સુખ છે પણ શાંતિ નથી .
- માનસિંહ માટે ખાટલો બિછાવી કુંભનદાસે કહ્યું: 'દીકરી, જરા આસન અને આરસી તો લાવ! પરસેવાથી તિલક ભૂંસાઈ ગયું છે. ભત્રીજી આસન માટે ઘાસનો પૂળો અને પડિયામાં પાણી ભરીને લાવી. કુંભનદાસજીએ પૂળા પર બેસી પડિયાના પાણીમાં મુખ જોઈ તિલક કર્યું
સ્વર્ગ એટલે એવી જગ્યા જ્યાં દુ:ખ, દર્દ, વેદના, પીડા, ઉચાટ, યાતના કે વલોપાત જેવું કશું જ ના હોય. જ્યાં ફક્ત સુખ જ સુખ હોય. જ્યાં આરામ, મોજ, ઉત્સાહ, ઉમંગ, ઉત્સવ, કામનાપૂર્તિ અને સંગીતની કેફી ધૂનમાં લચકતા યૌવનનો તરવરાટ હોય. આવા ચિરકાલીન સુખનો રાજા એટલે દેવરાજ ઇન્દ્ર. ઇન્દ્ર કોઈ સાધારણ વ્યક્તિ નહોતો. તે મન્વંતર સુધી રહેનાર સ્વર્ગનો કર્તાહર્તા હતો. (એક મન્વંતર=૩૦૬,૭૨૦,૦૦૦ વર્ષ) તેના સમયખંડનો પ્રત્યેક ખૂણો સુખની મહેંકથી મઘમઘતો હતો. ધરતી પર વસંતઋતુનું આગમન થાય ત્યારે પીળાં પાન ખરે અને ડાળ પર કોમળ કોમળ કૂંપળો ફૂટે પણ સ્વર્ગમાં તો નિરંતર વસંતઋતુની તાજગી અનુભવાતી. છતાં.. છતાં ઇન્દ્ર અજંપો અનુભવતો. તેને રહી રહીને માનભંગ કે ગર્વભંગની ઘટનાઓ પજવતી. દુર્વાસાનો શાપ, વૃત્રાસુર જેવા દૈત્યોને લીધે લાગેલી બ્રહ્મહત્યાનો શાપ, ગોવર્ધનધારણ વખતે થયેલ માનભંગ મેઘનાદ, રાવણ જેવાને લીધે થયેલું અપમાન ! આ બધું યાદ આવતા તેનું મન અશાંત થઈ જતું. તેને મળેલા સુખ કરતાં વધુ આનંદ, વધુ સંતોષ મળે તેવી ભવિષ્યની યોજના કરવાની ઇચ્છા થઈ. જે મળ્યું છે તે ઉપરાંતના ચરમસુખને પામવા તે બેચેન બન્યો. છેવટે તેણે એક અભૂતપૂર્વ મહેલ બનાવવાનો વિચાર કર્યો. દેવોના શિલ્પશાસ્ત્રી વિશ્વકર્માને બોલાવ્યા. કામ શરૂ થયું. થોડું કામ થાય એટલે ઇન્દ્ર જોવા જાય. અમુક કામ ના ગમે એટલે ક્યારેક આકાર બદલાવે, ક્યારેક ઢાંચો બદલાવે, ક્યારેક ફરી કોતરણી કરાવે. આમને આમ સો વર્ષ વીતી ગયાં. વિશ્વકર્મા કંટાળ્યા. તે બ્રહ્માજી પાસે ગયા. અથેતિ વાત સમજાવી. બ્રહ્માજીએ તેમને આશ્વાસન આપ્યું.
બ્રહ્માજી એક દિવસ બ્રાહ્મણનું રૂપ ધરી ઇન્દ્રને મળવા ગયા.' દેવેન્દ્ર મેં સાંભળ્યું છે કે તમે અનુપમ મહેલ બનાવી રહ્યા છો. સો વર્ષ તો વીતી ગયાં ! તમારો મનોવાંછિત મહેલ બનવામાં હજુ કેટલા વર્ષો જશે ? તમે ક્યારે રહેવા જશો? અમે કેટલાં વર્ષો એ મહેલનું સુખ ભોગવશો? તેમની વાત ચાલતી હતી ત્યાં એક વૃધ્ધ મુનિ માથે વાંસની ચટાઈ ઓઢીને આવતા દેખાયા. બ્રાહ્મણે તેમને પાસે બોલાવી પૂછયું. 'મહાત્મન, આપ કોણ છો? ક્યાં રહો છો? અને છાતી પર ગોળાકાર ઉગેલા વાળ (લોમચક્ર) શેના છે?
