હિંદુ શાસ્ત્રોમાં અખંડ દીપકને અવિરત જલતી દૈવી શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જે દિવ્ય શક્તિઓને આહ્વાન કરે છે અને સાધકના મનમાં દીર્ઘકાળ સુધી એકાગ્રતા અને શુદ્ધતા કાયમ રાખે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, અખંડ જ્યોતિ પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે, એમાં રહેલાં કલહ, કલેશ અને દરિદ્રતા દૂર થાય છે અને સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે. કોઈપણ દીપક ૪૦ વર્ષથી વધુ સમય સુધી અખંડ પ્રજ્વલિત રહે તે સિદ્ધ થઈ જાય છે. આજે આપણે એક એવા દિપકની વાત કરીશું જે ૧૦૦ વર્ષોથી અખંડ પ્રજવલિત છે. હિન્દુ મહાતીર્થ ગંગાના તટ પર વસેલું હરિદ્વારના પ્રસિદ્ધ ધામ ગાયત્રી તીર્થ, શાંતિકુંજમાં હરિદ્વારમાં અખંડ દીપક સ્થાપિત છે, જે સન ૧૯૨૬થી સતત આજ સુધી અખંડ પ્રજ્વલિત છે. આ અખંડ દીપક સાથે યુગ નિર્માણ આંદોલનની સમર્થ ઋષિસત્તાઓની શક્તિ જોડાયેલી છે, જે અવશ્ય બધાને દિવ્ય પ્રેરણા આપે છે.
વસંત પંચમી વી. સંવત ૧૯૮૩, (૧૮ જાન્યુઆરી ૧૯૨૬)ના રોજ સવારના બ્રહ્મમૂહૂર્તમાં હિમાલયવાસી ઋષિ સત્તા દાદા ગુરૂદેવ શ્રી સર્વેશ્વરાનંદજી મહારાજ દ્વારા ૧૫ વર્ષના યુવા સાધક શ્રીરામના ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના આવલખેડા ગ્રામ ખાતે પૂજા સ્થાનમાં પ્રકાશપુંજ રૂપે પ્રકટ થયા અને અખંડ દીપક પ્રજ્વલિત કરાવ્યો. એ જ અખંડ દીપકની સાક્ષીમાં શ્રીરામે ગાયત્રીના ૨૪ મહાપુરાશ્ચરણ પૂરા કર્યા અને દિવ્યશક્તિઓ પ્રાપ્ત કરીને ગાયત્રીના સિદ્ધ સાધક બન્યા.
પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા અખંડ જ્યોતિ પત્રિકાનું પ્રકાશન, આર્ષ ગ્રંથોનું ભાષ્ય, હજારો પુસ્તકોનું લેખન, ગાયત્રી, યજ્ઞા, સંસ્કાર, ગૌ, ગંગા, ગીતા જેવા ભારતીય સંસ્કૃતિના આધારભૂત તત્ત્વોની પુનસ્થાપના આજ અખંડ દીપકની પ્રેરણા હતી.
સંપૂર્ણ પૃથ્વી પર મનુષ્યમાં દેવત્વનું અવતરણ અને ધરતી પર સ્વર્ગનું વાતાવરણ બનાવવા વાળી સો સૂત્રી યુગ નિર્માણ યોજના, વિચારક્રાંતિ અભિયાન, સાત આંદોલન, ગાયત્રી પરિવારની મુખ્ય સંસ્થાઓની સ્થાપના અને લાખો શાખાઓ, કરોડો પરિજન એના જ વંશજ છે અને એના જ પ્રેરણા પ્રકાશથી પ્રકાશિત છે. વંદનીય માતાજી દ્વારા શરૂ કરવામાં આવેલ વિરાટ અશ્વમેઘ યજ્ઞાની શ્રૃંખલા આ અખંડ દીપકનો જ પ્રતાપ છે.
