Get The App

'છોડવું' અને 'છૂટવું' એ બેમાં ફરક છે

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
'છોડવું' અને 'છૂટવું' એ બેમાં ફરક છે 1 - image

- જેના ખોબામાં શંખ અને છીપલાં હોય તેને મોતીનો ઢગલો મળી જાય તો તે તરત છીપલાં ફેંકી દેશે અને મોતી લઈ લેશે. તેને ખોબામાંથી છીપલાં છોડવાં નહિ પડે - છૂટી જશે. જે આત્મતત્વ પામી જાય છે તે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે જીવી શકે છે

ઉજ્જૈનમાં શિખિધ્વજ નામનો રાજા રહેતો હતો. તેની પત્ની ચુડાલા વિદ્વાન સ્ત્રી હતી. વિહાર કરતા સાધુઓ કે ચાતુર્માસ દરમ્યાન રોકાતા સંન્યાસીઓનો આત્મતત્વ સભર બોધ સાંભળી તેનામાં અનાસક્તિ-ભાવ જાગ્યો. દિવસે દિવસે તેના ચહેરા પર દિવ્ય તેજ, અસાધારણ શાંતિ અને અલૌકિક ભાવ દેખાવા લાગ્યો. મહારાણી પદનો રૂઆબ ઘટતો ગયો. અંગ પરથી આભૂષણો દૂર થતાં ગયાં. સાદગી વધતી ગઈ. ઈચ્છા, ભોગ, ક્રોધ, રાગ દ્વેષ દેખાતા બંધ થઈ ગયાં. મનોભાવની સ્થિતપ્રજ્ઞાતા શરીર પર વ્યાપી ગઈ. ચુડાલા જીવનમાં આવેલી દિવ્યતા અને પરમશાંતિ જોઈ રાજા શિખિધ્વજને પણ શાંતિ મેળવવાની ઈચ્છા જાગી. તેણે ઝીણવટથી તપાસ કરી. શું તે કોઈ ઔષધ લે છે ? કોઈ મંત્ર જાપ કરે છે ? કોઈ સદ્ગુરૂએ સાધના કરવાની શ્રેષ્ઠ રીત બતાવી છે ? જો કે શિખિધ્વજ ભેદ ના પામી શક્યો. પણ તેને શાંતિ જોઈતી હતી. તેણે સાધુ સંતોનું બાહ્યાચરણ જોયું હતું. સંસાર છોડી કૌપીન ધારણ કરી વનમાં તપ કરતા સંન્યાસીઓની વાતો સાંભળી હતી. તે ધર્મની ભ્રાંત ધારણા પ્રમાણે એટલું સમજ્યો હતો કે ધર્મ એટલે સંસારનો ત્યાગ, ધર્મ એટલે તપ, ધર્મ એટલે છોડવું! એક મધરાતે કોઈને કહ્યા વગર મહેલ છોડીને વનમાં તપ કરવા જતો રહ્યો. તેના ગયા પછી ચુડાલાએ ધર્મપૂર્વક પ્રજાપાલન શરૂ કર્યું. રાજકાજનો બધો વ્યવહાર સંભાળવા લાગી. શિખિધ્વજે વનમાં ઝૂંપડી બાંધી તપ શરૂ કર્યું. ધીરે ધીરે અન્નનો ત્યાગ કર્યો. જળ છોડયું. શરીર સૂકાઈને અશક્ત થવા લાગ્યું. પણ ચિત્તની ઉદાસી ના ગઈ. તે વિચારવા લાગ્યોે મહેલ છોડી વનમાં આવ્યો. તપ કર્યું. આરાધના કરી. શરીરને કષ્ટ આપ્યું છતાં શાંતિ કેમ ના મળી ? ઈશ્વરની ઝલક કેમ ના જોવા મળી ?

છેવટે એક દિવસ ચુડાલા રાજાને મળવા ગઈ. રાજાએ જોયું. ચુડાલામાં હજુપણ અનુપમ તેજ દેખાતું હતું. તેણે પૂછયું, ''ચુડાલા, સાધુ સંતોની માફક મેં સંસાર છોડયો. વૈભવ છોડયો. શરીરને ઓગાળી દીધું છતાં મને શાંતિ કેમ નથી મળતી ? ચુડાલા, મારે મનની શાંતિ જોઈએ છે. બસ, હવે હું આ દેહ પણ છોડવા માંગું છું!!'' ''ચુડાલાએ કહ્યું, રાજન આમ ઉતાવળા ના થાવ. ભલે તમે રાજવૈભવ છોડયો. મને પુત્રને, સગાંને છોડયાં તેથી શું ? અરે, તમે ઝૂંપડી, આસન કે અંગવસ્ત્ર છોડો તોય શું ? એ તો બધું બહારનું છે. એમાં તમારૃં કશું નથી. આ દેહ પણ આપણો નથી. તમારૃં કંઈ હોય તો તે આસકિત છે - મમત્વ છે. ''

''સુખેન ત્યજ્યતે ભોગ : સુખેન ત્યજ્યતે ધનમ્, સુખેન ત્યજ્યતે સ્ત્ર્યાદિ: મમત્વસ્તુ દુસ્ત્વજ: ''સંસારના ભોગો છોડવા સહેલા છે. ધન છોડવુ સહેલું છે. સ્ત્રી, પુત્ર, ઘરબાર છોડવા સહેલા છે. પણ પોતાના મમત્વનો ત્યાગ કરવો અઘરો છે. આસકિત છોડવી અઘરી છે. ''ચુડાલા શિખિધ્વજને આત્મજ્ઞાાન આપતી ગઈ. તેના મનમાં 'છોડવું' અને 'છૂટવું' વિષે જે ભ્રાંત ધારણા હતી તેને દૂર કરતી ગઈ, છેવટે તેના ચિત્તમાં મમતાના ત્યાગની વાત એક ઝબકાર બનીને પહોંચી ગઈ. દેહાત્મભાવ છોડીને અવ્યક્ત પરમતત્વનો બોધ થતાં જ તેનું ચિત્ત શાંત થઈ ગયું, ત્યાર પછી એ જ્ઞાાની દંપતિ અનાસક્ત ભાવે પાછાં ફર્યા.

