તેની બુધ્ધિ પર તેને ઘણું માન. ધંધા-વેપારની મુશ્કેલ પરિસ્થિતિમાં ગોપાલે તેને કુનેહ અને કોઠાસૂઝથી મુશ્કેલીમાંથી બહાર કાઢેલો પણ ઘણા સમયથી મળેલ નહીં. વળી તેણે વિચાર્યું કે, તે નરેશકાકાના ઘરની બાજુમાં જ રહે છે જેથી સાથે જ સત્સંગમાં આવ્યા હશે. નરેશકાકા તેમના પિતાના પિત્રાઈ ભાઈ પોતાના પિતાની ગેરહાજરીમાં વહેવારીક કામમાં સહયોગ અને માર્ગદર્શનમાં તેમની સાથે જ સત્સંગમાં આવ્યા હશે. ઉભા રહે. બન્નેને બૂમ પાડીને તેમને ઉભા રાખ્યા.

બન્ને પાસે જઇને તેણે સંતની બુરાઈ અને નિંદા કરવાનું શરૂ કરી દીધું. બન્નેએ તેને ભાવપૂર્વક કહ્યું કે,' ભાઈ, તારા મનમાં આ સંત વિશે કાંઈ ગેરસમજ ચોક્કસ થઈ અનેતું પૂર્વગ્રહથી પીડાય છે.' બન્નેએ કહ્યું,' આ સંતના નિક્ટ સાંનિધ્યમાં અમે બે વાર સાત-સાત દિવસ શિબિરમાં રહ્યા છીએ. તેમનું ચારિત્ર્ય નખશિખ પવિત્ર છે. તેમનું આચરણ અને જીવનચર્યા પારદર્શક છે. આપણે તેમના વિશે ઘસાતું બોલીને નિંદા કરીએ તો પાપના ભાગીદાર બનીએ. આ સંતને શરણે જવામાં જ આપણું કલ્યાણ છે.' તે વિચારે છે,' આ બન્ને તો મારા પરમ હિતેચ્છુ છે, તે કદી મારી પાસે ખોટું તો ન જ બોલે. જેથી તેને થયું કે,'મેં ખોટું કર્યું છે. તે બન્નેને કહે છે કે,'મારે હવે મારી ભૂલને સુધારવી છે. તો બન્નેએ કહ્યું, 'સાચા હૃદયથી સંતની પાસે જઈને તેમની માફી માગી લે.' સંત પાસે જઈ બે હાથ જોડી માફી માગે છે અને કહે છે કે, મારા અપરાધને માફ કરો. સંત કહે,' મારા અપરાધને માફ કરો. સંત કહે,' સામે કબૂતરખાનું છે, ત્યાં કબૂતરનાં પીછાં વેરાયેલાં પડયાં હશે અને તે બધાં જ પીછાં ભેગાં કરી અને અલગ અલગ પાંચ ચોક કે ચોરાહ પર નાખીને આવી જ્જે. તેણે એમ કર્યું, 'સંત કહે, હવે સવારે મારી પાસે આવજે. સવારે તે આવ્યો ત્યારે સંત કહે,' હવે પાંચ ચોક કે ચોરાહ પર જઈને તે નાખેલાં બધા જ પીછાં પાછાં લઈ આવ.' થોડીવાર પછી ખાલી હાથે પાછો આવીને કહે છે કે, 'બધાં જ પીછાં પવનને કારણે ઊડી ગયાં કશું જ પાછું હાથમાં ન આવ્યું. સંત કહે ભાઈ, આપણા મોઢામાંથી નીકળેલા શબ્દોનું એવું જ છે. એકવાર બહાર પડયા પછી તે પાછા મુખમાં સમાઈ શક્તા નથી. તેં કરેલાં કૃત્યુનું પણ એવું જ છે. પરંતુ પ્રાયશ્ચિત્તના ભાવમાં આવી જા. સ્વદોષદર્શન અને પરગુણદર્શન સાથે આત્મનિરીક્ષણ કર.'

નિંદા જીવનમાં નકારાત્મક અભિગમ છે. સંત કબીર કહે છે કે,

નિંદક નિયરે રાખીએ, આંગણ કરી છવાય, બિન પાની સાબુન મીલા નિર્મળ હોઈ સ્વભાવ. નિંદા કરનાર વ્યક્તિને આપણી પાસે રાખવી જોઈએ, કારણકે તે સાબું કે પાણી વિના આપણી સફાઈ કરી દે છે. નિંદાથી સંબંધોમાં કડવાશ આવે. નિંદા કરનારના મનની અશુધ્ધિ વધે અને જો જેની નિંદા નિરંતર કહે છે તેના પ્રત્યે ઇર્ષા કે દ્વેષભાવ જાગે ને તેમાં કટુતા ભળે તો નિકાચિત કર્મબંધ થાય. નિંદાનો હેતુ બીજાને નીચા દેખાડવાનો છે. ટીકા તો તેને સુધારવા માટે મોઢે કહેલું વાક્ય છે.

એ નરસિંહ મેહતાનાં વૈષ્ણવજનનાં લક્ષણો બતાવતાં કહે છે કે,

પર દુ:ખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે.. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે...

ભૂલથી કોઈની નિંદા થઈ હોય તો તેના સારાં કાર્યોને ગુણાનુવાદ કરવો ને સત્કાર્યોની અનુમોદના કરવી એ જ જીવ માટે કલ્યાણમાર્ગ છે.