નિરંતર કરોડો ગાયત્રીમંત્રના જપ એ અખંડ દીપકની સાક્ષીમાં થયા છે અને આજે પણ નિરંતર ચાલી રહ્યા છે, એની શક્તિ એમાં સમાયેલ છે. સ્વયં ગુરૂદેવ પંડિત શ્રીરામ શર્માજીએ ૧૯૯૦માં શરીર છોડયા બાદ એ અખંડ દીપકની જ્યોતિમાં વિલીન થઈને જ્યોતિ સ્વરૂપમાં પ્રકાશિત થયા છે. આ જ્યોતિના દર્શન કરવા માત્રથી દૈહિક, દૈવિક, ભૌતિક પાપ ક્ષીણ થઈ જાય છે. અભાવ, અજ્ઞાન, અશક્તિ જન્ય કષ્ટ દૂર થાય છે, નકારાત્મકતા દૂર થાય છે.
ગાયત્રી પરિવારની સંસ્થાપિકા વંદનીય માતા ભગવતી દેવી શર્માજી કહેતા 'તમે જ્યારે પણ આવશો શાંતિકુંજ ત્યારે તમે અખંડ દીપકમાં જોજો, અમારા બંનેની છબી દેખાશે. શાંતિ, સંતોષ અને પ્રેરણા લઈને તમે અહીંથી જશો. અમે આશ્વાસન આપીએ છીએ કે આ અખંડ જ્યોતિ ક્યારેય બુઝાશે નહીં, અખંડ જ્યોતિની જ્યોતમાં અમને જોઈ શકાશે.
શરીરના પરિવર્તનનો સમય આવશે એટલે અમારે સાકારમાંથી નિરાકાર થવું પડશે, પરંતુ થોડી જ ક્ષણોમાં એ સ્થિતિમાંથી બહાર આવીને દ્રશ્યમાન પ્રતીકના રૂપમાં આ અખંડ દીપકની જ્વલંત જ્યોતિમાં સમાઈ જઈશું, જેના આધાર પર અખંડ જ્યોતિ નામથી સંબોધન રાખવામાં આવ્યું છે. શરીરોના નિષ્પ્રાણ થયા પછી જો ચર્મ ચક્ષુથી અમને જોવાની ઇચ્છા થાય, તેઓ આ અખંડ જ્યોતિની પ્રજ્વલિતમાં અમને જોઈ શકશે. બે શરીર અત્યાર સુધી દ્વૈતની સ્થિતિમાં રહ્યા. ભવિષ્યમાં બંનેની સત્તા એકમાં વિલીન થઈ જશે અને દિવેટ-તેલની અલગ સત્તાઓ એક જ દીપકની જ્વાળામાં સમાવેશ થવાની સ્થિતિમાં અદ્વૈત રૂપમાં ગંગા-યમુનાના સંગમના સ્વરૂપમાં જોઈ શકાશે.
ટૂંકમાં આ અખંડ દીપક માત્ર પ્રકાશનું પ્રતિક નથી પરંતુ તે 'અખંડ વિશ્વાસ', 'અવિરત ધ્યાન' અને 'જ્ઞાનની અનંત જ્વાળ'નું પ્રતિક છે. શાંતિકુંજ હરિદ્વારના યુગનિર્માણ મિશન અનુસાર, અખંડ દીપક આ સમગ્ર પ્રજ્ઞા આંદોલનનો આત્મા છે જ્યાંથી આધ્યાત્મિક પ્રકાશ અને પ્રેરણા પ્રસરે છે. સારરૂપે, અખંડ દીપકનું શાસ્ત્રોક્ત મત એવું કહે છે કે તે અવિરત દિવ્ય ચેતનાનો સ્ત્રોત છે, જે ભક્તિના નિરંતર પ્રવાહ અને દેવતાના આશીર્વાદનું પ્રતિક બને છે.
- શાંતિકુંજ, હરિદ્વાર