ઈશ્વરને મેળવવા સમર્થ હોવા છતાં આપણે સાચા ધર્મને ઓળખી શકતા નથી. કારણ કે ધર્મ વિષેનો ખોટો ખ્યાલ આપણા મગજમાં ઘર કરી ગયો છે. આપણે માનીએ છીએ કે ધર્મ એટલે ત્યાગ કરવો. જે છેતે છોડવું. શરીરને કષ્ટ આપવું. ખરેખર, ધર્મ એ ઈશ્વર, પ્રાપ્તિનો મનોહર રસ્તો છે, તેને શુષ્ક બનાવવાની જરૂર નથી. ધર્મ એટલે ન કરવું એમ નહિ, પણ પરમાત્મા અર્થે કંઈક કરવું છે. જેમ પ્રકાશ થતાં અંધકાર દૂર થઈ જાય તેમ સાચા ધર્મની ઉજ્જવલતા પામતાં જ અંધાર દૂર થઈ જાય છે. પ્રભુ પ્રાપ્તિમાં જે નડે તે હટી જાય છે. આપોઆપ છૂટી જાય છે. આત્મસ્વરૂપની જાણ થતાં જ દુનિયાદારી છૂટી જાય છે. આપણે સાધુ-સંત કે ભગવંતોની બાહ્યપ્રવૃત્તિ જોઈને ધારણા બાંધી લઈએ છીએ કે ધર્મ આવો જ હોવો જોઈએ. આપણી આંખ બાહ્યપ્રવૃત્તી જોઈ શકે છે - ભીતરની હલચલ જોઈ શકતી નથી. એટલે આંખને ભગવંતોનો ત્યાગ દેખાય છે. તેમની ઉપલબ્ધિ દેખાતી નથી.

મહાવીરે રાજવૈભવ છોડયો. પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના વહાલા ભાઈ નંદિવર્ધનને છોડયા. શું આ છોડવાથી તેમને કેવલ જ્ઞાાનની પ્રાપ્તિ થઈ હશે ? ફક્ત છોડવાથી તે અર્હંત ભગવાન બન્યા હશે ? ના, એક પછી એક વસ્તુ છોડવાથી જ્ઞાાન પ્રાપ્ત થતું નથી. જ્યારથી મહાવીરને 'સ્વ' સ્વરૂપનું ભાન થયું ત્યારથી તે આત્મોન્મુખ વિચારો કરતા હતા. તેમણે યુવાવસ્થાથી જ સાંપરાયદ્રષ્ટિ સતેજ કરી હતી. તે સમજી ગયા હતા કે આ માનવ જન્મ જો ચુકી જવાશે તો સમ્યગજ્ઞાાન ફરી મળવું દુર્લભ થઈ જશે. આત્મરહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ ફરી નહિ મળે. માટે કેવળજ્ઞાાન પ્રાપ્ત કરવામાં વિલંબ ના કરવો જોઈએ. હવે સમજવાની વાત એ છે કે છોડયા પછી તેમને જ્ઞાાન નથી થયું. પણ જ્ઞાાન થયા પછી બધું આપોઆપ છૂટી ગયું છે.

જેના ખોબામાં શંખ અને છીપલાં હોય તેને જો મોતીનો ઢગલો મળી જાય તો તે તરત છીપલાં ફેંકી દેશે અને મોતી લઈ લેશે. તેને ખોબામાંથી છીપલાં છોડવાં નહિ પડે - છૂટી જશે. જે આત્મતત્વ પામી જાય છે તે સંસારમાં રહેવા છતાં અનાસક્ત ભાવે જીવી શકે છે. એવા ભગવંતોની સાધના ગુપ્ત રહે છે.

હેમચંદ્રાચાર્ય ધંધુકા શહેરના મોઢ વાણિયા હતા. તે કલિકાલસર્વજ્ઞા હતા. તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તેમના અગ્નિ-સંસ્કાર સમયે ગુજરાતના રાજા કુમારપાળે એક રહસ્યની વાત કહી હતી. ''ગુરૂ શ્રીહેમચંદ્રાચાર્ય અમારા રાજગુરૂ હતા. તેમણે રાજ્ય તરફથી અન્નો એક દાણો પણ લીધો નહોતો. તેમના પરિવાર માટે કદી મદદ માંગી નહોતી. આ અપ્રતિમ અનાસકિતની વાત શ્રીમદ્ રાજચંદ્રએ તેમની નોંધમાં લખેલી છે. વાદળની પાંખમાં ભરાયેલું પાણી જ્યારે ધરતી પર આવે ત્યારે જ પોંખાય છે. આપણે ગમે તેટલા ઊંચે હોઈએ જ્યાં સુધી મમત્વ છોડી નમ્ર ના બનીએ ત્યાં સુધી જીવતરની કોઈ કિંમત નથી.''

- સુરેન્દ્ર શાહ