મુનિએ કહ્યું- 'છાતી પર ઉગેલા વાળને લીધે લોકો મને લોમરા કહીને બોલાવે છે. ઉંમર થોડી હોવાથી મેં ઘર બાંધ્યું નથી. ગરમી અને વરસાદથી બચવા ચટાઈ માથા પર રાખું છું. મારી છાતી ઉપરના આ વાળ મારી ઉંમરની સંખ્યાનું પ્રમાણ છે. જ્યારે જ્યારે કોઈ કારણસર ઇન્દ્રદેવનું પતન થાય છે ત્યારે આ લોમચક્રમાંથી એક વાળ ખરી પડે છે. શી ખબર કેટલા ઇન્દ્ર આવ્યા અને ગયા, હજુ કેટલા આવશે અને જશે ! આવી દશામાં ઘર-સંસાર માંડીને શું કરૂં? (દુર્લભં શ્રી હરેદાસ્યં... સદ્ભક્તિવ્ય વધાયકમ્) આમેય દુર્લભ પ્રભુભક્તિ જ સુખદ, સર્વોપરી અને શાંતિદાયક છે. સાચો જ્ઞાની પરમાત્માના સ્મરણથી મળતી શાંતિ છોડીને સંસારસુખના દુ:ખચક્રમાં ફસાતો નથી.' આટલું કહી મુનિ ચાલતા થયા. બ્રાહ્મણ પણ અદૃશ્ય થઈ ગયા. ઇન્દ્રની તંદ્રા તૂટી. તે ભાનમાં આવ્યો. વિષય-વિકારોના વિચારો છોડી નિ:સ્પૃહ થઈ વિશ્વકર્માને બોલાવી કામ બંધ કરાવ્યું. અને બૃહસ્પતિના આગ્રહથી સ્વર્ગનું કામકાજ અનાસક્તભાવે સંભાળવા મન સ્થિર કર્યું. બ્રહ્મવૈવર્ત પુરાણની આ કથા સુખ અને શાંતિનો ભેદ સમજાવે છે. જ્યાં સુધી આરામદાયક સગવડતા વાળું જીવન નથી મળતું. ત્યાં સુધી માણસ તે મેળવવા દોડધામ કરે છે અને જીવન સુખથી ખીચોખીચ ભરાઈ જાય પછી તે ભોગવી લેવાની લાલસામાં પોતાના કિંમતી વરસો વીતાવી દે છે. આ સમય દરમ્યાન ઠેઠ બારણે આવેલી શાંતિ થોડીવાર થોભીને માણસને કામના, મમતા અને વિષયોમાં લીન જોઈ પાછી વળી જાય છે.
કુંભનદાસજી જમુનાવતા ગામમાં રહેતા હતા. બાજુના પરાસોલી ગામમાં તેમનું ખેતર હતું. એક દિવસ અકબર બાદશાહના સેનાપતિ રાજા માનસિંહ ગિરિરાજની પરિક્રમા કરતા કરતા તેમના ખેતરે આવ્યા. ઉનાળાનો સમય હતો. કુંભનદાસજી પરસેવે રેબઝેબ હતા. માનસિંહ માટે તૂટેલો, ફૂટેલો ખાટલો બિછાવી કુંભનદાસે કહ્યું : 'દીકરી, જરા આસન અને આરસી તો લાવ ! પરસેવાથી તિલક ભૂંસાઈ ગયું છે, હું તિલક કરી દઉં. ભત્રીજી આસન માટે ઘાસનો પૂળો અને પડિયામાં પાણી ભરીને લાવી. કુંભનદાસજીએ પૂળા પર બેસી પડિયાના પાણીમાં મુખ જોઈ તિલક કર્યું. માનસિંહને લાગ્યું ભક્ત ગરીબ છે, પૈસાની તંગી છે, તેમણે તરત સોનાથી મઢેલો અરીસો મંગાવી કુંભનદાસજીને આપ્યો. કુંભનદાસજી એ કહ્યું - ભાઈ, અમારા તો ઘાસ-પાનના ઘર ! આવી કિંમતી ચીજ ઘરમાં છે. એવી ખબર પડે તો ચોર-લૂંટારા અમારો જીવ લઈ લે ! એ તો ઠીક પણ તેની ચિંતામાં ઠાકોરજીનું સ્મરણ ઓછું થઈ જાય.' છેવટે રાજા માનસિંહે સોનામહોરોની પેલી ભેટ ઘરી. ત્યારે કુંભનદાસજી બોલ્યા : 'ભાઈ, આભાર તમારો. પણ હું સાવ ગરીબ નથી. આ ખેતરમાં જુવાર,ચણા, મકાઈ પાકે છે. તેના રોટલા ખાઈએ છીએ. ખેતરમાં બોરડી. કેરડાંનું ઝાડ છે તેમાંથી સંધાનું (અથાણું) બને છે. બસ, ગુજરાન ચાલે છે. ભાઈ, અમને વૈભવ નહિ, સાક્ષાત શ્રીજી બાવાની કીર્તન ભક્તિમાં જ આનંદ મળે છે. તેમની ભક્તિ, તેમનું કીર્તન, તેમની સેવા, તેમનું સાન્નિધ્ય એ જ અમારા જીવનની સુખ શાંતિ છે.
શાંતિનો જન્મ નિ:સ્પૃહતાના ગર્ભમાંથી થાય છે. નિ:સ્પૃહતા એટલે લૌકિક ઇચ્છા વગરના પ્રભુમય કર્મો. નિ:સ્પૃહી માણસનું મન તરંગો વગરના સરોવર જેવું શાંત હોય છે. કદાચ સુખનું પાર્સલ કુરિયર મારફતે ઘરના દરવાજા સુધી આવી શકે, પણ શાંતિ સ્વયં પામવાની ભાવના છે. શાંતિનો સંબંધ માનવમનની આત્મજાગૃતિ પર આધારિત છે આત્મજાગૃતિ એટલે આપણી પાસે જે બુધ્ધિકૌશલ્ય હોય, જે કુશળતા હોય, જે પ્રેરણા હોય, જે અનુભવ હોય તેની મર્યાદા સમજી જાતને અને પરમાત્માને જાણવાની શક્તિ. અને મન જાગૃત હોય તો જ શાંતિના ફુવારાના શીતકણો જીવનને પ્રસન્ન કરી રોમેરોમમાં સ્ફૂર્તિ લાવી દે છે. જીવન જીવવા જેવું બનાવી દે છે.
- સુરેન્દ્ર શાહ